19 જૂનના મહત્વના સમાચાર : જૂનાગઢમાં પોલીસ પર હુમલો કરનાર 34 આરોપીઓ 21 જૂન સુધી રિમાન્ડ પર

|

Jun 19, 2023 | 11:52 PM

ગુજરાતના આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

19 જૂનના મહત્વના સમાચાર : જૂનાગઢમાં પોલીસ પર હુમલો કરનાર 34 આરોપીઓ 21 જૂન સુધી રિમાન્ડ પર

Follow us on

આજે 19 જુન સોમવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Jun 2023 11:50 PM (IST)

    Gujarat Live News : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. અષાઢી બીજને 20મી જૂનના રોજ અમિત શાહ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. જે બાદ, તેમના મતવિસ્તારમાં લોકોને વિવિધ વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને વિમોચન કરીને વિકાસકાર્યોની ભેટ આપશે.

  • 19 Jun 2023 10:53 PM (IST)

    Gujarat Live News : જૂનાગઢમાં પોલીસ પર હુમલો કરનાર 34 આરોપીઓ 21 જૂન સુધી રિમાન્ડ પર

    ગત સપ્તાહે, જૂનાગઢમાં ગેરકાયદે દબાણ હટાવવાના મુદ્દે પોલીસ પર હુમલો કરનારા તોફાની ટોળામાંથી પકડાયેલા 34 લોકોને, કોર્ટે 21 જૂન સુધી રિમાન્ડ પર સોંપ્યા છે. હિંસા પર ઉતરી આવેલ તોફાની ટોળાએ પોલીસ ચોકીમાં આગ લગાડી હતી. વાહનોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારામાં ડિવાયએસપી અને પીએસઆઈ ઈજાગ્રસ્ત થયા હતા.


  • 19 Jun 2023 09:28 PM (IST)

    Gujarat Live News : ટાટાને પાછળ છોડતી ઈન્ડિગો, એરબસને 500 એરક્રાફ્ટનો આપ્યો ઓર્ડર, વિમાનનો સૌથી મોટો સોદો

    દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો હવે પહેલા કરતા મોટી બનવા જઈ રહી છે. કંપનીએ એવિએશન સેક્ટરના ઈતિહાસમાં સૌથી મોટો સોદો કર્યો છે અને યુરોપિયન એરલાઈનને 500 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપની 470 એરક્રાફ્ટની તાજેતરની ડીલ કરતાં આ મોટો સોદો છે.

  • 19 Jun 2023 07:44 PM (IST)

    Gujarat Live News : વાવાઝોડા બિપરજોયથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ જાહેર કરાશે રાહત પેકેજ

    કચ્છી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શનઅર્થે પહોચેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, તાજેતરમાં કચ્છના જખૌ બંદરે ત્રાટકેલા વાવાઝોડા બિપરજોયથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ, રાહત પેકેજ જાહેર કરવાની જાહેરાત કરી હતી.

  • 19 Jun 2023 07:33 PM (IST)

    Gujarat Live News : વડાપ્રધાન મોદીએ મોકલ્યો જગન્નાથજીને પ્રસાદ

    પીએમ મોદી દ્વારા, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ માટે ખાસ દિલ્હીથી પ્રસાદ મોકલ્યો છે. ભગવાન જગન્નાથને બહુ પ્રિય એવા જાંબુ, મગ, કેરી, કાકડી અને ખિચડી બનાવવામાં ઉપયોગમાં લેવાતા સૂકામેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે.

  • 19 Jun 2023 06:12 PM (IST)

    Gujarat Live News : ઉઘના રેલવે સ્ટેશનને બનાવાશે વર્લ્ડક્લાસ

    પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ ઉધના રેલવે સ્ટેશનને રૂ. 223.6 કરોડના ખર્ચે આધુનિક સ્ટેશન તરીકે પુનઃ વિકાસ કરાશે. આ કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉધના રેલવે સ્ટેશનના વિકાસની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે.

  • 19 Jun 2023 05:59 PM (IST)

    મુંબઈ પોલીસે આદિપુરુષ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તશીરને સુરક્ષા પૂરી પાડી

    ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મના ડાયલોગને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તશીરની ફરિયાદ પર મુંબઈ પોલીસે તેને સુરક્ષા આપી છે. આ વિવાદ બાદ મનોજ મુન્તાશીરે મુંબઈ પોલીસને કહ્યું હતું કે તે જોખમમાં છે.

