Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડીના 60 માં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ, કેડેટોને સન્માનિત કરાયા
એનડીએના 147 માં કોર્સ માટે સ્કૂલમાંથી મેરિટમાં પ્રથમ સ્થાને રહેવા બદલ ગરુડ હાઉસના કેડેટ હેમલ શ્રીમાળીને શ્રેષ્ઠ એનડીએ કેડેટ માટે 'કેપ્ટન નિલેશ સોની ટ્રોફી' અને ઓબ્સા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 25000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
જામનગર(Jamnagar) સૈનિક સ્કૂલ બાલાચડી(Sainik School Balachadi) ખાતે 60 મા હિરક મહોત્સવ(Anniversary) વર્ષે નિમિત્તે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમની શરૂઆત શહીદોના યુદ્ધ સ્મારક શૌર્ય સ્તંભ ખાતે મુખ્ય મહેમાન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને થઈ હતી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપકૅપ્ટન રવિન્દર સિંહે સ્કૂલનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં સ્કૂલની મહત્વપૂર્ણ સિદ્ધિઓ અને સંરક્ષણ દળોમાં પ્રવેશ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના સ્કૂલના મિશન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આચાર્યશ્રીએ એમ પણ જણાવ્યું હતું કેસ્કૂલ વર્તમાન સિસ્ટમમાં નવીનતાઓ દાખલ કરીને તેમના ધોરણોને સુધારવા સતત પ્રયત્નશીલ છે.
દેશભક્તિ નૃત્યની પ્રસ્તુતિ કરી પ્રેક્ષકો મંત્રુમુગ્ધ
વાર્ષિક અહેવાલની રજૂઆત પછી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-6 ની વિદ્યાર્થિની ધ્વનિ બોરાડ દ્વારા સરસ્વતી વંદના, ભારતના બંધારણના મહત્વ પર સ્કીટ અને દેશભક્તિ નૃત્યની પ્રસ્તુતિ કરી પ્રેક્ષકોને મંત્રુમુગ્ધ કરી દીધા હતા. આ પ્રકારના ઉત્તમ પ્રદર્શનથી એમના માતા-પિતાને ખાતરી થાય છે કે તેમના સંતાનો તેમની પ્રતિભા અને હસ્તગત કૌશલ્યો સાથે જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ બની શકે છે.
કેડેટ્સને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત
મુખ્ય અતિથિ એ વર્ષ 2020 -21 માટે વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કેડેટ્સને નામો, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.ઓલ રાઉન્ડ પરફોર્મર હાઉસ માટે સૌથી મહત્વની’કોક હાઉસ ટ્રોફી’સરદાર પટેલ હાઉસને અને બેસ્ટ ઓલ રાઉન્ડ હોલ્ડિંગ હાઉસની ટ્રોફી નેહરુ હાઉસને આપવામાં આવી હતી.
એનડીએના 147 માં કોર્સ માટે સ્કૂલમાંથી મેરિટમાં પ્રથમ સ્થાને રહેવા બદલ ગરુડ હાઉસના કેડેટ હેમલ શ્રીમાળીને શ્રેષ્ઠ એનડીએ કેડેટ માટે ‘કેપ્ટન નિલેશ સોની ટ્રોફી’ અને ઓબ્સા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 25000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આંગ્રે હાઉસના ધોરણ-12 ના કેડેટ અવધ વસોયાને વર્ષના ‘શ્રેષ્ઠ ઓલ રાઉન્ડ કેડેટ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
શહીદ કેપ્ટન નિલેશ સોની સાથે વિતાવેલી યાદગાર ક્ષણો પણ શેર કરી
મુખ્ય અતિથિએ ભવ્ય શો માટે કેડેટ્સ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી અને ઇનામો જીતનાર તમામને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે સર્વગ્રાહી વ્યક્તિત્વ વિકસાવવા માટે જરૂરી ગુણો આત્મસાત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને તેમને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે નિષ્ઠાવાન, સત્યવાદી, શિસ્તબદ્ધ અને સમર્પિત બનવા માટે પ્રેરિત કર્યા હતા. મુખ્ય અતિથિએ તેમના સંબોધનમાં સૈનિક સ્કૂલ બાલાચડી અને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં વિતાવેલા તેમના વિદ્યાર્થીના જીવનના અનુભવો તેમજ શહીદ કેપ્ટન નિલેશ સોની સાથે વિતાવેલી યાદગાર ક્ષણો પણ શેર કરી હતી.
તેમણે કહ્યું કે મૂલ્ય પ્રણાલીમાં ફેરફાર ન થવો જોઈએ અને કેડેટ્સનો પ્રયાસ હંમેશા શ્રેષ્ઠતાને અનુસરવાનો હોવો જોઈએ. તેમણે એરિસ્ટોટલના પ્રખ્યાત અવતરણનો ઉલ્લેખ કર્યો કે“આપણે જે વારંવાર કરીએ છીએ, એવા આપણે બની જઈએ છીએ.
ચારિત્ર્ય ખોવાઈ જાય તો બધું જ ખોવાઈ જાય છે
તેથીશ્રેષ્ઠ એ કાર્ય નથી, પરંતુ એક આદત છે.” તેમણે ઉમેર્યું હતું કે બે ગુણો – ધ્યેયની પ્રામાણિકતા અને તેના માટે પ્રયત્નોની પ્રામાણિકતા હંમેશા કેડેટમાં હોવા જોઈએ. તેમણે કેડેટ્સને સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે નેતૃત્વની કળા શીખવાની અને જીવનમાં ચારિત્ર સાથે બાંધછોડ ન કરવાની સલાહ આપી હતી કારણ આપતા તેમણે કહ્યું હતું કે જો સંપત્તિ ખોવાઈ એટલે પૈસા ખોવાઈ જાય છે, સ્વાસ્થ્ય ખોવાઈ જાય છે એટલે કંઈક ખોવાઈ જાય છે પરંતુ જો ચારિત્ર્ય ખોવાઈ જાય તો બધું જ ખોવાઈ જાય છે.
પડકારોને તક તરીકે લો
તેમણે આગળ જીવનના ત્રણ પાસાઓથી માહિતગાર કર્યા – પ્રથમ પડકારોનો સામનો કરો, બીજું જ્યારે સમસ્યાઓ અથવા પડકારો મોટા લાગે પછી તેને નાના ટૂકડાઓમાં વહેંચી દો અને ત્રીજું સમસ્યાઓ અથવા પડકારોને તક તરીકે લો. આ પ્રસંગે મુખ્ય મહેમાન દ્વારા એનડીએના કમાન્ડન્ટનું બેટન અને એનડીએની કોફી ટેબલ બુક સ્કૂલને અર્પણ કરી હતી. સ્કૂલ વતી આચાર્ય દ્વારા મુખ્ય મહેમાનને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી, પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ (નિવૃત્ત) અનેનિયામક, આંતરિક સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસ સ્કૂલ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર તથા સૈનિક સ્કૂલ બાલાચડી અને નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હાજર રહ્યાં હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 293 કેસ નોંધાયા, 8 ના મૃત્યુ
આ પણ વાંચો : અનોખી ઉજવણી : વિરમગામમાં દંપતિએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ થયાની ઉજવણી સ્મશાનમાં કરી