Loksabha Election Breaking : ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન, I.N.D.I.A. ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે. I.N.D.I.A ગઠબંધન હેઠળ આ બંને પક્ષ ચૂંટણી લડશે.
Ahmedabad : ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી (Loksabha Election ) માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAp) અને કોંગ્રેસ (Congress) ગઠબંધન કરશે. I.N.D.I.A ગઠબંધન હેઠળ આ બંને પક્ષ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ આ અંગેની જાહેરાત કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે ખૂબ જ જંગી જીત મેળવી હતી. ભાજપે 156 બેઠક પર બહુમત હાસલ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠક અને આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી હતી. જેથી હવે લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે સાથે મળીને મજબૂતાઇથી લડવા માગે છે એવુ જોવા મળી રહ્યુ છે.
હાલમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ભાજપ પાસે છે. ત્યારે હવે આપ અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને ટકકર આપવા તૈયાર થયા છે. મળતી માહિતી પ્રમાણે કયા કોણ લડશે અને કેટલી બેઠક પર લડશે તે I.N.D.I.A. દ્વારા જ નક્કી કરવામાં આવશે. ઇસુદાન ગઢવીએ માહિતી આપી હતી કે ભાજપની વિચારધારા સામે I.N.D.I.A.ની વિચારધારા લડશે.
જો કે કોંગ્રેસ દ્વારા ઇસુદાન ગઢવીએ આપેલા નિવેદન અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાલમાં ગુજરાતમાં કોંગ્રેસને શક્તિસિંહ ગોહેલનું નેતૃત્વ મળ્યુ છે. ત્યારે કોંગ્રેસ એકલા પણ લોકસભાની ચૂંટણી સારી રીતે લડે તેવી સ્થિતિ જોવા મળતી હતી. જો કે હવે ઇસુદાન ગઢવીની જાહેરાત ખરેખર કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાના છે કે કેમ તે અંગે અસમંજસ છે.
મહત્વનું છે કે દેશમાં આગામી 2024 માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીને (BJP) હરાવવા માટે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિત 25થી વધુ પાર્ટીઓ એક મંચ પર આવી છે. થોડા દિવસ પહેલા કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આ તમામ પક્ષોની બેઠક થઇ હતી. આ બેઠકના બીજા દિવસે એટલે કે 18 જુલાઇએ મહાગઠબંધનના નામ પર મહોર લગાવવામાં આવી હતી. NDA નો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનને I.N.D.I.A. નામ આપ્યું છે.