  • 19 Jun 2023 05:58 PM (IST)

    SBI Report: ₹2000ની નોટ બંધ થતા અર્થતંત્ર થશે ‘સુપરચાર્જ’, SBI રિપોર્ટમાં ખુલાસો

    2000 રૂપિયાની નોટ બંધ કરવાનો ભારતીય રિઝર્વ બેંકનો નિર્ણય દેશની અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફૂંકી શકે છે. આ અમે નહીં પરંતુ દેશની સૌથી મોટી બેંક SBIનો રિપોર્ટ કહે છે. કેન્દ્રીય બેંકનું આ પગલું અર્થતંત્રને ઘણા માપદંડો પર ‘સુપર ચાર્જ’ કરી શકે છે.

    SBIના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે તાજેતરના Ecowrap રિપોર્ટમાં કહ્યું છે કે 2000 રૂપિયાની નોટો બંધ કરવાથી કે પાછી ખેંચવાથી ઘણા ફાયદા થશે. આનાથી બજારમાં તાત્કાલિક અસરથી વપરાશની માંગ વધી શકે છે.

  • 19 Jun 2023 04:53 PM (IST)

    Honey trap : સુરતમાં IT સોફ્ટવેર એન્જિનિયરને સ્પામાં સારી સુવિધા આપવાના નામે ફસાવી લાખો પડાવાયા

    Surat : ઠેર ઠેર બે રોકટોક ચાલતાં સ્પામાં હવે ગોરખધંધાની સાથે હનિટ્રેપ થતાં હોવાના બનાવો સામે આવતા રહે છે. આવો જ બનાવ સુરતમાં બન્યો છે. IT સોફ્ટવેર એન્જિનિયરને સ્પામાં સારી સુવિધા આપવાની લાલચે બોલાવીને બાદમાં મહિલા સાથે બેસાડ્યો હતો.

    બાદમાં ટોળકીના સાગરિતો દ્વારા પ્રી પ્લાન પ્રમાણે પોલીસની ઓળખ આપવાની સાથે સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી 10.13 લાખ રૂપિયા પડાવવામાં આવ્યાં હતાં. સમગ્ર મુદ્દે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં એક આરોપી ની ધરપકડ પણ કરી છે.

    પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા 33 વર્ષીય યુવકના છેલ્લા આઠેક મહિનાથી આઈટીના પ્રોજેક્ટમાં મોબાઈલ એપ તથા ગૂગલ ક્લાઉડ એમેઝોન ક્લાઉડના સોફ્ટરવેરનુ કામ કરે છે. જેને ગત તારીખ 9 ના રોજ હનિટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો.

  • 19 Jun 2023 04:52 PM (IST)

    Bhavani Devi એ રચ્યો ઈતિહાસ, Asian Championshipsમાં મેડલ જીતનાર પહેલી ભારતીય તલવારબાજ બની

    China : ભારતની એક દીકરી એ આજે ફરી ભારતીયોનું નામ રોશન કર્યું છે. તલવારબાજ ભવાની દેવી (Bhavani Devi) એ એશિયન ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ પાક્કો કર્યો છે. તે પ્રતિષ્ઠિત એશિયાઈ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પહેલી તલવારબાજ બની છે. જણાલી દઈ એ કે ચીનના વુક્સીમાં એશિયાઈ તલવારબાજી ચેમ્પિયનશિપની મહિલા સ્પર્ધાની સેમિફાઈનલમાં પહોંચીને ભવાની દેવી એ મેડલ પાક્કો કર્યો છે. તેણે આ સ્પર્ધામાં ભારત માટે પહેલો મેડલ પાક્કો કરીને ઈતિહાસ રચ્યો છે.

  • 19 Jun 2023 03:40 PM (IST)

    રશ્મિકા મંદાના ના મેનેજરે અભિનેત્રી સાથે 80 લાખની છેતરપિંડી

    પુષ્પાની શ્રીવલ્લી રશ્મિકા મંદાના સાથે છેતરપિંડી થઈ છે. રિપોર્ટસ અનુસાર આ છેતરપિંડી તેની સાથે અન્ય કોઈએ નહિ પરંતુ તેના મેનેજરે જ કરી છે તે પણ 80 લાખ રુપિયાની, મેનેજરને આ માટે સજા પણ મળી છે. અહેવાલ અનુસાર આ મેનેજર તેની સાથે ખુબ લાંબા સમયથી મેનેજર તરીકે હતો.

