Breaking News : અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં પૂર્વી ટાવરમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડી ઘટના સ્થળ પર, જુઓ Video
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા પૂર્વી ટાવરના 7 માં માળે આગ લાગી છે. એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે.

અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા સુભાષ ચોક પાસેના પૂર્વી ટાવરમાં 7 માં માળે આગ લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગ એસીના કોમ્પ્રેસર ફાટવાને કારણે લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઘરમાં મૂકાયેલા બે ગેસના બાટલા પણ ફાટ્યા હતા, જેના પરિણામે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે ઘરમાં રહેલા તમામ લોકોએ સમયસૂચકતા દાખવી અને સલામત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા.
ટાવરના નવમા અને દસમા માળ પર રહેલા રહેવાસીઓને તાત્કાલિક ધાબા ઉપર લઈ જવામાં આવ્યા હતા. ઘટના જાણ થતાં જ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સાથે જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ પર પાણીના મારો ચલાવીને નિયંત્રણ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
Major fire breaks out at Purvi Flats on Gurukul Road, #Ahmedabad #Gujarat #TV9Gujarati pic.twitter.com/JTsk3cToha
— Tv9 Gujarati (@tv9gujarati) May 22, 2025
સ્નોર્કલ વડે ધાબા ઉપરથી લોકોનું રેસ્ક્યુ
ધાબા ઉપર રહેલા લોકોને ફાયર વિભાગે સ્નોર્કલ (હાઇડ્રોલિક સીડી) દ્વારા નીચે ઉતારવાનું કાર્ય શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં બે બાળકો સહિત ચાર લોકોને સફળતાપૂર્વક નીચે લાવવામાં આવ્યા છે.
મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન – જાનહાની ટળી
આગની ઘટનાને પગલે Ahmedabad Fire Brigade દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ તથા સીડીની મદદથી કુલ 20થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમાં 8 લોકો સ્નોર્કલ વડે જ્યારે 12થી 15 લોકોને સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. ખુશનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.