Kutch: નખત્રાણામાં કડવા પાટીદાર સમાજના સનાતની શતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાને ફરી કચ્છના કર્યા વખાણ
નરેન્દ્ર મોદીએ સનાતની શતાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસે રાષ્ટ્ર ગૌરવ સમારોહ નિમિત્તે સંબોધન કર્યું અને પાટીદાર સમાજના ગૌરવપુર્ણ ઇતિહાસના વખાણ કરી તેમની સિધ્ધીઓ બદલ પ્રસંશા કરી હતી. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા દ્વારા સ્થાપનાના 100 વર્ષ પુર્ણ થતા નખત્રાણા ખાતે પાંચ દિવસીય મહોત્સવનું આયોજન કર્યુ છે ગઇકાલે પ્રારંભ થયેલ આ મહોત્સવમાં શોભાયત્રા સાથે દેશભરમાંથી પાટીદારો મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં કચ્છ પહોંચ્યા હતા, ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સનાતની શતાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસે રાષ્ટ્ર ગૌરવ સમારોહ નિમિત્તે સંબોધન કર્યું અને પાટીદાર સમાજના ગૌરવપુર્ણ ઇતિહાસના વખાણ કરી તેમની સિધ્ધીઓ બદલ પ્રસંશા કરી હતી તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા કેન્દ્રીય કૃષીમંત્રી પુરૂષોત્તમ રૂપાલા સહિત કચ્છના ધારાસભ્ય અને સાંસદો સહિત પાટીદાર સમાજના દેશભરના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ એ સમગ્ર ભારતનું ગૌરવ છે
પોતાના ઉદ્દબોધન દરમ્યાન વડાપ્રધાને કહ્યું કે, કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. ભારતના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં કચ્છીમાડુઓની હાજરી અચૂક હોય જ છે. “કચ્છડો ખેલે ખલક મેં..” ઊક્તિ સાથે સંબોધન કરતાં વડાપ્રધાનએ જણાવ્યુ હતું કે, આજે મારા માટે સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ છે કારણ કે શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે. વડાપ્રધાનએ મંચ પરથી શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યને પ્રણામ કર્યા હતા.વધુમાં કચ્છી કડવા પાટીદાર સમાજની સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, સમાજની સેવાના 100 વર્ષનો પુણ્યકાળ, યુવા પાંખના 50 વર્ષ અને મહિલા પાંખના 25 વર્ષ પૂર્ણાહુતિનો આ ત્રિવેણી સંગમ એક સુખદ સંયોગ છે.
વડાપ્રધાનએ કહ્યું કે સનાતન માત્ર એક શબ્દ નથી પણ નિત્ય નૂતન છે, પરિવર્તનશીલ છે. જેમાં વીતેલી કાલથી પોતાને વધારે સક્ષમ બનાવવાની ચેષ્ટા છે. આથી જ સનાતન અજર અમર છે. કોઈપણ રાષ્ટ્રની યાત્રા તેના સમાજની યાત્રાનું જ એક દર્શન હોય છે. પાટીદાર સમાજનો અનેક વર્ષોનો ઈતિહાસ છે. 100 વર્ષની કચ્છ કડવા પાટીદાર સમાજની યાત્રા અને ભવિષ્યનું વિઝન એ ભારત અને ગુજરાતને જાણવા અને જોવાનું માધ્યમ પણ છે.
કચ્છના વિકાસને ફરી યાદ કર્યો
જુના દિવસો યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે આ સમાજ પાસેથી તેમણે ઘણુંબધું શીખ્યું છે. ગુજરાત મુખ્યમંત્રી તરીકે એ સમયે અનેક વખત કચ્છ પાટીદાર સમાજની સાથે કામ કરવાનો અવસર મળ્યો એ વાતનો હર્ષ વ્યક્ત કર્યો હતો. કચ્છના ભૂકંપની મુશ્કેલ પરિસ્થિતિના સમયને યાદ કરીને વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, રાહત બચાવના લાંબા પ્રયાસોમાં સમાજની તાકાતના લીધે જ મને હંમેશા આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો હતો. એક સમય હતો જ્યારે કચ્છ દેશના સૌથી પછાત જિલ્લામાંથી એક હતો. પાણીની તંગી, ભૂખમરો, પશુઓના મોત, લોકોનું પલાયન વગેરે ખરાબ પરિસ્થિતિ જ કચ્છની ઓળખાણ હતી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સાથે મળીને કચ્છની કાયાકલ્પ કરી દીધી છે.
આ પણ વાંચો : ગુજરાતના અમદાવાદ, વડોદરા, અરવલ્લી અને કચ્છમાં બની આગની ઘટના, જુઓ Video
શતાબ્દીને લઈ વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ સનાતની શતાબ્દી મહોત્સવની સાથે સમાજે આગામી 25 વર્ષ સુધીનું વિઝન નક્કી કર્યું છે. આ સમાજના 25 વર્ષના સંકલ્પ પૂર્ણ થશે ત્યારે દેશ આઝાદીના 100માં વર્ષની ઉજવણી કરી રહ્યો હશે. કચ્છ કડવા પાટીદાર સમાજે ઈકોનોમીથી માંડીને ટેક્નોલોજી સુધી, સામાજિક સમરસતાથી માંડીને પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી માટે જે સંકલ્પ લીધા છે તે દેશના અમૃત સંકલ્પો સાથે સંકળાયેલા છે. તેઓએ વિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રયાસો દેશના સંકલ્પને તાકાત આપીને સિદ્ધિ સુધી પહોંચાડશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest News Updates





