Breaking News : ગુજરાતમાં વરસાદને લઈને Red Alert : 5 વરસાદી સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, પૂરનો ખતરો
હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મુખ્યત્વે, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે, ગુજરાતમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
રાજ્યમાં એકસાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત ઉપર અને ગુજરાતની નજીકમાં હાલ ટ્રફ, શીયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ તમામ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ભારે વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે ક્યાં પડશે અત્યંત ભારે વરસાદ?
હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મુખ્યત્વે, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે.
વડોદરા, તાપી, ડાંગ, રાજકોટ, અમરેલી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા હોવાનું હવામાન વિભાગનું માનવું છે.
અમદાવાદમાં કેવો રહેશે વરસાદ?
અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે શું કરી આગાહી?
હવામાનના જાણકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 6 જુલાઈ સુધી મહીસાગર, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે.
તેમણે આગાહી કરી છે કે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતો ભેજ ભેગો થતાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પાટડી, સમી, હારીજ, માંડલના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
ખેડૂતો માટે ખાસ સલાહ
ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ખેતરમાં રહેલા ખાતરનું ધોવાણ ન થાય તેની ખાસ કાળજી રાખવા સૂચન કરવામાં આવ્યું છે. જેમણે વાવેતર પૂર્ણ કર્યું હોય તેમણે પાણીના વહેણથી ખાતર અને પાકને નુકસાન ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
9 અને 10 જુલાઈએ ફરી બની શકે નવી સિસ્ટમ
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ 9 અને 10 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો તેની અસર ગુજરાતમાં ફરી વરસાદના નવા રાઉન્ડ તરીકે જોવા મળી શકે છે.
નર્મદા અને સાબરમતી નદીના જળસ્તર પર નજર
મધ્યપ્રદેશમાં જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા હોવાથી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. તેની સાથે સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવાની જરૂર રહેશે.