Mehsana : G-20ના પ્રતિનિધિઓ મોઢેરા સૂર્યમંદિરની મંદિરની કલા કૃતિ, લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી અભિભૂત થયા
G-20ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદની બેઠકના પ્રથમ દિવસે પ્રતિનિધિઓએ સુજાણપુરા સોલર પ્લાન્ટ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.
Mehsana : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) સફળ પ્રયાસોથી ભારતના યજમાનપદે G-20ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. જે ભારત માટે ગૌરવની ક્ષણ છે. બેઠકોની આ શૃંખલામાં 27 થી 29 ઓગષ્ટ દરમિયાન ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સની બીજી બેઠક યોજાઇ રહી છે.
G-20ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદની બેઠકના પ્રથમ દિવસે પ્રતિનિધિઓએ સુજાણપુરા સોલર પ્લાન્ટ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય વિજ્ઞાન સલાહકારોના પ્રતિનિધિઓ સાથે જોડાયા હતા અને વિચાર વિમર્શ કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ પદાધિકારીઓ પણ જોડાયા હતા.
G-20ના પ્રતિનિધિઓએ પ્રસિધ્ધ મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાતમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ ઉપરાંત મોઢેરાનાં શિલ્પ સ્થાપત્ય અને કલાથી આ ડેલીગેશન પ્રસન્ન થયું હતું. G-20ના પ્રતિનધિઓને મંદિરના મહત્વ અને અને તેની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં અપાયેલ વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ તેમજ પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં સૂર્યનો પ્રભાવ તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા અંગેના વીડિયોથી ઉપસ્થિત મહાનુભાવો અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા. મોઢેરા સૂર્ય મંદિર ખાતે દેશની અપ્રતિમ સફળતાની ચંદ્રયાનની કૃતી રજૂ કરાઈ હતી.
આ પ્રસંગે G20ના સભ્ય દેશો ઉપરાંત વિશેષ આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. G-20ના દેશોમાં ફ્રાન્સ, બ્રાઝીલ, જર્મની, ઇન્ડોનેશીયા, ચાઇના, આર્જેન્ટીયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇયુ, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરીયા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકા, રશીયન ફેડરેશન, સાઉદી અરેબીયા, સાઉથ આફ્રિકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આમંત્રિત દેશોમાં બાંગ્લાદેશ, ઓમાન, નેધરલેન્ડ અને નાઇજેરીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતર રાષ્ટ્રીય સંસ્થાઓમાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનેસ્કોના પ્રતિનિધિઓ ડેલીગેશન સાથે જોડાયા હતા. તો ભારત સરકારમાંથી નીતી આયોગના સભ્ય ડો.વિનોદ પૌલ સહિત વિવિધ સરકારી પ્રતિનધિઓમાં પ્રો.અજય કે સુદ, ડો બાલસુબ્રહ્મણ્યમ, ડો. પરવિન્દર, ડો રાજીવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો