Kheda: ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતે બાયગેસના વેસ્ટનો પણ કર્યો સદુપયોગ, જાણો ગોબરધન યોજનાની તમામ વિગતો
બાયોગેસ પ્લાન્ટમાંથી દર મહિને 2થી 3 બોટલ જેટલો LPG ગેસ ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ રાંધણમાં કરી શકાય છે અને દર મહીને થતા ગેસની બોટલના ખર્ચમાં બચત કરી શકાય છે. વળી, આ પ્લાન્ટ થકી ઉત્પન્ન થતી સ્લરીનો ઉપયોગ ખેતીમાં પણ થઈ શકે છે
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામના પ્રગતિશીલ ખેડૂત જયદીપસિંહ જસવંતસિંહ ચૌહાણે છેલ્લા 5 વર્ષથી વાંઠવાડી ગામે તેમની જમીનમાં સુભાષ પાલેકર પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનની ફળદ્રુપતા વધી છે અને ખેતીથી થતી આવકમાં પણ વધારો થયો છે. જયદીપસિંહે ગત વર્ષ 2022માં ડાંગરની જાત ‘ગુજરાત-14 સેન્ટેડ સુગંધિત’ની ખેતી કરી130 મણના ચોખાનું વેચાણ કરી રૂ1 લાખ 82 હજારનો ચોખ્ખો નફો મેળ્વયો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડાના સહયોગથી હાલમાં ગોબરધન યોજના અંતર્ગત વાંઠવાડી ગામ ખાતે કુલ 50 બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં જયદીપ સિંહે બે મહિના પહેલા પોતાના ખેતરમાં ભારત બાયોગેસ એજન્સી દ્વારા એક ગોબરધન બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવ્યો છે. ગોબરધન પ્લાન્ટના અનેકવિધ ફાયદા જણાવતા જયદીપસિંહ જણાવે છે કે પ્રતિદિન 50 કિલો છાણ અને 50 કિલો પાણીના મિશ્રણથી ચલાવવામાં આવતા આ બાયોગેસ પ્લાન્ટથી દર મહીને ઘર વપરાશ માટે બે બોટલ એલ.પી.જી ગેસ ઉત્પન્ન થતો હોવાથી માસિક ગેસ બોટલની ચિંતામાંથી તેઓ મુક્ત થયા છે.
બાયોગેસે સ્લરીનો ખાતર તરીકે ઉપયોગ
આ સિવાય બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીને તેઓ પોતાની પ્રાકૃતિક ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. જયદીપસિંહ પાસે અત્યારે 1 દેશી ગાય અને 2 ભેંસ છે. આ ગાય-ભેંસથી તેમને બાયોગેસ પ્લાન્ટ માટેનું છાણ સરળતાથી મળી રહે છે તેમજ ગાયના છાણ અને ગૌ મુત્રનો પ્રાકૃતિક ખેતીમાં વિશેષ ઉપયોગ થાય છે. જયદીપસિંહને દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે દર મહિને રૂ. 900 ની સહાય પણ મળે છે.
બાયોગેસ પ્લાન્ટમાંથી નિકળતી ઓર્ગેનિક સ્લરીની ઉપયોગીતા વિશે વાત કરતા દેથલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક શ્રી પી.કે શર્મા જણાવે છે કે પ્લાન્ટમાં થયેલી પ્રોસેસ્ડ છાણની રબડી (સ્લરી) પ્રાકૃતિક ખેતીમાં ખાતર તરીકે કામ કરે છે. આ સ્લરીને અળસિયાના બેડમાં નાખી વર્મીકમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે. જેનો ઉપયોગ કરીને ખેતીમાં આવતા વિવિધ રોગો અને કીટ જિવાતોને દૂર કરી શકાય છે.
