સ્વામિનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં બનવા જઈ રહ્યું છે, 150 કરોડના ખર્ચે ભવ્ય અક્ષર ભુવન મ્યુઝિયમ. વડતાલમાં નિર્માણ પામી રહેલા અક્ષર ભુવન મ્યુઝિયમ આગામી 2 હજાર વર્ષ સુધી ટકી રહે તેવુ મજબૂત બનાવવામાં આવશે. આ અક્ષર ભુવન ખૂબ જ વિશેષ રીતે તૈયાર કરવામાં આવશે. અક્ષર ભુવનની વિશેષતાઓ કેવી છે તે તમને જણાવીશું.
વડતાલ ગોમતી તળાવ કિનારે 4 ,70,150 સ્કેવર ફૂટમાં ભવ્ય અક્ષર ભૂવન બની રહ્યું છે. આ ભુવન બનાવવાનો ખર્ચ 150 કરોડ થવાની શક્યતા છે અને આ અક્ષર ભુવન 108 ફૂટ ઊંચું બનાવવામાં આવી રહ્યું છે, જેમાં મધ્યે સ્વામિનારાયણ ભગવાનની 52 ફૂટ ઉંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. અક્ષર ભુવનના નિર્માણમાં સિમેન્ટ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં નહીં આવે. આ અક્ષર ભુવન બનાવવામાં 12 લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં અક્ષર ભુવનના પાયાનું કામ કુલ 24594 ઘન ફૂટમાં 5.5 ફૂટ ઊંડાઈમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
વડતાલમાં નિર્માણ પામી રહેલા અક્ષર ભુવન 1014 સ્થંભ, 1352 કમાન, 1 મુખ્ય ઘુમ્મટ, 34 નાના ઘુમ્મટ, 9 વિશાળ આધુનિક મ્યુઝિયમ અને પ્રદર્શન ખંડ અને 1 થીયેટર બનાવવામાં આવશે. સાથે સાથે મુલાકાતીઓ માટે સ્વાગત કક્ષ અને સંત આશ્રમ પણ બનાવવામાં આવશે.
વડતાલ ખાતે નિર્માણ પામી રહેલા અક્ષર ભુવનમાં સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં ઉપયોગમાં લેવામાં આવેલી વસ્તુ જેવી કે સુવર્ણ પિચકારી, ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, ધરમપુરના રાજકુમારી કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટ, 51 વાટની આરતી, સ્વામિનારાયણ ભગવાનના નખ, અસ્થિ, ભગવાનના વાળ, ચરણ રજ, મોજડી, ખેસ, શાલ, તીર અને ધનુષ સહિતની વસ્તુ અક્ષર ભુવનમાં ભાવિક હરિભક્તો દર્શન કરી શકશે.
મહત્વનું છે કે ખેડા જિલ્લાના વડતાલ ધામમાં મંદિરના પાછળના ભાગમાં અક્ષર ભુવન આવેલુ છે. વર્ષ 2022માં શરદ પૂનમની રાત્રે સંધ્યા આરતી બાદ ઠાકોરજીને પાલખીમાં પધરાવી મંદિરમાં વાજતે ગાજતે પાલખીયાત્રા નીકળી હતી. મંદિરના પાછળ આવેલ અક્ષર ભુવન પાછળના ભાગે ઉભી કરવામાં આવેલી કાષ્ટની સુશોભિત માંડવડીમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા. જ્યાં આચાર્ય મહારાજશ્રી તથા વરિષ્ઠ સંતોના હસ્તે ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા સંતોએ ઠાકોરજીની આરતી ઉતારી હતી.