Navsari : બિલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનનો ફરી પ્રારંભ, સાંસદ સી.આર.પાટીલે ટ્રેનને લીલીઝંડી બતાવી
બીલીમોરાથી વઘઇ સુધી ચાલતી નેરોગેજ ટ્રેન સ્થાનિક લોકોનો વિરોધ, ધારાસભ્યોની રજૂઆતો અને રેલવે વિભાગની સલાહકાર સમિતિના હોદ્દેદારોની ઉગ્ર રજૂઆતોના પગલે ફરી શરૂ કરવામાં આવી છે.
રેલ્વે મુસાફરી એ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો માટે સસ્તી મુસાફરી માનવામાં આવે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની ટ્રેનનો તો લોકો માટે લાઈફલાઈન બની ગઈ છે. નવસારી જિલ્લાના બીલીમોરાથી વઘઇ સુધી ચાલતી નેરોગેજ ટ્રેન બે વર્ષથી બંધ પડી હતી. આંદોલનો વિરોધ અને ઉગ્ર રજૂઆતોના પગલે ફરી શરૂ થઇ છે. નવા રૂપરંગમાં શરૂ થયેલી ટ્રેનને પગલે મુસાફરોમાં ખુશીની લાગણી વ્યાપી છે.
છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમાં ચાલતી મોટાભાગની નેરોગેજ ટ્રેનનો ખોટના કારણે બંધ કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લાની કોસંબાથી ચાલતી ઉમરપાડા નેરોગેજ ટ્રેન અને નવસારીના બીલીમોરાથી ચાલતી વઘઇ સુધીની નેરોગેજ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. બંને ટ્રેનો લોકો માટે લાઈફલાઈન બની ગઈ હતી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગારી મેળવવા માટે શહેરો સુધી પહોંચવા માટે મહત્વની બની ગઈ હતી. પરંતુ ખોટ કરતી હોવાના બહાના હેઠળ આ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી.
બીલીમોરાથી વઘઇ સુધી ચાલતી નેરોગેજ ટ્રેન સ્થાનિક લોકોનો વિરોધ, ધારાસભ્યોની રજૂઆતો અને રેલવે વિભાગની સલાહકાર સમિતિના હોદ્દેદારોની ઉગ્ર રજૂઆતોના પગલે ફરી શરૂ કરવામાં આવી છે. નવા રૂપરંગમાં શરૂ થયેલી ટ્રેનમાં એસી કોચ પણ લગાવવામાં આવ્યા છે. અને બીલીમોરાથી લઈને વધઇ સુધીના કુદરતી દ્રશ્યો નિહાળી શકાય એના માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લીલીઝંડી બતાવીને ટ્રેનની શરૂઆત કરાવી છે.
વર્ષોથી ચાલતી બીલીમોરા વઘઈ ટ્રેનમાં લોકો ડાંગ જિલ્લાના વઘઈથી નવસારીના બીલીમોરામાં સુધી માત્ર પંદર રૂપિયા જેટલી નાની રકમ રોજગારી માટે પહોંચતા હતા. પરંતુ શરૂ થયેલી ટ્રેન નવા રૂપરંગમાં તો આવી છે. પરંતુ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. સાદી મુસાફરી 15 રૂપિયાની ટિકિટ ના બદલે 40 રૂપિયા કરવામાં આવી છે.
જ્યારે એસી કોચના 560 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જે ભાવ વધારો સ્થાનિક લોકો માટે મોંઘો હોવાનો પણ રાગ લોકો આપી રહ્યા છે. બંધ પડેલી ટ્રેનને ફરી શરૂ કરાતા સાંસદ સી.આર.પાટીલ લીલી ઝંડી આપી છે અને ટ્રેનને હજુ પણ આગળ લંબાવવા માટે અને લોકોને વધુ સુવિધાઓ મળે તેઓ આશાવાદ વ્યક્ત કરી મુસાફરોને વધુ સુવિધાઓ આપવા માટે તાકીદ કરી છે.
સુરતના સાંસદ અને રેલવે વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન દર્શના જરદોશના આવ્યા પછી વધુ ટ્રેનો ગુજરાતમાં શરૂ કરવા માટેની માંગ શરૂ થઈ છે. જેમાં બીલીમોરાથી વઘઇ નેરોગેજ ટ્રેનને નાસિક સુધી લંબાવવા માટેની પણ કામગીરી શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી છે. સાથે રાજધાની જેવી સુપરફાસ્ટ ટ્રેનને ગાંધીનગર વાયા કરીને મોકલવા માટેની પણ રજૂઆતો કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોને જોડતી ટ્રેનોના વધેલા ભાડા જો ઓછા કરવામાં આવે તો હજુ ગ્રામ્ય વિસ્તારના લોકોને મુસાફરી કરવામાં સરળતા રહે એવી શક્યતાઓ રહેલી છે.