Mehsana: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં માત્ર મહિનાનાં અંત સુધીનો પાણીનો જથ્થો, સિંચાઈ અને પીવાનાં પાણીની ચિંતામાં લાગી સરકાર
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં (Dharoi Dam) હાલમાં 20.19 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે હાલમાં લોકોને પીવાનું પાણી (Drinking water) તેમજ ઘર વપરાશનું પાણી મળી રહે છે.
ઉનાળો (Summer 2022) તેની મધ્યમાં આવી ગયો છે ત્યારે પાણીની સમસ્યાઓ (Water Crisis) પણ શરુ થઇ ગઇ છે. ત્યારે મહેસાણા જિલ્લાના ધરોઇ ડેમમાં (Dharoi Dam) હાલમાં આ મહિનાના અંત સુધીમાં ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે હવે સરકાર દ્વારા મે માસના અંત સુધી 3 જિલ્લાને પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણેય જિલ્લામાં 19 કરોડ લીટર પાણી આપવાનું પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં 20.19 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે હાલમાં લોકોને પીવાનું પાણી તેમજ ઘર વપરાશનું પાણી મળી રહે છે. 20.19 ટકા જથ્થા પૈકી 12.96 ટકા ઉપયોગ લાયક પાણીનો જથ્થો છે. ધરોઈ ડેમમાં મહિનાના અંત સુધી પૂરતા પ્રમાણમાં ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સંગ્રહિત 16,414 કરોડ લીટર પૈકી 9,663 કરોડ લીટર પાણી વપરાશમાં લઇ શકાય એમ છે.
ધરોઇ ડેમમાંથી પાણી પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 13.53 લાખ વસ્તીને અપાય છે. પહેલા વ્યક્તિ દીઠ દૈનિક સરેરાશ 118 લીટર પાણી અપાતું હતું. ત્યારે હાલમાં વ્યક્તિ દીઠ દૈનિક સરેરાશ પાણીનો વપરાશ પણ વધ્યો છે. જેને લઈને હવે 22 લીટર વધારા સાથે 140 લીટર વ્યક્તિ દીઠ પાણી અપાય છે. ત્યારે મે માસના અંત સુધી 3 જિલ્લામાં 19 કરોડ લીટર પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
મહત્વનું છે કે સિંચાઈના અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ લોકોને એવી ખાતરી આપી છે કે ઉનાળામાં પીવાના પાણીની ચિંતા ન રહે તે માટે સરકારે જે-તે વિભાગને સૂચના આપી દીધી છે. આ માટે અંતરિયાળ વિસ્તારમાં હેડપંપ રિપેર સહિતના કામો તુરંત પૂર્ણ કરવા પણ સૂચના આપી દેવાઈ છે. સાથે જ ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર 1916 જાહેર કરાયો છે. આ હેલ્પલાઈન નંબર પર પાણી અંગે જેને પણ સમસ્યા હશે તે રજૂઆત કરી શકશે.
આ પણ વાંચો-Kheda: ઠાસરાના જોરાબંધ ગામ મહિલાની હત્યા કરનારને નડિયાદ કોર્ટે આજીવન કેસની સજા ફટકારી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો