દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરે લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે . તેમાં પણ પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં સંકમિત લોકો માટે હોસ્પિટલમાં સારવાર માટે બેડ મેળવવો મોટો પડકાર બન્યો છે. તેવા સમયે શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં વધુ આરોગ્ય સુવિધાની જરૂરિયાત ઊભી થઈ છે.
આ સમયે ગુજરાતમાં દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી (Maruti-Suzuki ) એ કોરોના રોગચાળા સામેની લડતમાં એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ઝાયડસ હોસ્પિટલ સાથે હાથ મિલાવીને ગુજરાતના સીતાપુરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સત્તાવાર રીતે લોકાર્પણ કર્યું છે. આ હોસ્પિટલનું સંપૂર્ણ ભંડોળ કંપનીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (સીએસઆર) પહેલ અંતર્ગત મારુતિ સુઝુકી ફાઉન્ડેશન દ્વારા આપ્યું છે.
આ હોસ્પિટલમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
સીતાપુર નજીકના આશરે 3. 75 લાખ લોકોને આરોગ્ય સુવિધા મળશે
Maruti-Suzuki એ જણાવ્યું હતું કે આ હોસ્પિટલ સીતાપુર અને તેની આસપાસના ગામોના આશરે 3. 75 લાખ લોકોને આરોગ્ય સુવિધા પૂરી પાડશે. હાલમાં આ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા છે, જેને વધારીને 100 બેડ કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે, હોસ્પિટલ 126 કરોડના ખર્ચે 7.5 એકરમાં બનાવવામાં આવી છે. આ વિસ્તારની તે પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી સર્વિસ હોસ્પિટલ છે.
Maruti-Suzuki નું ગુજરાતના હાંસલપુરમાં પ્રોડક્શન યુનિટ છે. પ્લાન્ટમાં દર વર્ષે 5 લાખ કાર યુનિટ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. પરંતુ આ ક્ષેત્રમાં વધુ સારી તબીબી સેવાઓનો અભાવ એ ચિંતાનો વિષય હતો.
ઝાયડસ હોસ્પિટલ્સ સાથે ભાગીદારી કરીને અમે આરોગ્યક્ષેત્ર પહેલ કરી
Maruti-Suzuki ઇન્ડિયાના એમડી અને સીઈઓ કેનીચિ આયુકાવા કહે છે, “જ્યારે અમારો ગુજરાત કાર પ્લાન્ટ શરૂ થયો, ત્યારે આ ક્ષેત્રમાં કોઈ મોટી તબીબી સુવિધા નહોતી. અમે આ વિસ્તારના તમામ લોકોના લાભ માટે સારી ગુણવત્તાની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે. ઝાયડસ હોસ્પિટલ્સ સાથે ભાગીદારી કરીને અમે આરોગ્યક્ષેત્ર પહેલ કરી શક્યા છીએ ”
તેમણે એમ પણ જણાવ્યું કે, આ હોસ્પિટલ કોરોના રોગચાળા પહેલા બનાવવામાં આવી હતી. કોરોના રોગચાળા સામે લડવામાં મદદ કરવા માટે અમે હવે આ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દીધી છે. જેથી દર્દીઓની સારવાર થઈ શકે.
ભારતમાં કોરોના રોગચાળાની બીજી લહેર સામેની લડતમાં ઘણી ઓટો કંપનીઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મદદ કરવા આગળ આવી છે. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ દબાણ છે અને મોટાભાગના રાજ્યો દ્વારા પ્રતિબંધો અને લોકડાઉન લાદવાની સાથે સમયસર તબીબી સહાયતા આપવાની જરૂરિયાત પહેલા કરતા વધારે મહત્વની બની છે. તેવા સમયે આ હોસ્પિટલ આસપાસના લોકો માટે મેડિકલ સેવા પૂરી પાડશે.