Mock Marriage : અમેરિકામાં વધી રહ્યો છે મોક મેરેજનો ક્રેઝ, જાણો શું છે આ નવો ટ્રેન્ડ?
આજ સુધી તમે મોક ટેસ્ટ અને મોક ઇન્ટરવ્યુ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય મૉક મેરેજ વિશે સાંભળ્યું છે? અમેરિકામાં આ પ્રકારના મોક મેરેજનો ક્રેઝ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. આ મોક મેરેજમાં ન તો લગ્નની વાસ્તવિક હોય છે અને ન તો વર-કન્યા વાસ્તવિક હોય છે. આ મેરેજ ફંક્શનમાં બધાએ ખાવા-પીવાનું, નાચવા-ગાવાનું અને બસ મોજ કરવાની હોય છે.
લગ્ન એ બે વ્યક્તિ કે પરિવારનું નહીં પરંતુ બે આત્માઓનું મિલન છે. દરેક દેશમાં લગ્નના પોતાના રિવાજો હોય છે. ભારતમાં લગ્ન કોઈ તહેવારથી ઓછા નથી. અનેક વિધિ હોય છે, લાંબા ફંક્શન હોય છે અને મોજ-મસ્તી, રીત-રિવાજ, મિત્રો-પરિવાર અને મ્યુઝિક-પાર્ટી આ બધુ જ હોય છે, જે વિશ્વભરના લોકોને ખૂબ આકર્ષી રહ્યું છે અને એટલા માટે લોકો હવે ફક્ત મોજ કરવા મોક મેરેજનું આયોજન કરી રહ્યા છે.
છોકરા-છોકરી બધી વિધિમાં ભાગ લે છે, એકબીજાને ગમતા વસ્ત્રો પહેરે છે, હળદરની વિધિ, મહેંદી વિધિ, નૃત્ય-ગાન, ખાવું-પીવું, બારાત, વર-કન્યાનો શણગાર અને વિદાય, આ બધી વિધિ કરવામાં આવે છે અને બધા ખુશીથી આમાં ભાગ લે છે અને ભારતીય વેડિંગની મજા લે છે.
અમેરિકામાં મોક મેરેજ કરતા વિદ્યાર્થીઓ
કોલંબિયા, ઓરેગોન, સ્ટેનફોર્ડ, ન્યુ યોર્ક, ટોરોન્ટો અને ટેક્સાસ જેવી અમેરિકાની જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ભારતીય લગ્નો એટલા આકર્ષક છે કે તેઓ મોક વેડિંગનું આયોજન કરી રહ્યા છે. જેમાં શેરવાની પહેરેલ વિદ્યાર્થી વરરાજા બનીને શણગારેલી ઘોડી પર જાન કાઢે છે. કેટલાક વિદ્યાર્થીઓ બારાતી બનીને ડ્રમ વગાડી તેના પર ડાન્સ કરે છે. જાનૈયાઓ ખૂબ જ ધામધૂમથી કન્યાને લેવા જાય છે. વર અને કન્યા બંને સ્ટેજ પર બેસે છે. પછી બાકીની ધાર્મિક વિધિઓ થાય છે. વિદ્યાર્થીઓ આખા લગ્નની મજા માણે છે, અને દરેક વિધિમાં ભાગ લે છે.
એકબીજાથી હોય છે અજાણ વર-વધૂ
છેલ્લા કેટલાક સમયમાં મોક મેરેજનો ક્રેઝ ઉત્તર અને દક્ષિણ અમેરિકાના વિદ્યાર્થીઓમાં ખૂબ જ વધુ રહ્યું છે. આ મેરેજમાં ખાસ વાત એ હોય છે કે જે વિદ્યાર્થીઓ આ લગ્નમાં ભાગ લે છે તેઓ એકબીજાને જાણતા પણ નથી હોતા, સાથે જ જે બે વ્યક્તિઓ લગ્નના બંધનમાં બંધવાના હોય છે તે બંને પણ એકબીજાથી સાવ અજાણ હોય છે. કેટલીય વાર આ વિદ્યાર્થીઓ અલગ-અલગ યુનિવર્સિટીઓમાંથી પણ હોય છે.
વર-વધૂની પસંદગી પ્રક્રિયા છે અલગ
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા આયોજિત મોક વેડિંગમાં ચાર-ચાર વર-કન્યાએ ભાગ લીધો હતો. ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સુમૈયા મુહિત બંગાળી સ્ટુડન્ટ એસોસિએશનની મદદથી મૉક વેડિંગનું આયોજન કરે છે. તેમણે મોક મેરેજ વિશે જણાવ્યું હતું કે આ લગ્ન માટે એક મહિના અગાઉથી સ્પર્ધા શરૂ થઈ જાય છે અને અંતમાં વર-કન્યાની પસંદગી કરવામાં આવે છે. આ મેરેજમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ સહિત દક્ષિણ એશિયાના 500 વિદ્યાર્થીઓએ સામેલ થયા હતા. લગ્નની વિધિઓ માટે વહીવટી તંત્રની મદદ લેવામાં આવે છે, જે તેમને તમામ વિધિઓ વિશે સમજાવે છે.