Narmada : રાજપીપળાના સ્પોર્ટ્સ સંકુલમાં સમર કેમ્પનું આયોજન, 130થી વધુ બાળકોને અપાઇ રહી છે ખાસ તાલીમ
Narmada News : અહીં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. બાળકો રમતગમત તરફ આગળ વધે તે માટે ખાસ કોચિંગ અહીં આપવામાં આવી રહ્યુ છે.
નર્મદા (Narmada ) જિલ્લાના રાજપીપલામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 10થી 12 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 400 મીટરનો સિન્થેટિક ટ્રેક,વોલીબોલ ગ્રાઉન્ડ,બેડમિન્ટન કોર્ટ,એથ્લેટીક્સ,કબડ્ડી, ખો ખો તમામ રમતોના મેદાન છે. ત્યારે અહીં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. બાળકો રમતગમત તરફ આગળ વધે તે માટે ખાસ કોચિંગ અહીં આપવામાં આવી રહ્યુ છે.
અહીં બાળકોને રહેવા અને જમવાની પણ વ્યવસ્થા
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બહારથી આવનારા ખેલાડીઓને રહેવા માટે હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 100 જેટલા ખેલાડીઓ રહે તેવી વ્યવસ્થા પણ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, રાજપીપલામાં રાખવામાં આવી છે. હોસ્ટેલમાં એક સાથે 100થી 150 ખેલાડીઓ એક સાથે બેસીને નાસ્તો અને જમી શકે તે માટે મેસની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજપીપળા સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમર કેમ્પ
11 જુનથી રાજ્યકક્ષાના સમર કેમ્પનું પણ આયોજન રાજપીપલા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે રાખવામાં આવ્યું છે. હાલ બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે આ વેકેશનનો સદઉપયોગ થાય અને આ બાળકો કઈક નવું શીખે તે તમામ વાલીઓ ઇચ્છતા હોય છે. મોટા શહેરોમાં તો નાણા ખર્ચ કરીને કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા બાળકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે, પરંતુ નર્મદા જેવા આદિવાસી જિલ્લામાં આવી કોઈ ખાનગી અને ખર્ચાળ સંસ્થા કાર્યરત નથી. ત્યારે આવા બાળકો માટે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઑથોરિટી કન્ટ્રોલ દ્વારા ખાસ રાજપીપળા સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમર કેમ્પ આયોજિત કરી બાળકોને કોચિંગ આપવામાં આવી રહ્યું છે.
130 જેટલા બાળકો લઇ રહ્યા છે તાલીમ
હાલ સમગ્ર વિશ્વ મોબાઈલ ઘેલું બન્યું છે અને બાળકો આ મોબાઈલના દૂષણથી દૂર થાય અને રમતગમત તરફ વળે તે માટે ખાસ કોચિંગ આપવામાં આવે છે. જેમાં નર્મદા જિલ્લામાંથી 130 જેટલા બાળકો ભાગ લઇ રમત ગમતમાં આગળ કેવી રીતે વધાય તે શીખી રહ્યા છે, બાળકોએ પણ આ કેમ્પ દ્વારા આત્મવિશ્વાસ વધ્યો હોવાની સાથે રમત ગમત અંગેનું જ્ઞાન પ્રાપ્ત થવું હોવાનું જણાવ્યું હતુ.
તો સાથે સાથે આ કેમ્પમાં બેડમિન્ટન,ટાયકોન્ડો એથ્લેટીક્સની સાથે સાથે 100 મિટર રનિંગ,રાસ્સાખેંચ સહિતની રમતોની પણ તાલીમ આપી બાળકો સ્થાનિક જ નહિ પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમી શકે તે માટે પણ તાલીમ આપવામાં આવી રહી છે.
(વિથ ઇનપુટ-વિશાલ પાઠક, નર્મદા)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…