    મેનેજર તરીકે રહ્યા બાદ તેણે રશ્મિકા સાથે છેતરપિંડી કરી હતી. અભિનેત્રી દ્વારા આ બાબતને છુપાવવામાં આવી હતી અને મેનેજર સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હતી.પિંકવિલાના રિપોર્ટ મુજબ જ્યારે અભિનેત્રીને આ છેતરપિંડી વિશે જાણ થઈ તો તેમણે મેનેજર સામે કોઈ લીગલ એક્શન લીધી નથી પરંતુ મેનજરને નોકરીમાંથી કાઢી નાંખ્યો છે.

  • 19 Jun 2023 03:39 PM (IST)

    પંજાબમાં આતંકી હુમલાનું એલર્ટ, મોટા પોલીસ અધિકારીઓ નિશાના પર

    કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને આતંકવાદી હુમલાનું એલર્ટ મોકલી દીધું છે. ખાલિસ્તાન તરફી આતંકવાદી પરમજીત સિંહ પમ્મા પંજાબના પ્રખ્યાત ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની ગેંગ સાથે મળીને મોટા આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે. ઈનપુટ મુજબ પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ નિશાના પર હોઈ શકે છે. આ સિવાય કોઈપણ સરકારી ઈમારત પર આતંકી હુમલો કરવાનો પ્રયાસ થઈ શકે છે.

  • 19 Jun 2023 03:37 PM (IST)

    Surat: સુરતના પુણામાંથી બોગસ આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ, SOG એ 5 શખ્શની ધરપકડ કરી

    સુરત ના પુણામાં નકલી આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે. સુરત શહેર SOG ટીમે આધાર કાર્ડ બનાવતી એજન્સીના 2 અધિકૃત એજન્ટ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. આ ઉપરાંત અન્ય 3 બ્લેક લીસ્ટ કરવામાં આવેલા શખ્શ ઝડપાયા હતા. SOG એ 5 શખ્શોની ધરપકડ કરી છે. માત્ર 1500 થી 3 હજાર રુપિયામાં આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા. આ ટોળકીએ બાંગ્લાદેશી લોકોને પણ અહીં આધાર કાર્ડ બનાવી આપ્યા હોવાની આશંકા છે. સુરત SOG એ હવે તપાસની કાર્યવાહી શરુ કરી છે.

    SOG ને ટોળકીની ઓફીસમાંથી બોગસ આધારકાર્ડનો જથ્થો મળી આવ્યો છે. ટોળકીએ અધિકૃત પ્રકારની ઓફીસ તૈયાર કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. કોમ્પ્યુટર દ્વારા બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને તેના આધારે આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા. એજન્સી જેને આપવામાં આવી છે, તે શખ્શોની તપાસ શરુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને બીજા કયા દસ્તાવેજો ડુપ્લીકેટ બનાવ્યા છે તેની તપાસ શરુ કરી છે.

  • 19 Jun 2023 02:34 PM (IST)

    Breaking News : અમદાવાદમાં રથયાત્રા દરમિયાન થશે અમીછાંટણા, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી

    Ahmedabad : આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની (Lord Jagannath) 146મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે આ રથયાત્રામાં અમીછાંટણા થવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થવાની આગાહી છે.

    અમદાવાદમાં આવતીકાલે છુટોછવાયો વરસાદ થવાની આગાહી છે. અમદાવાદમાં ભેજના કારણે વરસાદી માહોલ રહેશે. તો સાથે જ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદ વરસવાની આગાહી છે. તાપી, ડાંગ, ભરૂચ, સુરત, વડોદરામાં પણ વરસાદ વરસશે.

    અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે. હાલમાં ચોમાસાના વરસાદને લઈને કોઈ સિસ્ટમ સક્રિય નહીં. જોકે ભેજ અને પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા હોવાથી તાપમાનમાં સામાન્ય વધારો થશે, તેમજ વરસાદી માહોલ રહેશે. સાથે જ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. આજે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

  • 19 Jun 2023 02:32 PM (IST)

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે થશે, 1.25 લાખ લોકો એકસાથે યોગ કરી નોંધાવશે રેકોર્ડ

    Surat : આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે કરાશે. સુરત વહીવટી તંત્ર અને પોલીસે રાજ્યકક્ષાની ઉજવણીને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 21 જૂને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ડુમ્મસ રોડ ખાતે ઉજવણી કરવામાં આવશે. આ વખતે 1.25 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે.

  • 19 Jun 2023 12:47 PM (IST)

    Tamil Nadu: તમિલનાડુમાં ભારે વરસાદ, ચેન્નાઈ સહિત અનેક જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

    Tamil Nadu Rain: સોમવારે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain) અને વાવાઝોડાને જોતા, ચેન્નાઈ સહિત 5 જિલ્લાઓની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જે જિલ્લાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે તેમાં ચેન્નાઈ સિવાય કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને રાનીપેટ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આમાંના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે એટલે કે રવિવારની રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે.

