ટ્રેનના ડબ્બામાં ફાંસો ખાધેલી હાલતમાં દીકરીનો મળ્યો હતો મૃતદેહ, ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છતાં માતાને નથી મળ્યો ન્યાય, જાણો સમગ્ર ઘટના
વડોદરામાં દુષ્કર્મ થયા બાદ વલસાડ રેલ્વે યાર્ડમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલ નવસારીની દીકરીના મૃતદેહની ઘટનાને બે વર્ષો પૂરા થઈ રહ્યા છે. પણ નવસારીની દીકરીને ન્યાય ન મળતા માતાની આંખો આજે પણ ભીંજાતી રહે છે. SITની રચના બાદ પણ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. ત્યારે માતા દીકરીના મોત માટે જવાબદારો કોણ અને ક્યાં કારણોથી એનો જીવ ગયો એના જવાબ શોધવા આજે પણ લાચાર હૈયે ધક્કા ખાઈ રહી છે.

નવસારીના વિજલપોર શહેરની એક 20 વર્ષીય આશાસ્પદ દીકરી ઉચ્ચ શિક્ષણ સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશાએ વડોદરાની OASIS સંસ્થામાં રહેતી હતી. OASIS ની કામગીરીને લઈ દીકરી અને તેનો પરિવાર બંને ખુશ હતા.
પરંતુ ગત 28 ઓકટોબર 2021 ના રોજ વડોદરામાં રિક્ષામાં આવેલા બે અજાણ્યા નરાધમોએ તેની અસ્મત લૂટી લેતા તેના જીવનમાં ઉઠલ પાથલ થઈ ગઈ હતી. પોતાના ઉપર થયેલા અત્યાચારને દીકરીએ પોતાની ડાયરીમાં લખ્યો હતો પણ પોતાની માતાને કહેવાની હિંમત ભેગી કરી શકી ન હતી. જોકે પોતાને સંભાળ્યા બાદ દીકરી નવસારી આવી હતી અને એ દિવસો દિવાળીના હતા.
જેમાં ગત 3 નવેમ્બર 2021 ના રોજ સુરત જવા નીકળેલી દીકરી મોડી રાતે ગુજરાત ક્વીન ટ્રેનના ડબ્બામાં ચઢી હતી અને તેનો કોઈ પીછો કરતો હોવા સાથે જ તેની હત્યા થઈ શકેની સંભાવનાને લઈ તેણે સંસ્થાના આગ્રાનીને મોબાઈલ મેસેજ દ્વારા વાત કરી હતી. પરંતુ બીજા દિવસે વહેલી સવારે વલસાડના રેલવે યાર્ડમાં ટ્રેનના ડબ્બામાં તેનો શંકાસ્પદ રીતે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રેલવે પોલીસ સાથે જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ એક્ટિવ થતા હતા અને ઉચ્ચ પોલીસ એજન્સીઓના અધિકારીઓને જોડીને SIT ની રચના કરીને તપાસને વેગ અપાવ્યો હતો. પરંતુ તપાસમાં નવસારીની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર અને તેના સંદિગ્ધ મોત વિશેનું રહસ્ય ઉકેલાયું નહીં, આજે બે વર્ષ વિત્યા છતાં ના તો નરાધમો હાથ લાગ્યા અને ના તો મોત ક્યા કારણે થયુ તેને લઈ કારણ એસએમે નથી આવ્યું.
ત્યારે દીકરીને ન્યાય અપાવવા માતાનું કાળજું કંપી રહ્યુ છે. આજે પણ દીકરીની યાદ આવતા જ આંખમાંથી અશ્રુઓની નદીઓ વહેવા માંડે છે. જ્યારે રાજ્યના ગૃહ મંત્રીએ મૃતકાને પોતાની બહેન માની ન્યાય અપાવવા આકાશ પાતાળ એક કરીને પણ આરોપીઓને શોધી કાઢવાનું વચન આપ્યુ હોય અને બે વર્ષે પણ માતા ન્યાય માટે રઝળતી રહે, ત્યારે ફરી પીડિતાની માતાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે આશાની નજર સાથે સરકારી વકીલની માંગ કરી છે.
આ પણ વાંચો : નવસારીમાં આતંક મચાવનાર કદાવર દીપડો પાંજરે પુરાયો
નવસારીની દીકરી સાથે બળાત્કાર અને તેના સંદિગ્ધ મોત પ્રકરણમાં બે વર્ષથી ન્યાય માટે સરકાર અને પોલીસ પર આશા રાખીને બેઠેલી માતા તેની દીકરીના મોત પાછળના કારણો જાણવા પ્રયાસો કરી રહી છે. જવાબદાર સંસ્થા સામે કાર્યવાહી ન થવાથી પણ દુઃખી છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી માતા બનાવીને આપેલો વિશ્વાસ જાળવી રાખે અને દીકરીને ન્યાય અપાવે એવી આશા મૃતકાની માતા સેવી રહી છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)