Mehsana: પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ગામડાઓનો આધાર છે : આચાર્ય દેવવ્રત
પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિધ્ધાંતોને સમજાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ, ગૌ-મુત્રથી બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. જેથી સ્વસ્થ બીજ દ્વારા ઝડપી અંકુરણ થાય છે.
મહેસાણા ખાતે બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આયોજિત સ્વર્ણિમ મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી સમૃદ્ધ અને આત્મનિર્ભર ગામડાઓનો આધાર બની શકે છે. આ સાથે જ તેમણે ગામડાઓને આત્મનિર્ભર કૃષિની દિશામાં આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અનુરોધ કર્યો છે, જેને સાકાર કરવા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ઉપાડ્યું છે. જેના પરીણામ સ્વરૂપે રાજ્યમાં સવા ત્રણ લાખ જેટલા ખેડૂતો આ અભિયાનમાં જોડાયા છે.
બહ્માકુમારી ઇશ્વરીય વિદ્યાલય દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ઉમેર્યું હતું કે ,પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિદ્યાલય દ્વારા સમસ્ત ભારત અને વિશ્વમાં આધ્યાત્મિકતા, મેડીટેશન અને માનવ કલ્યાણ હેતુ વિવિધ સંકલ્પો કરાઇ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ આદી કાળથી આધ્યાત્મિક સંસ્કૃતિ રહી છે. વેદો-ઉપનિષદોના દેશમાં ઋષિ મુનિઓએ જીવનનો સંદેશ આપ્યો છે. ભારતમાં વૈદિક અને આધ્યાત્મિક પરંપરાથી આપણે સદા આનંદીત અને સુખી થયા. મનુષ્ય શરીરમાં મહત્વપૂર્ણ ચીજ વિચારધારા છે, આ વિચારધારાથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે દિશામાં બહ્માકુમારી ઇશ્વરીય વિદ્યાલય દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના બદ્રી વિશાલભાઇએ તેમજ રાજયોગીની ઉષાદીદીએ પ્રાકૃતિક કૃષિ સંદર્ભે તેમજ યોગ સંદર્ભે વિગતે સમજ આપી હતી. રાજ્યપાલે મહેસાણા ખાતે આયોજીત બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલયના સ્વર્ણિમ મહોત્સવમાં વિવિધ પ્રદર્શની નિહાળી હતી.
એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું
રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પશુધન વિના શક્ય નથી. પ્રાકૃતિક કૃષિ માટે દેશી નસલની ગાયનું સૌથી વધુ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું હોય છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયભૂત થાય છે. પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિધ્ધાંતોને સમજાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ, ગૌ-મુત્રથી બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. જેથી સ્વસ્થ બીજ દ્વારા ઝડપી અંકુરણ થાય છે.
જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને કાર્ય કરવાનું વાતાવરણ મળે
ગાયના છાણ-ગૌ મૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત-ઘનજીવામૃત સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે કલ્ચર સ્વરૂપે કાર્ય કરે છે. આ પદ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવામાં આવે છે જેને મલ્ચીંગ કહેવાય છે. મલ્ચીંગને કારણે જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે, જેથી પાણીની જરૂરિયાત ઓછી થાય છે. મલ્ચીંગથી નિંદામણની સમસ્યાનો હલ થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે.
રાજ્યપાલ દેવવ્રતે આ કાર્યક્રમમાં અળસિયાં જેવા જીવોને ખેડૂતોના મિત્રજીવ ગણાવી ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત-ઘનજીવામૃતના ઉપયોગથી આ મિત્ર જીવો અને સહાયક સૂક્ષ્મજીવોની વૃધ્ધિ થાય છે. તેમણે જણાવ્યું હતું કે અળસિયાં જમીનમાં અસંખ્ય છીદ્રો બનાવી જમીનને નરમ બનાવે છે.
માટીમાં રહેલાં જટીલ ખનીજ તત્વોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. જેનું છોડના મૂળ દ્વારા શોષણ થાય છે અને છોડને પોષણ મળે છે. અળસિયાંએ બનાવેલાં અસંખ્ય છીદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનનાં ઉતરે છે અને કુદરતી રીતે જળસંચય થાય છે.
સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધુ મળવાથી સરવાળે ખેડુતોને ફાયદો
પ્રાકૃતિક કૃષિ અંગે તેમણે જણાવ્યું હતું કે એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ શક છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, કૃષિ ઉત્પાદન ઘટતું નથી. દેશી ગાયનું જનત અને સંવર્ધન થાય છે. પાણીની બચત થાય છે. કૃષિ ખર્ચ નહિવત્ આવવાથી અને સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધુ મળવાથી સરવાળે ખેડુતોને ફાયદો થાય છે.
આ પણ વાંચો : Gujarati Video : રાજ્યમા એક જ દિવસમા સર્જાયા 3 ગમખ્વાર અકસ્માત, 5 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત, જુઓ Video