  • 19 Jun 2023 12:47 PM (IST)

    CBI માટે No Entry, દેશના 10માં રાજ્યએ સીબીઆઈ માટે પ્રવેશબંધી ફરમાવી!

    તમિલનાડુની ડીએમકે સરકારે તેમના રાજ્યમાં તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સીબીઆઈએ રાજ્યમાં કોઈપણ કેસની તપાસ માટે તમિલનાડુ સરકારની પરવાનગી લેવી પડશે. તમિલનાડુ સરકારનું આ પગલું મોદી સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અંગે વિપક્ષની ફરિયાદો વચ્ચે આવ્યું છે.

  • 19 Jun 2023 12:09 PM (IST)

    Gujarat Live News: સી.આર.પાટીલની હાજરીમાં ગોવા રબારીએ કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો ભગવો ધારણ કર્યો

    ગોવા રબારીએ કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ગોવા રબારી અને તેમના પુત્ર સંજય રબારી ભાજપમાં જોડાયા અને ખેસ ધારણ કર્યો છે તો ગોવા રબારી સાથે થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટરો, તેમજ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.

  • 19 Jun 2023 11:59 AM (IST)

    Gujarat Live News: સુરતમાં ગાર્ડનમાં યુવતી સાથે બેઠેલા એક યુવકનું બજરંગદળના કાર્યકરોએ કર્યું મુંડન

    Surat: સુરતમાં બજરંગદળના કાર્યકરોએ ગાર્ડનમાં હોબાળો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના (Surat) ડિંડોલી વિસ્તારમાં આવેલ છઠ તળાવ ગાર્ડનમાં યુવતી સાથે 3 યુવકો બેઠા હતા. આ દરમિયાન બજરંગદળના કાર્યકરો ત્યાં આવી પહોંચતા યુવકો ભાગવા લાગ્યા હતા. જેમાંથી એક યુવકને બજરંગદળના કાર્યકરોએ ઝડપી પાડ્યો હતો. જે બાદ તેનું મુંડન કરી આ યુવકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પરંતુ યુવતીએ ફરિયાદ ન નોંધાવતા પોલીસે યુવકને છોડી મુક્યો હતો.

  • 19 Jun 2023 11:25 AM (IST)

    Hardeep Singh Shot Dead- કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા, NIAએ 10 લાખનું ઈનામ રાખ્યું હતું

    ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંઘ ગુરુદ્વારા નજીક બાઇક પર આવેલા બે અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જર પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. નિજ્જર કેનેડામાં શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા હતા અને ખાલિસ્તાની ટાઈગર ફોર્સના વડો પણ હતો. કેનેડામાં બેસીને તે ભારત વિરુદ્ધ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરી રહ્યો હતો.

  • 19 Jun 2023 11:23 AM (IST)

    યુપી-બિહાર અને ઓડિશામાં હીટવેવનો કહેર, અત્યાર સુધીમાં 128ના મોત

    ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં હીટ વેવનો કહેર જોવા મળી રહ્યો છે. યુપીમાં 57, બિહારમાં 51 અને ઓડિશામાં 20 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 128 લોકોના મોત થયા છે.

  • 19 Jun 2023 11:17 AM (IST)

    Gujarat Live News: Banaskantha: ધાનેરાના જડીયા ગામે તારાજી બાદ મૃત્યુ પામેલા 27 પશુના પોસ્ટમોર્ટમ કરાયા

    Banaskantha: બનાસકાંઠાના ધાનેરાના જડીયા ગામે ભારે વરસાદના કારણે તારાજી સર્જી છે. જડીયા ગામે પૂરના પાણી ફરી વળતા ઘરવખરી બરબાદ થઈ ગઈ છે. ફેન્સિંગ તાર પર પશુઓના મૃતદેહ હજુ પણ લટકતી હાલતમાં જોઈ શકાય છે. મૃત પશુઓ નહીં હટાવાતા રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી છે. અત્યાર સુધી 27 પશુઓના પોસ્ટમોર્ટમ કરાયા છે.

