ગુજરાતી ફિલ્મમાં જામનગરનો દબદબો, રિયલ લાઈફ માતા-પુત્રની જોડી ફિલ્મમાં કરશે કમાલ
સારથી ગુજરાતી ફિલ્મમાં (Sarathi gujarati movie) માતૃત્વ અને અનાથ બાળકની લાગણીસભર વાતને અનોખી રીતે રજુ કરવામાં આવી છે.
Jamnagar : છેલ્લા કેટલાક સમયથી બોલીવુડની ફિલ્મને (Bollywood Film) ટક્કર આપે તેવી ફિલ્મ ઢોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મો (Gujarati film) તૈયાર થઈ રહી છે. આવી જ લાગણીસભર માતૃત્વ વિષય પર તૈયાર થઈ છે ફિલ્મ સારથી(Sarathi) . ફિલ્મમાં કોમેડી, બાળકોની મસ્તી,માતાની પુત્રને મળવાની ઝંખના, અનાથ બાળકનો માતા પ્રત્યેનો લગાવ તમામ વિષયને આવરીને એવી રીતે દર્શાવવામાં આવ્યા છે. કે દર્શક પડદો પડે નહી ત્યાંથી દર્શકો ખુરશી છોડે નહી.આ દરેક લોકોને પસંદ પડે તેવી પારિવારિક ફિલ્મ છે.
સારથી ફિલ્મમાં જામનગરના ત્રણ કલાકારોને સ્થાન
સારથી ફિલ્મ અન્ય ફિલ્મ કરતા થોડી અલગ બનવામાં આવી છે. સિનેમાનો મુખ્ય હેતુ મનોરંજન (Entertainment) સાથે સમાજને કોઈ સંદેશ આપવાનો હોય છે. તે સારથી ફિલ્મે સાર્થક કર્યુ છે. ફિલ્મમાં ચાર બાળકોની ટોળકી છે. તેનુ નાનપણ અને તેમની લાગણીઓને રજુ કરવાં આવી છે. જાણીતા ડિરેકટર રફીક શેખે (Director Rafiq Sheikh) બાળકોના પાત્રને પ્રાધાન્ય આપતી અને પુત્રનો પ્રેમ ઝંખતી માતાની લાગણીની કહાની છે. ફિલ્મમાં જાણીતા કલાકાર પ્રતિક ગાંધી, જાણીતા કલાકાર મિનળબેન પટેલ, શેખર શુકલના નામથી જાણીતા જેવા કલાકાર સાથે બાળ કલાકારો પણ છે. તમને જણાવી દઈએ કે, પાર્થ ગોહિલે (Parth Gohil) ગીત લખ્યા છે અને મનિષ ભાનુશાળીએ સંગીત આપ્યુ છે. આ ફિલ્મનું શુટિંગ વડોદરા (Vadodara) અને શિમલાના આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યુ છે.
સારથી ફિલ્મ વડોદરા અને શિમલામાં શુટીંગ કરવામાં આવ્યુ હતુ. તેથી નાના બાળ કલાકાર માટે પડકારરૂપ હતુ કારણ કે આ શુટીંગ વડોદરામાં 42 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે કરવામાં આવ્યુ હતુ. તો શિમલામાં પણ માઈનસ 15ના તાપમાનમાં કામ કરીને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતુ. ફિલ્મ તૈયાર થયા બાદ વોઈસ ડબીંગ માટે જામનગરના સૌમ્યએ સતત 36 કલાક મહેતન કરી હતી.
4260 માંથી 4 બાળકોની પસંદગી
રફીક શેખે પોતાની કહાની લખ્યા બાદ જાણીતા કલાકારો કે નાટક, ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મો અને ટીવી સીરીયલોમાં કામ કરી ચુક્યા હોય તેવા જાણીતા કલાકાર સ્થાન આપ્યુ. પરંતુ કહાનીમાં બાળકોનુ પાત્ર લીડ રોલમાં હોવાથી તેમની પસંદગી કરવી ફિલ્મ સંચાલકો માટે પણ પડકારરૂપ હતુ. જે માટે ઓડીશન લેવામાં આવ્યા. આ ઓડીશનમાં 4260 જેટલા બાળકોને ભાગ્ય અજમાવ્યુ.જેમાં જામનગરના બાળ કલાકાર સૌમ્ય પંડયા, સુરતના ભવ્ય પવાર, રાજકોટના સ્વયં છાંયા અને વડોદરાની વૃંદા ત્રિવેદીની પસંદગી કરવામાં આવી.તમને જણાવવુ રહ્યું કે, સૌમ્ય પંડ્યા સાથે તેના માતા ડો. મેધા પંડયાની પણ પસંદગી કરવામાં આવી. ફિલ્મમાં રિયલમાં માતા-પુત્રની જોડીએ ફિલ્મમાં પણ એ જ સંબધ નિભાવ્યો છે.સારથી ફિલ્મમાં બાળ કલાકાર સૌમ્ય પંડયા અને તેની માતા ડો.મેધના પંડયાએ સાથે કામ કર્યુ છે. સાથે મીત પાડલીયાને ગેસ્ટ કલાકાર તરીકે કામ કર્યુ છે. એક ફિલ્મમાં જામનગરના (Jamnagar) ત્રણ કલાકારો તક મળી છે.
જાણો સૌમ્ય પંડયાની સફર વિશે
જામનગરનો બાળ કલાકાર સૌમ્ય પંડયાએ સારથી ફિલ્મમાં લીડ પાત્ર ભજવ્યુ છે. જો કે આ સફર સરળ રહી નથી. 4260 બાળકોમાંથી લીડ પાત્ર માટે સૌમ્યની પસંદગી થઈ. તમને જણાવી દઈએ કે, અઢી વર્ષની ઉમરે તેણે પહેલા વેશભુષામાં સ્વામીવિવેકાનંદનુ પાત્ર ભજવ્યુ, ત્યાંથી તેની નાટય અને એકટીંગની સફર શરૂ થઈ. 2014ના રોજ લીબડી નજીક આવેલા સ્વામીવિવેકાનંદના આશ્રમમાં 1500થી વધુ જનમેદની વચ્ચે સ્વામીવિવેકાનંદ પર ધારદાર વકત્વ આપ્યુ હતુ. ત્યાર બાદ અલગ-અલગ 50 થી વધુ સ્પીચ સ્વામીવિવેકાનંદજી પર તેણે આપી છે.
ખાનગી મનોરંજનની ચેનલમાં 2015માં ઈન્ડીયા બેસ્ટ ડ્રામેબાજમાં ટોપ-16માં પણ તેને સ્થાન મળ્યુ હતુ. 2016માં ભાવનગરમાં બાળ પ્રતિભા શોધમાં રાજય કક્ષાએ મોનો એકટીંગમાં પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. 2018માં વડોદરા કલા મહાકુંભમાં કલા રજુ કરી હતી.તો 2019માં ચિત્રલેખા નાટય સ્પર્ધામાં પિતા ગૌરવ પંડયાને લેખીત હેસટેગ સ્ટોરી નામના નાટકમાં માતા-પુત્રએ પાત્ર ભજવ્યુ હતુ. એટલુ જ નહીં 2017માં જીનીયસ ઈન્ડીયન એચીવર એવોર્ડ 2017માં મળ્યો. નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી સહીતના નેતાઓએ સૌમ્યને શુભેચ્છાઓ આપી હતી.