કચ્છનું દેશલસર તળાવ થયું જળકુંભિ મુક્ત, બ્યુટિફિકેશનના કાર્યની વિધાનસભા અધ્યક્ષે કરી પ્રશંસા
કચ્છના (Kutch)ઐતિહાસિક દેશલસર તળાવ ભૂજની શાન સમાન છે જેનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે ત્યારે વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યએ કાર્યસ્થળની મુલાકાત લઇને તળાવના કાર્યની સમીક્ષા કરી હતી.

કચ્છના (Kutch)ઐતિહાસિક દેશલસર તળાવ ભૂજની શાન સમાન છે. ભુજ(Bhuj) સુધરાઇના પ્રયાસથી તળાવને ગટરના પાણી અને જળકુંભીથી મુકત કર્યા બાદ હાલ તળાવમાંથી સમગ્ર કાદવ કાઢીને ખોદવામાં આવી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યએ કાર્યસ્થળની મુલાકાત લઇને તળાવના કાર્યની સમીક્ષા કરી હતી.કચ્છમાં દેશલસર તળાવનું બ્યુટીફિકેશન કરીને શહેરીજનોને અમૂલ્ય ભેટ આપવામાં આવશે તેવું દેશલસર તળાવની મુલાકાત સમયે ખાણેત્રાની કામગીરીની સમીક્ષા કરતા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય એ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે તળાવની રૂબરૂ મુલાકાત લઇને સુધરાઇ દ્વારા ચાલતા તળાવના ખાણેત્રાના કામનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર પાસેથી ખાણેત્રાના કામને લઇને અન્ય વિગતો પણ મેળવી હતી.
આ કાર્ય માટે મસમોટો રૂ. 33 લાખનો ખર્ચ ભાડા પેટે ખર્ચ આવતો હતો, પરંતુ આ બાબતે મધ્યસ્થી કરીને મશીન ભાડું માફ કરાવીને અંતે માત્ર રૂ. 5 લાખના ખર્ચમાં સમગ્ર કામ કરવાના એમઓયુ કરાવ્યા હતા. ત્યાર બાદ હાલ સમગ્ર તળાવ જળકુંભી અને ગટરના પાણીથી મુકત થઇ ગયું છે. ભવિષ્યમાં ગટરના પાણી ન આવે તે માટે તળાવની આસપાસની વસાહતોના ગેરકાયદે કનેકશન કાપી નાખવામાં આવ્યા છે. તથા તેઓને કાયદેસર કનેકશન આપવામાં આવશે. જેથી આ ચોમાસામાં આખરે તળાવ સ્વચ્છ પાણીથી છલોછલ ભરાશે, જે સમગ્ર ભુજવાસીઓની આંખને ઠારે તેવું દશ્ય બનશે. ટૂંક સમયમાં ભુજવાસીઓ માટે તળાવની આસપાસ હમીરસર તળાવની જેમ બ્યુટીફિકેશનનું કામ કરાશે જે શહેર માટે નવલું નજરાણું બની રહેશે. નીમાબહેન આચાર્યએ તળાવની સફાઇનું અશકય કામ કરાવનારા સુધરાઇના પ્રમુખને અભિનંદન આપીને વોર્ડ નં.૩ના નગરસેવકોની મહેનતને બિરદાવી હતી.
ભુજના નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, તળાવમાંથી સમગ્ર પાણી બહાર કાઢી લેવાયું છે તથા જળકુંભીનો નિકાલ કરીને તળાવમાંથી જુનો કાદવ દુર કરવાની કામગીરી કરીને સાથે ખાણેત્રું કરાઇ રહ્યું છે. રોજ 130 ખાણેત્રાની ગાડી ભરાઇ રહી છે, ચોમાસા પૂર્વે સમગ્ર કામ પૂર્ણ કરી લેવાશે. ઇપીઆઇ સંસ્થાની મદદથી આ સમગ્ર કામ કરવામાં સફળતા મળી છે. આગામી સમયમાં અમૃતમ યોજના-૨ હેઠળ સવા કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે. જે હેઠળ દેશલસર લેક રીસ્ટોરેશન પ્રોજેકટ તૈયાર થઈ ગયો છે. આ સાથે જ તળાવમાં ગટરના પાણી ફરી ન આવે તે માટે લોકોને નોટીસ આપીને કાયદેસર કનેકશન લઇ લેવા અપીલ કરી છે. ધાર્મિક મહત્વ ધરાવતા રાજાશાહી સમયના તળાવની એક દાયકાથી ખરાબ સ્થિતી હતી જો કે લોક વિરોધ વચ્ચે પાલિકાએ અનેક લોકોના સહયોગથી અંતે તળાવને સુંદર બનાવવા તરફ કામગીરી શરૂ કરી છે