    બીજી તરફ ભારે વરસાદના કારણે બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદના પગલે રોડનું નાળુ તૂટ્યાની ઘટના બની છે. અમીરગઢના રોડનું નાળુ તૂટતા લોકોને હાલાકી થઈ છે. ભારે વરસાદના કારણે રોડનું નાળુ તૂટતા 3 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો ધાનેરા તાલુકામાં ભારે વરસાદથી રેલવેના પાટા ઉખડ્યા છે. પાણીના વહેણને પગલે રેલવેના પાટાનું વ્યાપક ધોવાણ થયુ છે. ધાનેરાના મોટી ડુગડોલ નજીકની રેલવેના પાટાનું ધોવાણ થયું છે. ટ્રેકને નુકસાન થતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે.

  • 19 Jun 2023 10:20 AM (IST)

    Gujarat Live News : ગાંધીનગર: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે 11 વાગે મળશે કેબિનેટની બેઠક, વાવાઝોડાની નુકશાનીના સરવે અંગે કરવામાં આવશે ચર્ચા

    ગાંધીનગર: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે 11 વાગે કેબિનેટની બેઠક મળશે. જેમાં વાવાઝોડાની નુકશાનીના સરવે અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારે વરસાદની આગાહીને લઈને આગોતરા આયોજનની પણ સમીક્ષા કરાશે. તમને જણાવી દઈએ કે ગત સપ્તાહે વાવાઝોડાના કારણે કેબિનેટ યોજાઈ ન હતી.

  • 19 Jun 2023 09:14 AM (IST)

    RathYatra 2023: અમદાવાદમાં રથયાત્રા પહેલા થશે વિઘ્નહર્તા ગણેશજીરુપી ગજરાજની પૂજા, 14 હાથી ભગવાનની પાલખીની આગેવાની કરશે

    હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા થશે. રથયાત્રા દરમિયાન 14 હાથી ભગવાનની પાલખીની આગેવાની કરશે ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ.

  • 19 Jun 2023 08:47 AM (IST)

    Gujarat Live News : ગુજરાતમાં એક દિવસમાં અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 5 ઈંચ વરસાદ

    Banaskantha : બિપરજોય વાવાઝોડાનો (Cyclone Biparjoy) ખતરો ગુજરાત પરથી પસાર થઈ ચુકયો છે, જો કે તેની અસર હજુ પણ અનેક વિસ્તારોમાં વર્તાઈ રહી છે. રાજ્યમાં એક દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં એક ઇંચથી લઇને પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે.

  • 19 Jun 2023 08:16 AM (IST)

    Ahmedabad : આવતીકાલે ભગવાન જગન્નાથની નીકળશે ભવ્ય રથયાત્રા, સુરક્ષાને લઇને યોજાઇ ઉચ્ચ સ્તરીય બેઠક

    આવતીકાલે યોજાનારી અમદાવાદની 146મી રથયાત્રાને (Rathyatra 2023) લઇને પ્રશાસન સજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. પોલીસે યાત્રાના 22 કિલોમીટર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથજીની (Lord jagannath) યાત્રામાં ભક્તોનું ધ્યાન રાખવા 25 વોચ ટાવર પર પોલીસ તહેનાત રહેશે. અમદાવાદમાં રથયાત્રાના રુટ સહિતના વિસ્તારોમાં ડ્રોન, થ્રિડી મેપિંગ, CCTV કેમેરા અને એન્ટી ડ્રોન ગન સાથે પોલીસ ખડેપગે રહેશે અને 15 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 19 Jun 2023 07:35 AM (IST)

    Firing in America: ફરી એકવાર અમેરિકામાં ફાયરિંગની ઘટના, 1નું મોત, 9 લોકો ઘાયલ

    Firing in America: ફરી એકવાર અમેરિકામાં (America) ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીંના ડાઉનટાઉન સેન્ટ લુઈસમાં ગોળીબારીની ઘટનામાં એક કિશોરનું મોત થયું હતું અને 9 લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના દરમિયાન એક બિલ્ડિંગની અંદર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. મેયર તિશૌરા જોન્સના જણાવ્યા અનુસાર ગોળીબારમાં 17 વર્ષના છોકરાનું મોત થયું હતું.

  • 19 Jun 2023 06:30 AM (IST)

    Gujarat Live News : કોંગ્રેસને મોટો ઝટકો, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી આજે ભાજપમાં જોડાશે

    Banaskantha: 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી આજે કેસરિયા કરશે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ગોવા રબારી આજે ભાજપમાં જોડાશે. ડીસા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ગોવા રબારી ભાજપમાં વિધિવત રીતે સામેલ થશે. ગોવા રબારીની સાથે થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. ડીસા શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ એકસાથે 5 નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

Published On - 6:28 am, Mon, 19 June 23