દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓ સાથે નયા ભારત ટૂર ઓપરેટરે છેતરપિંડી કર્યાનો આરોપ, રઝળ્યા પ્રવાસીઓ- Video
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને ટુર ઓપરેટર દ્વારા ઘણો માઠો અનુભવ થયો છે અને હેરાનગતિ કરાઈ તેમજ ધમકી આપવાનો આરોપ પ્રવાસીઓએ લગાવ્યો છે. નયા ભારત નામની ટ્રાવેલ એજન્સીના ટુર ઓપરેટરે પ્રવાસીઓ સાથે છેતરપિંડી કર્યાનો આરોપ પ્રવાસીઓએ લગાવ્યો છે.
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં આઉટ સ્ટેટમાં ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જેમા મોટાભાગના પ્રવાસીઓ પેકેજ ટુરમાં જવાનું પસંદ કરે છે. જો કે સુરતના પ્રવાસીઓને નયા ભારત એજન્સીના ટુર ઓપરેટર દ્વારા ઘણો કડવો અનુભવ થયો છે. આ પ્રવાસીઓએ કાશ્મીરનું 10 દિવસનું ટુર પેકેજ કરાવેલુ હતુ પરંતુ ટુર ઓપરેટરે કાશ્મીરના ટુર ઓપરેટરને ડાયરેક્ટ પ્રવાસીઓનો હવાલો સોંપી દીધો અને તેઓ જવાબદારીમાંથી છટકી ગયા હતા. આટલુ જ નહીં જમ્મુ કાશ્મીરના ટુર ઓપરેટરને આ ઓપરેટરે પેમેન્ટ પણ કર્યુ ન હોવાથી ત્રણ દિવસમાં તેમને નીકળી જવાની ફરજ પાડવામાં આવી હતી. કપલે 4.5 લાખનું બુકિંગ કરાવ્યુ હતુ.
આ અંગે જ્યારે પ્રવાસીઓએ નયા ભારતના ટુર એજન્સીના ઓપરેટર કલ્પેશ પનારાનો સંપર્ક કર્યો તો કલ્પેશન પનારાએ ફ્લાઈટની રિટર્ન ટિકિટ પણ કેન્સલ કરી દેવાની ધમકી આપી હોવાનો પ્રવાસીઓએ આરોપ લગાવ્યો છે. ટુર ઓપરેટરને પ્રવાસીઓએ એડવાન્સ પેમેન્ટ કરી દીધુ હોવા છતા તેમને હોટેલમાં રહેવા દેવામાં આવ્યા ન હતા. આ સમગ્ર ઘટના અંગે અટવાયેલા પ્રવાસીઓએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને ટુર ઓપરેટર કલ્પેશ પનારા સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
ટુર ઓપરેટરે ફગાવ્યા આરોપો
આ સમગ્ર મામલે કલ્પેશ પનારાએ પ્રવાસીઓના તમામ આરોપો ફગાવ્યા છે. ધમકી આપવાના આરોપનું ખંડન કરતા કલ્પેશ પનારાએ કહ્યુ કે પ્રવાસીઓને તેમણે ક્યારેય કોઈ ધમકી આપી નથી. જો તેમને ધમકી મળી હોય તો તેઓ પૂરાવા આપે. તેમના કોલ રેકોર્ડિંગ્સ કે મેસેજ રજૂ કરે. ટુર ઓપરેટરે જણાવ્યુ તેમના 54000ના પેકેજમાંથી પ્રવાસી દીઠ 44 હજારની ચુકવણી કરવામાં આવી છે અને બાકી રહેતા 10 હજાર તેમની પાસેથી લેવાના નીકળે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી આવી નથી. 4 દિવસ સુધી તેમણે પ્રવાસની મજા માણી છે અને તેનો વીડિયો પણ તેમની પાસે છે. ટુર ઓપરેટરે વળતો પ્રહાર કર્યો કે 9 દિવસના ટુર પેકેજમાં તેમણે પુરુ પેમેન્ટ કરવાની ના પાડતા અટકાવી દેવામાં આવ્યુ છે.