Gujarat : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ, એક નજર કવિવરની જીવન ઝરમર પર
ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ, 1896માં ચોટીલા ગામમાં થયો હતો. ઝવેરચંદની માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ હતું. ઝવેરચંદ મૂળ અમરેલીના બગસરાનાં જૈન વણીક હતાં.
ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ, 1896માં ચોટીલા ગામમાં થયો હતો. ઝવેરચંદની માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ હતું. ઝવેરચંદ મૂળ અમરેલીના બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતા પોલીસકર્મી હોવાથી બદલીઓ થવાને કારણે તેમનું અલગઅલગ ગામોમાં રહેવાનું થયું હતું.
ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી જેવા સ્થળોએ થયું હતું. તેઓ અમરેલીની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં 1910 થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવી મૅટ્રીક થયા હતા. ઇ.સ. 1916માં તેમણે ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકનું ભણતર પૂરું કર્યું.
ઇ.સ. 1971માં મેઘાણી કોલકાતા સ્થિત જીવનલાલ લિ. નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેમને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. 1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન કર્યું હતું અને કલકતા વસવાટ દરમિયાન બંગાળી સાહિત્યથી ઘરોબો રહ્યો હતો.
બગસરામાં તેમણે રાણપુરથી પ્રકાશિત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. 1922થી 1935 સુધી તેઓ ‘સૌરાષ્ટ્ર’માં તંત્રી તરીકે રહ્યા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમનું પ્રથમ પ્રકાશીત પુસ્તક હતું. ત્યારબાદ તેમણે ‘સૌરાષ્ટ્રની રસધાર’નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતરનો પ્રારંભ કર્યો.
કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં ઇ.સ. 1926માં માંડ્યા. ઇ.સ. 1928માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંઘુડો’ એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા. અને જેને કારણે ઇ.સ. 1930માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલવાસ પણ થયો.
આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. જેથી ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ આપ્યું.તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું ચાલુ કર્યુ હતું. ઇ.સ. 1933માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ 1934માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમને ચિત્રદેવી સાથે લગ્ન કર્યા.
તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કીતાબ’ નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. 1936 થી 1945 સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન 1942માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી.
ઇ.સ. 1946માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું. અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નિમવામાં આવ્યા હતા.