3 થી 4 બાળકો પેદા કરવાના નિવેદનને લઈને આર.પી. પટેલ ઘેરાયા, ગીતા પટેલ, લાલજી પટેલે નિવેદનને વખોડ્યુ, તો અલ્પેશ કથિરિયાએ કર્યુ સમર્થન
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના નિવેદનને લઈને પાટીદાર સમાજમાં બે ફાંટા જોવા મળ્યા છે. 3 થી 4 બાળકો પેદા કરવાના આર.પી. પટેલના નિવેદનને લાલજી પટેલ અને ગીતા પટેલે વખોડ્યુ છે. આ તરફ અલ્પેશ કથિરિયા અને સુરતના પાટીદાર અગ્રણી અશોક અધેવાડાએ તેમનુ સમર્થન કર્યુ છે.
કચ્છના નખત્રાણામાં આયોજિત એક કાર્યક્રમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. આર.પી. પટેલે કહ્યુ કે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યુ છે. તેમણે સમાજમાં વધી રહેલા વન ચાઈલ્ડ અને નો ચાઈલ્ડના ટ્રેન્ડ સામે ગંભીર ચિંતા વ્યકત કરી. આર.પી. પટેલે કહ્યુ આ પ્રકારનું વલણ સમાજ માટે ઘાતક છે, તેના કારણે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યુ છે. તેમે પાટીદાર સમાજને ઓછામાં ઓછા ત્રણ થી ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી.
આજનો સમાજ આવી સલાહોને અનુસરશે નહીં- લાલજી પટેલ
આ તરફ આર.પી. પટેલના નિવેદનની SPGના પ્રમુખ લાલજી પટેલ ટીકા કરી. તેમણે કહ્યુ આર.પી. પટેલની સલાહને આજનો સમાજ અનુસરશે નહીં. આજનો સમાજ ભણેલો છે અને એક અથવા બે બાળકોના જ મતનો છે. જેથી વધુ સંતાનો પેદા કરવાની વાત કોઈ માનવાનું નથી. રહી વાત તાકાત વધારવાની તો સવા કરોડની વસતી ધરાવતો સમાજ જો એક થશે તો રાજકારણમાં પણ મજબુતીથી ધાર્યુ કામ કરાવી શકશે.
આર.પી. પટેલનું નિવેદન રાજનીતિથી પ્રેરિત- ગીતા પટેલ
આર.પી. પટેલના નિવેદનને ગીતા પટેલે પણ વખોડ્યુ છે. તેમણે કહ્યુ આર. પી. પટેલ ખુદ કરોડપતિ છે, એટલે તેમને કદાચ 10 બાળકો હોય તો પણ તેમને કોઈ મુશ્કેલી નથી આવવાની પરંતુ સમાજમાં 20, 25 હજાર કમાતા લોકો માટે આ સહેલુ નથી. આજે એક સંતાનને ભણાવવા માટે પણ લોન લેવી પડે તેવી સ્થિતિ છે તો 4 બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરે. સમાજમાં અનેક પરિવારો એવા છે જેમને ચાર-ચાર બાળકો હોય તો ભીખ માગવી પડે. ગીતા પટેલે વળતો સવાલ કર્યો કે 20 વર્ષ બાદ અભ્યાસ, રોજગાર, આરોગ્યની જવાબદારી કોણ લેશે ? તેમણે કહ્યુ 4 સંતાનોને જન્મ આપનારી મહિલા અંગે પણ ચિંતા કરવી જોઈએ. તેમણે આર.પી. પટેલના નિવેદનને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યુ. તેમણે કહ્યુ “સમાજના મુદ્દાઓની ચિંતા કરવી જોઈએ, વધુ સંતાનો અંગે નહીં, હાલ યુવાનો નશા અને બેરોજગારીથી પીડાય છે તેની ચિંતા કરવી જોઈએ, સમાજની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની ચિંતા કરવી જોઈએ, મંચ પરથી આવા નિવેદન કરતા પહેલા વિચાર કરવો જોઈએ.”
આર.પી. પટેલના સમર્થનમાં અલ્પેશ કથિરીયા
આ તરફ અલ્પેશ કથિરિયાએ આર.પી. પટેલના નિવેદનનું સમર્થન કર્યુ અને તેમણે કહ્યુ આર.પી. પટેલે જે ચિંતા વ્યક્ત કરી તે વિચારવા જેવી બાબત છે. આજે એક બાળકન જે થીયરી ચાલી રહી છે તેને લઇ કાકા, મામા, ફઈ, મામા, માસી આવી આખી કુટુંબ વ્યવસ્થા નહીં રહે
તો સુરતના પાટીદાર અગ્રણી અશોક અધેવાડાએ પણ આર.પી. પટેલની વાતનું સમર્થન કર્યુ અને કહ્યુ જો સમગ્ર સમાજ આ મુદ્દે ચિંતન નહીં કરે તો અભિયાન ઉપાડવુ પડશે. હાલ તો પાટીદાર સમાજમાં જ આર.પી.ના નિવેદનને લઈને અલગ અલગ ફાંટા જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે અનેક સામાજિક મુદ્દાઓ પર અવારનવાર આર.પી. પટેલ તેમની ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. અગાઉ દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન કરવા અંગે પણ તેમણે સમાજને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સંતાનો પેદા કરવા, કેટલા કરવા, કરવા કે ન કરવા એ દરેક દંપતીનો અંગત નિર્ણય હોય છે, તેના પર કોઈ સમાજ ફરજ પાડી ન શકે. દરેક દંપતીને તેમની આર્થિક, માનસિક, શારીરિક ક્ષમતા અનુસાર નિર્ણય લેવાનો છૂટ છે.