વર્ષ 2019માં તાલીમ લીધા બાદ જયદીપ સિંહ થયા સક્રિય
જયદીપ સિંહ ખેતીમાં સતત નવતર પ્રયોગો કરવાનો ઉત્સાહ ઘરાવે છે. આ માટે તેઓ ખેતી સંલગ્ન વિવિધ તાલીમ શિબિરોમાં ભાગ લેતા રહે છે. તેમણે 2019માં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વડતાલ ખાતે યોજાયેલી 7 દિવસની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરમાં સૌ પ્રથમ વખત ભાગ લઈ પ્રાકૃતિક ખેતીની ઉંડી સમજ મેળવી હતી. આ પછી તો તેમણે પ્રાકૃતિક ખેતીમાં એવો રસ પડ્યો છે કે તેઓએ આણંદ કૃષિ યુનિવર્ષિટી ખાતે દેશી બીજ તૈયાર કરવા, દિલ્લી ખાતે ઉત્તમ ઘઉં તૈયાર કરવા અને પુણે ખાતે ડ્રેગનફ્રુટ તૈયાર કરવા માટેની વિશેષ તાલીમ લીધી છે. તેઓને ઉપરોક્ત તમામ તાલીમ માટે પ્રવાસ, રોકાણ અને ભોજન સુધીની વ્યવ્સ્થા જિલ્લા આત્મા પ્રોજક્ટ અને ફાર્મર તાલીમ સેન્ટર (FTC), ઠાસરા દ્વારા કરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત અમૂલ ડેરી, આણંદ અને ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ, અમદાવાદ એજન્સીના 2 ક્લસ્ટર બેઝ પ્રોજેક્ટ મંજુર થયેલ છે. દરેક ક્લસ્ટરમાં 200, એમ કુલ 400 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવશે. અત્યારે ખેડા જિલ્લામાં કુલ 265 બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. વળી, હાલમાં જિલ્લામાં સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ અંતર્ગત 8976 હેક્ટર જમીનમાં કુલ11,737 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે આ તમામ ખેડુતો જો ગોબરધન બાયોગેસ પ્લાન્ટ યોજનાનો લાભ લઈ બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવે તો ખેડૂતોને ખેતી તથા ખેત ઉત્પાદનમાં ફાયદો થઈ શકે તથા જિલ્લાના પર્યાવરણમાં પણ સુધારો થઈ શકે છે.
ગોબરધન યોજનાના ફાયદા
ગોબરધન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાના બહુ આયામી ફાયદા છે. બાયોગેસ પ્લાન્ટમાંથી દર મહિને 2 થી 3 બોટલ જેટલો LPG ગેસ ઉતપન્ન થાય છે જેનો ઉપયોગ રાંધણમાં કરી શકાય છે અને દર મહીને થતા ગેસની બોટલના ખર્ચમાં બચત કરી શકાય છે. વળી, આ પ્લાન્ટ થકી ઉત્પન્ન થતી સ્લરીનો ઉપયોગ ખેતીમાં પણ થઈ શકે છે તેમજ તેનું વેચાણ કરીને અંદાજિત રૂ. 3000-4000 માસિક ઉપજ કરી શકાય છે.
બાયોગેસ પ્લાન્ટની કિંમત રૂ.42,000 છે જેમાં લાભાર્થી ફાળો ફક્ત રૂ. 5000નો છે. જયારે રૂ.12,000 મનરેગા યોજનામાંથી સ્લરી ટેન્ક માટે મળે છે અને બાકી રૂ. 25,000 સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ (SBM-G)માંથી મળે છે. આમ, બાયોગેસ પ્લાન્ટના લાભાર્થી ફક્ત રૂ. 5000ના રોકાણથી વાર્ષિક અંદાજિત રૂ 50,000 જેટલો ફાયદો આજીવન મેળવી શકે છે. ઉપરાંત, સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીની દ્રષ્ટીએ પણ ગોબરધન પ્લાન્ટ ખુબ જ ઉપયોગી છે કેમકે આ બાયોગેસ પ્લાન્ટમાંથી નિકળતી તમામ ઉપજો ઈકોફ્રેન્ડલી છે.