વડાપ્રધાન મોદીએ GCTM સેન્ટરનું ભૂમિપૂજન કર્યુ, કહ્યુ ‘WHOના વિશ્વાસ પર ભારત ખરુ સાબિત થશે’
ગોરધનપર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન (GCTM )બનવા જઈ રહ્યું છે. આયૂષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) બંને મળીને આ સેન્ટર બનાવવા જઈ રહ્યા છે.
બનાસકાંઠાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી (Prime Minister Modi) જામનગર (Jamnagar) પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર CM પટેલ અને સાંસદ પૂનમ માડમે PM મોદીનું સ્વાગત કર્યું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ જામનગરમાં WHOનું ગ્લોબલ સેન્ટર ફોર સ્ટેશન મેડિસિન સેન્ટરના (GCTM) બિલ્ડીંગનું ભૂમિ પૂજન કર્યુ. આ પ્રસંગે WHOના ડાયરેકટર અને અન્ય કેટલાક દેશોના એમ્બેસેડર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. જામનગર પહોંચેલા વડાપ્રધાન મોદીએ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જામસાહેબે વડાપ્રધાનનું કચ્છી શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
પાયલોટ બંગલામાં 20 મિનિટ સુધી વડાપ્રધાને રાજવી જામસાહેબ સાથે મુલાકાત યોજી હતી. જયાં મોદીએ જામસાહેબના ખબર અંતર પણ પૂછ્યા હતા. મુલાકાત બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ મને હંમેશાં મળ્યો છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, જામનગરનો આયુર્વેદ સાથે જુનો સંબંધ છે. દાયકાઓ પહેલા જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના થઇ હતી. આગામી 25 વર્ષમાં આ પરંપરાગત સારવાર પદ્ધતિનું આ કેન્દ્ર બનશે. આ કેન્દ્ર જામનગરને વિશ્વફલક પર નવી ઊંચાઇઓ પર લઇ જશે. તેમણે ભારતને આ જવાબદારી સોંપવા માટે WHOનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ કે WHOના વિશ્વાસ પર ભારત ખરુ સાબિત થશે.
મહત્વનું છે કે ગોરધનપર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન બનવા જઈ રહ્યું છે. આયૂષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થા બંને મળીને આ સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન નામથી આકાર પામનારુ આ કેન્દ્ર જામનગર જ નહીં પણ વિશ્વ ફલક પર એક નામ મેળવશે. આ સેન્ટરમાં 138 પ્રકારની વિવિધ દેશોની વિવિધ ચિકિત્સા પદ્ધતિ દ્વારા કોઇ પણ રોગનું નિદાન તથા સારવાર રાજ્યમાં એક જ છત હેઠળ થશે અને લોકોને સસ્તા દરની દવાઓ મળી રહેશે.
આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિન 2024 સુધીમાં તૈયાર થશે. આ બિલ્ડિંગ આશરે 3 માળનું હશે. 1349.46 લાખ રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ તૈયાર થશે. જેમાં કોન્ફરન્સ રૂમ, લાઈબ્રેરી, કોમ્યુટર લેબ, ટ્રેનિંગ હોલ, કચેરી, અધિકારી ચેમ્બર સહીતનુ લેઆઉટ તૈયાર કરવામાં આવ્યુ છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનું વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિહ્ન અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે.
આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો