MORBI : વાંકાનેરના રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનો રાજતિલક વિધિ મહોત્સવ, સંતો-મહંતો, ક્ષત્રિય આગેવાનો જોડાયા
તિલક વિધિ બાદ રાજ સાહેબની જુના દરબારગઢથી નગર યાત્રા પ્રસ્થાન થઇ હતી. જે અમર રોડ તરફના રોડથી લુહાર શેરી, મેઈન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોક થઈ દિવાનપરામાં આવેલ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ ચોક સુધી પહોંચી હતી.
MORBI : વાંકાનેરના (Wankaner)નામદાર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની (Rajsaheb Kesharidev Singhji Zala)રાજતિલક વિધિ મહોત્સવ (Rajatilak Vidhi Mahotsav)પહેલી માર્ચના રોજથી શરૂ થઇ છે. જે આવતીકાલ (05-03-2022)સુધી ચાલવાની છે. પહેલી માર્ચથી અનેક કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. વાંકાનેર રાજ પરિવાર સાથે સમગ્ર પંથકમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગામો ગામથી સંતો મહંતો, ક્ષત્રિય સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ રાજ તિલક વિધિમાં જોડાયા છે. વાંકાનેરના જુના દરબાર ગઢમાં સવારે રાજતિલક વિધિનો પાવન પ્રસંગ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવેલ હતી. જેમાં વાંકાનેર પંથકના પ્રતિષ્ઠિત મંદિરના સંતો-મહંતો, રાજના ગોર સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાંકાનેરના રાજ પરિવારના આંગણે પરંપરાગત રીતે રાજ તિલક વિધિ પહેલી માર્ચના રોજથી શરૂ કરવામાં આવી છે. અનેક ધાર્મિક અને પરંપરા મુજબ વિધિ કરવામાં આવી હતી. આજે સવારે વાંકાનેરના જુના દરબાર ગઢમાં રાજતિલક વિધિનો પાવન પ્રસંગ વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ કરવામાં આવ્યો હતો. રાજ પરિવારની પરંપરાગત તિલક વિધિ ઝાલા કુટુંબની કુવારી દીકરીબા ના હસ્તે મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાને રાજતિલક કરવામાં આવ્યું હતું.
તિલક વિધિ બાદ રાજ સાહેબની જુના દરબારગઢથી નગર યાત્રા પ્રસ્થાન થઇ હતી. જે અમર રોડ તરફના રોડથી લુહાર શેરી, મેઈન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોક થઈ દિવાનપરામાં આવેલ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ ચોક સુધી પહોંચી હતી. રાજવી અમરસિંહજી બાપુની પ્રતિમાને નામદાર મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ભાવવંદના સાથે આશીર્વાદ મેળવ્યા હતા. નગરયાત્રામાં વિન્ટેજ કાર, બગી, શણગાર સજેલા ઘોડા અને ક્ષત્રિય સમાજ તેમના પરંપરાગત પોશાક-પાઘડી અને સાફા સાથે જોવા મળ્યા હતા. તેમજ નગરજનો, સંતો-મહંતો પણ આ યાત્રામાં જોડાઈ રાજમાર્ગો પર મહારાણા સાહેબ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર જુદી જુદી જ્ઞાતિના અગ્રણી અને સમર્થકો દ્વારા બાપુ સાહેબનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.