મહાશિવરાત્રીના મેળા સમયે જ ભવનાથ તળેટીના વેપારીઓએ આ કારણથી અચોક્કસ મુદ્દત સુધી બંધ પાળવાનું આપ્યુ એલાન- જુઓ વીડિયો
જુનાગઢમાં ભવનાથ તળેટીમાં વેપારીઓએ મહાશિવરાત્રીના મેળા સમયે જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાઈ જતા બંધ પાળ્યો છે. વેપારીઓએ પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિર્ણયના વિરોધમાં અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનુ એલાન કર્યુ છે.
જુનાગઢમાં ગીરનારની તળેટીમાં પરિક્રમા બાદ થયેલી ગંદકી મુદ્દે હાઈકોર્ટે ફટકાર લગાવી હતી અને પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા તંત્રને તાકીદ કરી છે. ત્યારે ભવનાથમાં આગામી 5 મી માર્ચથી મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે એ પહેલા તંત્ર દ્વારા મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવાતા વેપારીઓ રોષે ભરાયા છે. વેપારીઓએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાતા બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે અને આ નિર્ણયના વિરોધમાં અચોક્કસ મુદ્દત સુધી બંધ પાળવાનુ એલાન કર્યુ છે.
પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાતા વેપારીઓએ અચોક્કસ મુદ્દત સુધી બંધનું આપ્યુ એલાન
પ્લાસ્ટિક પર મુકાયેલા પ્રતિબંધના વિરોધમાં વેપારીઓ દુકાનો બંધ કરીને બેઠા છે અને તેમનુ કહેવુ છે કે મેળા સમયે જ પ્રતિબંધ મુકાઈ જતા વેપારીઓની મુશ્કેલી વધશે. જો કે પ્લાસ્ટિકને કારણે પર્યાવરણની મુશ્કેલી વધશે તેની સામે તેઓ કશુ બોલવા તૈયાર નથી. વેપારીઓની દલીલ છે કે તેમણે પ્લાસ્ટિકની પાણીની બોટલો, વેફર, દૂધની કોથળીઓ વગેરે ખરીદીને રાખ્યું છે અને હવે મેળાના સમયે વેચાશે નહીં તો કરીશું શું ?
પરિક્રમા સમયે ગીરનાર તળેટીમાં ઠલવાયો હતો ટનબંધ પ્લાસ્ટિક કચરો
જો કે આ પ્રશ્ન આજકાલનો નથી. છેલ્લા કેટલાય મહિનાઓથી ગીરનાર પર્વત પર ગંદકી અને પ્રદૂષણનો આ મુદ્દો વિવાદમાં છે. હાલમાં જ પરિક્રમામાં આવેલા શ્રધ્ધાળુઓએ પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ટનબંધ પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો હતો. જેને ગુજરાત એનસીસી બટાલીયન, વન વિભાગના મજુરોએ મળીને દિવસો સુધી સફાઈ કરી હતી. ગીરનાર અને ભવનાથ તળેટી સહિતના 9300 હેક્ટર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય હતું. આ પ્રદૂષણને ફેલાતું અટકાવવા જાહેરહિતની અરજી બાદ હાઇકોર્ટે ઓક્ટોબરમાં સફાઇનો આદેશ આપ્યો હતો. તંત્રએ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના અમલવારી શરૂ કરી હતી. છતાં ફરી ઠેરનું ઠેર થઈ જતા તંત્રએ કડકાઈ બતાવી છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh