માતૃભૂમિ માટે જીવન સમર્પિત કરી દેનારા PM મોદી માટે માતા હિરાબા હંમેશા બની રહ્યા મોટા માર્ગદર્શક અને પથદર્શક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં તેમના માતાનો અવિસ્મરણીય સાથ રહ્યો છે. માતા હિરાબાના સંસ્કાર તેમના જીવનનો આધારસ્તંભ છે. તેમણે શીખવેલા મૂલ્યોના પાઠ આજે પણ પથદર્શક બની રહ્યા છે અને આથી જ સંસ્કારોથી શરૂ થયેલી આ સફર વિશ્વ મંચ સુધી પહોંચી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં તેમના માતા હિરાબાનું સ્થાન હરહંમેશ મોખરે રહ્યુ. રાજકારણના વ્યસ્ત મંચ પર હોય કે પછી વિશ્વયાત્રાની મધ્યમાં. PM મોદી માટે માતા હિરાબાના આશીર્વાદ હંમેશા પ્રાયોરિટીમાં રહેતા. માતૃસ્નેહ તેમના માટે શક્તિ બની રહ્યો હતો. જેણે તેમને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અડગ રહેતા શીખવ્યુ.
PM મોદીની સફરમાં માતાનો અવિસ્મરણીય સાથ
દરેક સામાન્ય વ્યક્તિની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં પણ તેમના માતાનું અદકેરુ સ્થાન હતા. ગમે તેટલી જાહેર જીવનની વ્યસ્તતતા હોવા છતા પણ તેઓ સમય કાઢીને માતાને મળવા પહોંચી જતા. માતાના આશીર્વાદ તેમને નવા-નવા પડકારો સામે લડવાનુ જોમ પુરુ પાડતા. ગમે તેવી વ્યસ્તતા વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવે ત્યારે માતાને મળવા પહોંચી જતા, તેમના પગે લાગી ચરણરજ માથે ચડાવતા. માતાના પગ ધોતા. માતા પણ ભાવથી તેમની સાથે બેસીને ભોજન કરતા અને કરાવતા અને આશીર્વાદ આપતા હતા. સામાન્ય માતાઓની જેમ જ હિરાબા પણ લાંબા સમયે ઘરે આવેલા પુત્રને નજરભર જોઈને તૃપ્ત થતા.
દુનિયા માટે નરેન્દ્ર મોદી ભલે વડાપ્રધાન હોય પરંતુ જ્યારે માતા હિરાબાને મળવા જતા ત્યારે તેમનુ પદ પાછળ છોડીને નાનકડો નરેન્દ્ર, એક સામાન્ય પુત્ર બનીને જ જતા. એકદમ સહજ, સરળ અને નિર્દોષ જાણે કે માનો દીકરો.
સત્તાના શિખરો પર પણ માતાના આશીર્વાદ સર્વોચ્ચ
સત્તાના શીખર પર પહોંચેલા નેતાઓને આપણે પ્રોટોકોલ અને કડક સિક્યોરિટીમાં ઘેરાયેલા જ જોયા હશે પરંતુ ભારતના આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માતા હિરાબા પાસે જતા ત્યારે તેમના ઘરમાં ફક્ત સંતાનનો પ્રેમ લાગણી લઈને જતા. તેઓ ઘણીવાર કહે છે મારી માતાએ જ છે જેમણે મને જીવનની સાચી શાળા શીખવી. તનતોડ મહેનત ઈમાનદારી સિમીત સ્રોતમાં સંતોષ આ બધુ જ તેમણે માતા હિરાબા પાસેથી શીખ્યુ છે.
માતા હીરાબાના સંસ્કાર…મોદીના જીવનનો આધારસ્તંભ
ખુદ વડાપ્રધાન મોદીએ માતા સાથેનો એક પ્રસંગ વર્ણવતા જણાવ્યુ હતુ કે મારા માતા ક્યારેય સ્કૂલે ગયા નથી. એ માતાએ મને બે વાક્યો કહ્યા હતા જે મારા માટે જીવનમંત્ર સમાન બની ગયા. માતાએ ગુજરાતીમાં કહ્યુ હતુ કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી. આ વાક્ય તેમના મોં એથી સાંભળવુ એ મારા માટે એક ખજાના સમાન હતુ. ત્યારે હું વિચારી રહ્યો હતો કે જો હું તેમની પાસે થોડો વધુ સમય રહ્યો હોત તો હું કદાચ આવી અનેક વાતો તેમની પાસેથી કઢાવી જાણી શક્યો હોત,જે કમી આજે પણ અનુભવાય છે.
વડાપ્રધાનના તેમના માતા સાથેના આ બોન્ડિંગમાં કોઈ રાજકારણ નથી. જાહેર છબી બનાવવાની કોશિશ નથી. આ તો એ પવિત્ર લાગણી છે, જ્યાં સંતાન કેટલું પણ ઊંચે પહોંચે, પણ માતાના આશીર્વાદ વગર અધૂરું રહે છે. પરંતુ ડિસેમ્બર 2022ની એકસવારે આ બોન્ડીંગ હંમેશા માટે યાદોમાં ફેરવાઈ ગયુ. હિરાબાએ આ દુનિયામાંથી વિદાય લીધી. વિદાયના ક્ષણે, નરેન્દ્ર મોદી એ પોતાના માતાની અર્થીને ખભો આપ્યો. એક પ્રધાનમંત્રી તરીકે નહીં, એક દીકરા તરીકે. અશ્રુ ભીની આંખો, પણ હૃદયમાં માતાની શિક્ષા અને આશીર્વાદ હંમેશા જીવંત રાખવાનો સંકલ્પ.