પહેલા વરસાદમાં જ બેટમાં ફેરવાયો સમગ્ર ઘેડ પંથક, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના આ ખતરનાક દૃશ્યો- Video

|

Jul 02, 2024 | 5:39 PM

જુનાગઢમાં ગત રાત્રિએ વરસેલા સાર્વત્રિક વરસાદથી ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયા છે. સમગ્ર ઘેડ પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘેડના પીપલાણા ગામની પરિસ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. આ પંથકના 17 ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે અને 17 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 

જુનાગઢમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેમા વંથલી, વિસાવદર અને કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. વંથલીમાં ભારે વરસાદ થવાથી સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. ઉંધી રકાબી જેવો આકાર ધરાવતા આ વિસ્તારમાં કદાચ વરસાદ ન હોય તો પણ ઉપરવાસમાંથી પાણી આવવાથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. વિસાવદરમાં વરસાદ હોય કે કેશોદમાં વરસાદ હોય વચ્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ ન હોવાથી ઘેડ પંથકમાં વર્ષોથી દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે અહીંના લોકોને પણ ભારે મુશ્કેલી સહન કરવી પડે છે.

પીપલાણા ગામ બેટમાં ફેરવાયુ

હાલ સમગ્ર જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તો સાર્વત્રિક મહેર વરસાવી છે પરંતુ ઘેડમાં આવેલા પીપલાણા ગામમાં આ મહેર કહેર બની રહી છે. ઉપરવાસમાંથી પાણીનો ભરાવો થતા ચોતરફ પાણી જ પાણીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. જેના કારણે માણાવદરના 17 ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ઓઝત નદી અને ભાદરમાં ભરપૂર પાણીની આવક થતા પીપલાણા ગામ બેટમાં ફેરવાઈ ગયુ છે.

મહિલાનું અવસાન થતા અંતિમયાત્રામાં વિઘ્ન

જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે. સૌથી વધુ બદ્દતર સ્થિતિ માણાવદરના પીપલાણા ગામની છે. સમગ્ર ગામને જાણે ચોતરફથી પૂરના પાણીએ બાનમાં લીધુ હોય તેવુ સ્થિતિ છે. ગામમાં જ એક કુટુંબમાં મહિલાનું અવસાન થયુ છે અને મહિલાના મૃતદેહની અંતિમવિધિમાં પણ ભારે અડચણો આવી રહી છે. હાલ અંતિમક્રિયા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે. ખેતર બેટમાં ફેરવાઈ જતા કેશોદ ફાયર વિભાગની ટીમ દ્વારા સામા કાંઠેથી મૃતદેહ લાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

વર્ષોથી ગ્રામજનો દ્વારા ઘેડ પંથકને જોડતી ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવવાની માગ

હાલ સમગ્ર ગામમાં પાણી ભરાઈ જતા તમામ માલધારીઓના માલઢોરનું નિરણ પણ પલળી ગયુ છે. ત્યારે પ્રશાસન મદદરૂપ થાય તેવી માગ ઉઠી છે. ગામના તમામ કાચા મકાનોને ભારે નુકસાન પહોંચ્યુ છે. અને તમામ ઘર વખરી પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. દર વર્ષે આ વિસ્તારમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે અને ગામો સંપર્ક વિહોણા બને છે. હાલ આ સ્થિતિને પહોંચી વળવા અહીંના પૂર્વ સાંસદ દ્વારા સંસદમાં પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યુ નથી. અહીં ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવવાની માગ ગ્રામજનો વર્ષોથી કરી રહ્યા છે. જો અહીં આ વોલ સાથે એક મોટો બ્રિજ બનાવી દેવામાં આવે તો જરૂરથી ગામલોકોને રાહત મળી શકે તેમ છે.

ઘેડ પંથકના 17 ગામો સંપર્ક વિહોણા અને દરેક ગામમાં જળબંબાકારની સ્થિતિ

આ માત્ર એક ગામની સ્થિતિ નથી આ જ પૂરના દશ્યો અને જળબંબાકારની સ્થિતિ 17 ગામોમાં જોવા મળી રહ્યા છે. ખેતરના ખેતર પાણીમાં ધોવાઈ જાય છે. માણાવદરમાં ગઈકાલે સૌથી વધુ વરસાદ પડ્યો હતો. માણાવદર, વિસાવદર, કેશોદ કે જૂનાગઢમાં જ્યાં પણ વરસાદ પડે તેનુ પાણી ઘેડ પંથકમાં આવતુ હોય છે તેને કારણે અહીંના માલધારીઓ અને ખેડૂતોને ભારે હાલાકી પડતી હોય છે. ગામલોકો ઘરની બહાર નથી નીકળી શક્તા. ગામ સંપર્કવિહોણા બનતા ગામની બહાર નીકળી શક્તા નથી. દર ચોમાસે આ પ્રકારની સ્થિતિ ઘેડ પંથકમાં જોવા મળતી હોય છે. ગામલોકોની માગ છે કે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે કારણ કે હજુ તો ઓજત નદી છે તે ભરાઈ નથી જો ઓઝત ડેમ છલકાઈ જાય તો આ વિસ્તારની હાલત વધુ કફોડી બને તેવી પુરી શક્યતા છે.

ગામમાં સર્વત્ર પાણી ભરાઈ જતા ગામલોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબુર

આ તરફ પીપલાણા ગામ પ્રથમ વરસાદમાં જ સંપર્ક વિહોણુ બન્યુ છે. નદીના પાણી ગામમાં ઘુસી જતા ગામમાં અવરજવર મુશ્કેલ બની છે. ઢોર-ઢાંખર સહિત ઘરવખરીને પણ પારાવાર નુકસાન પહોંચ્યુ છે. ગાઠીલાથી નવાગામ જવાનો પૂલ ધોવાઈ જતા ગામમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:40 pm, Tue, 2 July 24

Next Article