Kutch : મંદિરમાં ચોરી કરતી ગેંગ સક્રિય, મોટા મંદિરોમાં 10 ચોરીના ભેદ હજુ પણ વણ ઉકેલ્યા
કચ્છના બે પોલીસ વિભાગની હદમાં મંદિર ચોરીના વધેલા કિસ્સાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ અગાઉ થયેલા ગુન્હાના ભેદ ઉકેલાયા નથી તેવામાં નજીકના સમયમાં જ 5 જેટલી મંદિર ચોરીઓથી સમગ્ર કચ્છમા હિન્દુ સંગઠનો અને ધાર્મીક સ્થળો પર આસ્થા ધરાવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
કચ્છના(Kutch) બે પોલીસ (Police) વિભાગની હદમાં મંદિર ચોરીના(Theft In Temple) વધેલા કિસ્સાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ અગાઉ થયેલા ગુન્હાના ભેદ ઉકેલાયા નથી તેવામાં નજીકના સમયમાં જ 5 જેટલી મંદિર ચોરીઓથી સમગ્ર કચ્છમા હિન્દુ સંગઠનો અને ધાર્મીક સ્થળો પર આસ્થા ધરાવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે પણ કચ્છના અંજારના વિડી ગામે આવેલા સંધ્યાગીરી આશ્રમમાંથી બે શખ્સો બિન્દાસ રીતે ચોરી કરી ફરાર થઇ ગયા છે જેની તપાસ FSLઅને ડોગ સ્કોડની મદદથી પોલિસે શરૂ કરી છે. પરંતુ પાછલા એક વર્ષ કરતા ઓછા સમયમાં તસ્કરોએ આવા 10 થી વધુ સ્થળોને નિશાન બનાવ્યા છે અને લાખોના આભુષણ મુર્તીઓની ચોરી કરી છે. પરંતુ પોલીસ તથા તેની મહત્વની શાખાઓ હજુ સુધી તેનુ પગેરૂ મેળવી શકી નથી. આવી 10 મોટા મંદિરમાંથી થયેલી ચોરીના ભેદ હજુ પણ વણ ઉકેલ્યા છે.
થોડા મહિનામાંજ 10 મંદિર ચોરી
અગાઉ થયેલી ચોરીઓથી નારાજ થઇ અનેક હિન્દુ સંગઠનોએ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉભા કરી તાત્કાલીક મંદિર ચોરીના આરોપીને પકડવા માટેની માંગ સાથે વિરોધ્ધની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ મંદિર ચોરીના ભેદ ઉકેલવા તો દુર પરંતુ વધુ મંદિર ચોરીઓ બન્ને પોલિસ વિભાગની હદ્દમાં થઇ રહ્યા છે. માત્ર દોઢ મહિનાની વાત કરવામા આવે તો (1)તારીખ-31-12 ના અંજારના રાધાનગરમા આવેલ મહાદેવ મંદિર(2) તારીખ 03-02-22ના અંજાર ગાંધીધામ હાઇવે પર આવેલ મંગલેશ્ર્વર મહાદેવ મંદિર (3) 05-02-22 ના ભુજ તાલુકા લોરીયા નજીક આવેલ દેવસ્થાન અને હનુમાન મંદિરમાંથી 9 લાખથી વધુની ચોરી અને 07 તારીખે અંજારના સધ્યાગીરી આશ્રમમાં ચોરીના ઘટના પ્રકાશમાં આવી છે.
આ ઉપરાંત કચ્છના પ્રખ્યાત પિગળેશ્ર્વર મહાદેવ મંદિરમાંથી થયેલ ચોરી તો આહીરપટ્ટીના મોખાણા ગામે રવેચીમાં તથા અન્ય મંદિરમાંથી ચોરી ઉપરાંત અંજારના સત્તાપર ગામે પણ 3 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તો મુન્દ્રા તાલુકાના કુકડસર ગામે 3 માસ અગાઉ ગોગા મહારાજ મંદિરમાંથી દોઢ લાખની ચોરીનો બનાવ પણ વણ ઉકેલાયો છે આવી નાની મોટી ચોરી અને ચોરીના પ્રયાસોના અનેક બનાવો એક વર્ષમા બન્યા છે. પરંતુ મોટાભાગની ચોરીના હજુ ભેદ હજુ પણ ઉકેલાયા નથી.
CCTV છતા પોલીસને કડી મળતી નથી
સામાન્ય રીતે મોટા ધાર્મીક સ્થળોથી લઇ વિવિધ જગ્યાએ CCTV કેમેરા લગાવવા પર પોલીસભાર મુકી રહી છે. જેથી કોઇ અનિચ્છનીય બનાવ સમયે ગુન્હેગારનુ પગેરૂ દબાવવા માટે મદદ મળે પરંતુ પાછલા થોડા સમયમાં થયેલી ચોરીમાં અનેક જગ્યાએથી પોલિસને સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ મળ્યા છે. પરંતુ પોલિસ તેમાંથી કોઇ મહત્વની કડી મેળવી શકી નથી. તો મહત્વની એવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ નિષ્ફળ રહી છે. આયોજનબંધ રીતે થઇ રહેલી ચોરીની ઘટના પછી વિવિધ સંતોએ પણ ચોરીના ધટનાને વખોડી છે
હિન્દુ સંગઠનોએ પણ પોલીસમાં રોષ સાથે પોતાની રજુઆત કરી છે. પરંતુ પોલિસ કોઇ મહત્વના કડી મેળવી શકી નથી અને મોટાભાગના ગુન્હાઓ હજુ પણ વણ ઉકેલાયા છે. CCTV માં બિન્દાસ રીતે ચોરી કરતા ગુન્હેગારો પોલિસને પડકાર ફેકી રહ્યા છે.
કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. એક તરફ દારૂ-જુગાર જેવી પ્રવૃતિ સામે રોક લગાવતી કામગીરી કરી પોલિસ પોતાની કામગીરી દેખાડી રહી છે પરંતુ આવા ગંભીર પ્રકારના ગુન્હામા પોલિસની નબળી કામગીરીથી લોકોમાં રોષ છે. ત્યારે હિન્દુ સંગઠનોએ ચોરીની ધટના રોકવા સાથે ચોરીના ભેદ ઝડપી ઉકેલાય તેવી માંગ કરી છે સાથે જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો સંતો સાથે કચ્છભરમાં વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે જોવુ રહ્યુ કે પોલીસ ક્યારે મંદિરને નિશાન બનાવતા તસ્કરો સુધી પહોંચે છે.
આ પણ વાંચો : Surat: પાંડેસરામાં કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવ્યું, સારવાર મળે તે પહેલાં જ મોત
આ પણ વાંચો : Gujarat ના યાત્રાધામ બહુચરાજીની ટ્રાફિકની સમસ્યા સંસદમાં ગુંજી