Breaking News : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધબધબાટી, નવસારી જિલ્લામાં 19 માર્ગો બંધ, જુઓ Video
નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે 19 રસ્તાઓ બંધ થયા છે. સૌથી વધુ અસર વાંસદા તાલુકામાં જોવા મળી છે જ્યાં 10 થી વધુ રસ્તાઓ બંધ છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

દક્ષિણ ગુજરાતમાં પડેલા સતત ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં અનેક નાની-મોટી નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. જેના કારણે પંચાયતના હસ્તકના કુલ 19 રસ્તાઓ ઓવરટોપિંગના કારણે અવરોધાયા છે. સૌથી વધુ અસર વાંસદા તાલુકામાં જોવા મળી છે, જ્યાં કુલ 14 માર્ગો બંધ કરાયા છે. નવસારી અને ચીખલી તાલુકામાં 2-2 તેમજ ખેરગામ તાલુકામાં 1 માર્ગ બંધ કરાયો છે.
વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા અને સુરક્ષા તંત્ર સજ્જ
જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ અવરોધિત માર્ગોના ઉપયોગથી બચી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. વાંસદા તાલુકાના કાળાઆંબા વાટી રોડ પર અંબિકા નદી ઉપર કોઈ પુલ ન હોવાથી ડુંગર વાટેથી 23 કિમી લાંબો વિકલ્પ દર્શાવવામાં આવ્યો છે. આ માર્ગ નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ ફરીથી ખુલ્લો પાડવામાં આવશે.
વાંસદા અને અન્ય તાલુકાઓના મહત્વના અવરોધિત માર્ગો
વાંસદાના મહુવાસ-સરા, વાંદરવેલા-દોણજા અને મોળાઆંબા-બોપી જેવા માર્ગો પણ કોઝવે ઓવરટોપિંગના કારણે બંધ કરાયા છે. અહીં આસપાસના વિકલ્પ માર્ગોની લંબાઈ 4 થી 14 કિમી છે. અંબિકા નદી તેમજ અન્ય નદીઓના પાણીની સ્થિતિ સુધરશે ત્યારે આ માર્ગો ફરી શરૂ થવાની શક્યતા છે.
ચીખલી તાલુકામાં વેલણપુરના એપ્રોચ રોડ ઉપર કોઝવે ઉપરથી પાણી ફરી વળતાં ટ્રાફિક અટકી પડ્યો છે. નવસારી તાલુકામાં સુપા-કુરેલ રોડ પર આવેલ બોક્ષ કલવટમાં પાણી ભરાતા રોડ અવરોધાયો છે. ખેરગામ તાલુકાના તોરણવેરા-પારી ખટાણા માર્ગનું ડાયવર્ઝન ધોવાઈ જતાં તે માર્ગ સંપૂર્ણપણે બંધ છે.
સુપા-કુરેલ બ્રિજ ફરી ગરકાવ, સ્થાનિકોને હાલાકી
નવસારીની પૂર્ણા નદીમાં આવેલા પાણીના કારણે સુપા-કુરેલને જોડતો લો લેવલ બ્રિજ ફરીથી પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે આજુબાજુના પાંચ ગામના લોકોને હવે પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે 10 કિમીનો વધારાનો માર્ગ અપનાવવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારોમાં ઊંચો બ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તંત્ર તરફથી કોઈ સકારાત્મક પગલું લેવાયું નથી. દર વર્ષે ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ઊભી થતી હોય છે અને લોકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પોલીસ બંદોબસ્ત અને તંત્રની કાર્યવાહી ચાલુ
જિલ્લાના તમામ માર્ગો અને નદીઓ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા માર્ગોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનો પ્રવાહ અટક્યા બાદ અવરોધિત માર્ગોને ફરીથી ખોલવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- ભારે વરસાદને પગલે SDRFની ટીમ નવસારીમાં કરાઈ તૈનાત
- જિલ્લાની ત્રણ નદીઓમાં નવા નીરની આવક
- પૂર જેવા આપાત સમયે ફસાયેલા લોકો માટે ટીમ તૈનાત
- પાણીનો ભરાવ થાય તો સુરક્ષિત સ્થળ પર જવા લોકોને અપીલ
- આગામી સમયને લઇ ટીમ દ્વારા કરાઇ પૂરતી તૈયારીઓ
(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત)
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો