અમદાવાદમાં ફરી સામે આવ્યો નક્લી પોલીસનો આતંક, ચાર લોકોની ટોળકીએ પોલીસના સ્વાંગમાં અનેક લોકો પાસેથી ખંખેર્યા રૂપિયા
અમદાવાદમાં નક્લી પોલીસ બની તોડ કરતા ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ તોડબાજોએ શહેરના નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં પોલીસના સ્વાંગમાં તોડ કરતા હતા. ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહીને ત્યાં આવતા પ્રેમી યુગલોને ટાર્ગેટ કરતા અને પોલીસ હોવાની ઓળખ આપી બદનામ કરવાની ધમકી આપી મોટી રકમનો તોડ કરતા હતા.
અમદાવાદના શહેરકોટડા પોલીસની ગિરફતમા રહેલા આરોપી મોહસીન ઉર્ફે બીડું શેખ, મોહમદ ઈમ્તિયાઝ ઉર્ફે બચુડી શેખ અને મોહમદ રફીક ઉર્ફે બટકો શેખની ધરપકડ કરી છે. આ નકલી પોલીસની ટોળકી પૂર્વ વિસ્તારમાં આતંક મચાવ્યો છે અને છેલ્લા બે મહિનામાં અનેક પ્રેમી યુગલો પાસેથી હજારો રૂપિયા પડાવ્યા છે. આ ટોળકીએ ચાંદલોડિયાના યુવકને ટાર્ગેટ કરી તેની પાસે દોઢ લાખની માગણી કરી હતી અને પૈસા ના આપે તો ઘરે કહી દેવાની અથવા કેસ કરી દેવાની ધમકી આપતા યુવક પાસેથી 50 હજાર રૂપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે શહેરકોટડા પોલીસમાં યુવકે ફરિયાદ કરતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પ્રેમી યુગલોને ટાર્ગેટ કરી ધમકી આપી મોટી રકમનો કરતા તોડ
પકડાયેલા નકલી પોલીસની મોડ્સઓપરેન્ડી વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં આવેલી હોટલમાં જતા પ્રેમી યુગલોને ટાર્ગેટ કરી ધમકાવી ડરાવીને પૈસા પડાવતા હતા. જેમાં નકલી પોલીસની ટોળકીમા બે આરોપી હોટલની બહાર વોંચ રાખીને બેઠા હોય અને હોટલથી બહાર યુગલ આવતા જ અન્ય બે આરોપી પીછો કરી તે યુગલને પકડીને તેને પોલીસની ઓળખ આપી અને કેસ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા, એટલું જ નહિ નકલી પોલીસ પર કોઇને શંકા ન જાય તે માટે પોલીસની જેમ સ્પોર્ટ શુઝ પહેરીને આવતા હતા અને મોટા અવાજથી વાતો કરીને યુગલોને ધમકાવતા હતા.
નક્લી પોલીસનો માસ્ટર માઈન્ડ મોહસીન ઉર્ફે બીડુ શેખ જુહાપુરાનો રહેવાસી
આ ઝડપાયેલ નકલી પોલીસની ટોળકીમાં મુખ્ય આરોપી મોહસીન ઉર્ફે બીડુ શેખ મૂળ જુહાપુરાનો રહેવાસી છે. જે પોતે દરરોજ અન્ય 3 લોકોને સાથે લઈ જતો હતો અને નકલી પોલીસ બનીને ચારેય આરોપી નારોલ, શહેર કોટડા, ઓઢવ અને અમરાઇવાડીમાં આવેલી હોટલમાં ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછમાં છેલ્લા બે મહિનામાં અનેક પ્રેમી યુગલોને ટાર્ગેટ કરી પૈસા પડવાયા હોવાનું આરોપીએ કબૂલ્યું છે. ત્યારે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ લઈને તપાસ શરૂ કરી છે. સાથે જ આવા નકલી પોલીસનો ભોગ બનેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી.