ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. સોમવારે સોમનાથની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલ ફરી આજે 6 ઓગષ્ટે ગુજરાતમાં જામનગર (Jamnagar)ની મુલાકાતે આવ્યા છે. અહીં કેજરીવાલે વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ઓશવાલ સેન્ટર ખાતે હાજરી આપી હતી અને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. અહીં વેપારીઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે પાંચ વર્ષમાં દિલ્હીના સરકારી હોસ્પિટલોનો તેમણે કાયાકલ્પ કરી નાખી છે. દિલ્હીમાં સરકારી હોસ્પિટલોમાં લોકોને સારી સુવિધાઓ મળી રહી છે. લોકો સામેથી હવે સરકારી હોસ્પિટલમાં તેમની સારવાર માટે જઈ રહ્યા છે.
કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે પરંતુ હવે તેનામાં અહંકાર આવી ગયો છે. ગુજરાતમાં તાજેતરમાં બોટાદમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે હું દિલ્હીનો મુખ્યમંત્રી હોવા છતા અસરગ્રસ્તોને મળવા માટે બોટાદ ગયો પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી તેમને મળવા માટે નથી ગયા અને સી.આર. પાટીલ પણ તેમને મળવા નથી ગયા. વધુમાં તેમણે કહ્યુ કે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઈલુ ઈલુ ચાલી રહ્યુ છે.
આજે સીએમ પણ લમ્પી વાયરસને પગલે અસરગ્રસ્ત પશુઓની સારવારની સમીક્ષા માટે જામનગરમાં છે ત્યારે તેમણે જણાવ્યુ કે હવે ઘરમાં બેઠા બેઠા નહીં ચાલે અત્યાર સુધી તો તેમને એવુ હતુ કે કોંગ્રેસ તો આપણી જ પાર્ટીની છે આપણી જ બહેન છે તો ચાલી જતુ હતુ પરંતુ હવે આપની એન્ટ્રી થતા એ બધા ગભરાઈ ગયા છે અને હવે લોકો પણ આપ તરફ આશા રાખી રહ્યા છે.
કેજરીવાલે જણાવ્યુ કે અમે દિલ્હીમાં સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલોને વધુ સુંદર અને સુઘડ બનાવ્યા છે. આ જે આર્થિક રીતે સદ્ધર લોકોના બાળકો પણ દિલ્હીની સરકારી સ્કૂલોમાં એડમિશન લઈ રહ્યા છે. કેજરીવાલે જણાવ્યુ કે જો નિયત સારી હોય તો સ્કૂલો, હોસ્પિટલો, વેપાર ઉદ્યોગો, ઈન્ડસ્ટ્રી પણ સારા થઈ શકે. છેલ્લા 70 વર્ષથી સરકારે જનતા સાથે દગો કર્યા હોવાનો કેજરીવાલે પ્રહાર કર્યો. તેમણે કહ્યુ કે જાણી જોઈને 70 વર્ષથી તત્કાલિન સરકારોએ આપણને પછાત રાખ્યા.
આ તકે તેમણે રાજ્યની ભાજપ સરકાર પર પણ પ્રહાર કર્યા. કેજરીવાલે મુખ્યમંત્રી અને સી.આર.પાટિલ પર નિશાન સાધ્યુ. તેમણે આરોપ લગાવ્યો કે તેમની જામનગરના વેપારી એસોસિએશન સાથેની મુલાકાતને પગલે ગુજરાત સરકાર દ્વારા GST અધિકારીઓને ફોન કરીને ધમકાવવામાં આવ્યા અને કેજરૂવાલને મળવા માટે મનાઈ કરવામાં આવી.