વિવાદોએ મુકેશ દોશીનું પત્તું કાપ્યું, સંઘ અને સ્વચ્છ પ્રતિભા માઘવ દવેને ફળ્યા, રૂપાણી જુથની દાળ ન ગળી !
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માઘવ દવેનું નામ ફાઇનલ થયું છે. આજે સાંસદ મયંક નાયક અને માયાબેન કોડનાનીએ પ્રદેશ ભાજપ દ્રારા આપવામાં આવેલા મેન્ડેન્ટને ખુલ્લુ મૂક્યું હતું જેમાં માધવ દવે પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જો કે સત્તાવાર નામ જાહેર થાય તે પહેલા જ સોશિયલ મિડીયા પર યાદી જાહેર થઇ જતા આ પ્રક્રિયા માત્ર ઔપચારિક જ રહી હતી.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખની વરણી રાજનૈતિક રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવતી હતી કારણ કે લોકસભા અને વિધાનસભામાં ચૂંટણીની ટિકિટ માટે જેટલું લોબિંગ કરવામાં આવતું હોય તેટલું લોબીંગ શહેર ભાજપ પ્રમુખ બનવામાં કરવામાં આવ્યું હતું. શહેર સંગઠનથી લઇને દિલ્લી કેન્દ્રીય નેતૃત્વ સુધી લોબિંગ કરવામાં આવ્યું હતું. એક તરફ સી આર પાટીલ અને ભરત બોઘરા જુથ જ્યારે બીજી તરફ વિજય રૂપાણી,રમેશ રૂપાપરા અને ઉદય કાનગડ પણ પોતાના કાર્યકર્તાને પ્રમુખ બનાવવા મથી રહ્યા હતા. સૌથી મહત્વની વાત છે કે માત્ર રૂપાણી જુથના નજીકના એવા 30થી વધુ દાવેદારોએ ફોર્મ ભર્યા હતા અને જ્યારે નિરીક્ષકો દરેક કાર્યકર્તાને સાંભળ્યા હતા ત્યારે હલ્લાબોલ કરીને મુકેશ દોશીના નામનો વિરોધ કર્યો હતો. જો કે આખરે બોઘરા જુથનો દબદબો જોવા મળ્યો હતો અને માધવ દવેના નામ પર પસંદગી ઉતારવામાં આવી હતી. જો કે શહેર પ્રમુખ બન્યા બાદ માધવ દવેએ ભાજપમાં કોઇ જુથવાદ ન હોવાનો દાવો કર્યો હતો.
સંઘનું બેકઅપ- રૂપાલા અને બોઘરાની ગુડબુકમાં છે માધવ દવે
માધવ દવેએ પીએચડી અને એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. કોલેજકાળથી જ તેઓ એબીવીપી સાથે જોડાયેલા છે. તેઓ એબીવીપીના નગરમંત્રી,જિલ્લા સંયોજક અને પ્રાંત કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત યુવા મોરચાના પૂર્વ જિલ્લા ઉપાધ્યાક્ષ અને હાલમાં શહેર ભાજપના મહામંત્રી તરીકે હોદ્દો ધરાવે છે. મૂળ અમરેલીના હોવાથી માધવ દવેએ રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નજીકના સાથી છે. પરષોત્તમ રૂપાલા સાથે પારિવારીક નાતો ધરાવે છે.આ ઉપરાંત શહેર ભાજપ સંગઠનમાં હોવાને કારણે ભરત બોઘરાના અતિ નજીકના અને વિશ્વાસુ છે જેથી પ્રદેશ સંગઠને પસંદગીનો કળશ ઢોળ્યો છે.
રૂપાણી જુથની દાળ ન ગળી, પરંતુ વિવાદ મુકેશ દોશીને નડ્યો !
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશી રિપીટ થાય તેની પુરી શક્તાઓ હતી. મુકેશ દોશીને માત્ર દોઢ વર્ષ કાર્યકાળના થયા હોવાને કારણે તેને રિપીટ કરાઇ તેવી પુરી શક્યતા હતી પરંતુ મુકેશ દોશીનો રૂપાણી જુથ દ્રારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેની સામે રિતસર બળવો કર્યો હતો અને એક સાથે ૩૦ આગેવાનોએ નિરીક્ષકોને મુકેશને રિપીટ ન કરવા માટે ભલામણ કરી હતી.મુકેશ દોશી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના કારણે પ્રદેશ ભાજપે તેનું પત્તુ કાપી નાખ્યું હતું. રૂપાણી જુથ મુકેશ દોશીને રિપીટ ન કરવામાં સફળ રહ્યા હતા પરંતુ તેની જગ્યાએ રૂપાણી જુથના નેતાને પ્રમુખ પદ મળે તે માટે એડીચોટીનું જોર લગાડ્યું હતું પરંતુ તે દાળ ન ગળી હતી અને તેઓએ જે નામો માટે લોબિંગ કર્યું હતું તે દરેક નામને પાર્લામેન્ટ્રી બોર્ડે ફગાવી દીધા હતા.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો