મોરબીના માળિયામાં એકસાથે 45 ગાયોની હત્યા કરનાર આરોપી પિતા પુત્રની કરાઈ ધરપકડ, હિંદુ સંગઠનોમાં આક્રોષ- Video
મોરબીના માળિયામાં 45 ગાયોની હત્યાના આરોપસર વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. જો કે માલધારીઓએ 100થી વધુ ગાયોના મોત થયા હોવાની આશંકા સેવી રહ્યા છે અને ગૌતસ્કરીનુ રેકેટ ચાલતુ હોવાની ભીતિ વ્યક્ત કરી છે.
સમગ્ર મોરબી આસપાસના તમામ જિલ્લાઓમાં ચકચાર જગાવનારા ગૌહત્યાકાંડથી હાહાકાર ફેલાયો છે. માળિયામાં એકસાથે 45 ગાયોની હત્યા કરી દેવાતા હિંદુ સંગઠનોમાં આક્રોષ ફેલાયો છે. માલધારીઓનો આક્ષેપ છે કે સતત બે દિવસથી પોલીસ ફરિયાદ લેવામાં નીરસતા બતાવી રહી છે. આ તરફ આ મામલે હવે રાજકીય આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા છે અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાની રજૂઆત બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા માળિયાના પિતા-પુત્ર સામે 45 ગાયની હત્યા કર્યાનો આરોપ છે. સતત બે દિવસથી રજૂઆત બાદ બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય અને રેન્જ આઈજીએ તાત્કાલિક ફરિયાદ નોંધવાની તાકીદ કર્યા બાદ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તેમનો જેલમાંથી કબજો લેવાની તજવીજ હાથ ધરી હતી.
હિંદુ સંગઠનોએ ગૌહત્યા પાછળ ગૌતસ્કરીના રેકેટની વ્યક્ત કરી આશંકા
આ તરફ ગૌહત્યાથી હિંદુ સંગઠનોમાં ભારોભાર આક્રોષ છે. તેમની માગ છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે હિંદુ સંગઠનોએ ગૌહત્યા પાછળ મોટુ ષડયંત્ર હોવાનો પણ આરોપ લગાવ્યો છએ. જેની સઘન તપાસની માગ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર જિલ્લામાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ સાથે હિંદુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. માલધારી સમાજ અને હિંદુ સંગઠનોએ કલેક્ટરને આવેદન આપ્યુ છે. આ સમયે MLA કાંતિ અમૃતિયા સહિતના અનેક આગેવાનો કલેક્ટર કચેરીમાં હાજર રહ્યા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ મુદ્દે રેંજ IGને રજૂઆત કરી છે કે આરોપીઓ સામે સખ્ત કલમ લગાવવામાં આવે. જેથી તેઓ કાયદાની છટકબારીઓમાં છૂટી ના જાય.
ધ્રાંગધ્રા, હળવદ, માળિયા સહિતના તાલુકામાં 100 થી વધુ ગાયોની હત્યા
માલધારીઓેએ 100 થી વધુ અબોલ જીવોને મારી નાખવાનો આક્ષેપ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા, હળવદ સહિત માલધારીઓના પશુઓની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ઝડપી પાડ્યા છે. માળિયા મિયાણા તાલુકામાં ગાયો ગુમ થવાની ફરિયાદની તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે અને પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. ખાખરેચી ગામના માલધારીએ 50 ગાયો ચીખલી ગામના શખ્સોને ચરાવવા માટે આપી હતી. જેઓએ કતલ માટે 14 ગાયો એકથી ચાર હજારની કિંમતમાં વેચી દીધી હતી. માલધારીને 50 પૈકી 14 ગાયો પરત ન મળતા ફરિયાદ નોંધાવી અને તપાસ દરમિયાન સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. ગુમ 14 ગાયો પૈકીની 13 ગાયોનું કતલ કરી શખ્સોએ ડિસ્પોઝલ કર્યાનું સામે આવ્યું. પોલીસે સમગ્ર મામલે 4 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં હજુ પણ મોટા ખુલાસાઓ થઇ શકે છે. ગૌ તસ્કરીના મોટા રેકેટનો પણ પર્દાફાશ થઇ શકે છે.
Input Credit- Bhaskar Joshi- Morbi