10 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદમાં મનપાની ઘોર બેદરકારીને પાપે ખુલ્લી ગટરમાં ખાબકી પ્રજ્ઞાચક્ષુ બાળકી, પીરાણા-પીપળજ રોડની ઘટના, કલાકોની જહેમત બાદ પણ બાળકીનો નથી મળ્યો પત્તો
આજે 10 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 10 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના આશ્રમ રોડ પર Gen-Z આંદોલનની શરૂઆત
અમદાવાદના આશ્રમ રોડ પર Gen-Z આંદોલનની શરૂઆત થતાં પોલીસ એક્શનમાં આવી છે. આશ્રમ રોડ પર પહોંચી રહેલા લોકોને પોલીસે અટકાવ્યા હતા. શંકાસ્પદ જણાતા લોકોની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન જાણીતા સાહિત્યકાર પ્રકાશ શાહની પણ પોલીસે અટકાયત કરી હોવાની માહિતી સામે આવી છે. આશ્રમ રોડ પર આંદોલનને પગલે પોલીસ સતર્ક બની છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
-
નવરાત્રિ મહોત્સવને લઈ વડોદરા પોલીસ એક્શન મોડમાં
વડોદરામાં નવરાત્રિ મહોત્સવને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. નવલખી ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની ઉપસ્થિતિમાં વિશેષ સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારોમાં એરિયા ડોમિનેશન સાથે રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ગરબા સ્થળના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને પાર્કિંગ વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું. મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ અને સાદા વેશમાં પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તાર પર CCTV કેમેરા અને ડ્રોનથી નજર રાખવામાં આવશે. નવરાત્રિ દરમિયાન અસામાજિક તત્ત્વો પર ચાંપતી નજર રાખવાની સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પણ પોલીસ સજ્જ બની છે.
-
-
સુરેન્દ્રનગર: પાણશીણાના અમાસના મેળામાં મારામારી
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના પાણશીણા ગામે અમાસના મેળામાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. આક્ષેપ મુજબ, 6થી વધુ શખ્સો ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને મારામારી કરી હતી. ઘટનામાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મેળામાં અચાનક મારામારી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મારામારી પાછળનું ચોક્કસ કારણ જાણવા તેમજ ઘટનામાં સંડોવાયેલા શખ્સો અંગે માહિતી મેળવવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
-
રાજકોટ : રૂપિયા ભરેલો થેલો લઇને જઇ રહેલા મામા-ભાણેજ સાથે લાખોની લૂંટ
રાજકોટના નાના મવા રોડ પર લૂંટની ઘટના સામે આવી છે. રૂપિયા ભરેલો થેલો લઈને જઈ રહેલા મામા-ભાણેજને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રાથમિક અંદાજ મુજબ, લૂંટારુઓ આશરે 10થી 11 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થયા છે. ઘટનાની જાણ થતાં જ DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. લૂંટની ઘટના કેવી રીતે બની અને તેમાં કોણ સંડોવાયેલું છે તે અંગે માહિતી મેળવવા ભોગ બનનાર મામા-ભાણેજની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
-
અમદાવાદઃ બાળકી ગટરમાં ખાબકી
અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર બાળકી ગટરમાં ખાબકવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અસલાલી અને જમાલપુર ફાયરની ટીમ દ્વારા બાળકીની શોધખોળ અને રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બાળકી ગટરમાં કેવી રીતે ખાબકી તે અંગેની વિગતો હજી સામે આવી નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકીને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
-
-
અમદાવાદના નારોલમાં નજીવી બાબતે હત્યા
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં નજીવી બાબતે 28 વર્ષિય યુવકની હત્યા કરવામાં આવી. નારોલના રામનગરમાં મકાનના દરવાજાને લોક મારવા જેવી બાબતે થયેલા ઝઘડામાં વિજયકાંત યાદવ નામના યુવકને છરીના ઘા મારતા સારવાર દરમ્યાન મોત. બનાવનો ફરિયાદી સુધીર યાદવનો રામનગરમાં રહેતા રાધેશ્યામ પાસવાન સાથે ઝઘડો થયો હતો. બાદમાં સુધિર અને તેનો સાળો બાઈક લેવા રામનગર ગયા હતા. દરમ્યાન આરોપી રાધેશ્યામ પાસવાન અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે સુધીર સાથે ઝઘડો કર્યો હતો. જેથી મૃતક વિજયકાંત બંનેને છોડાવવા વચ્ચે પડ્યો હતો. ત્યારે રાધેશ્યામ પાસવાને તેને પકડી રાખ્યો હતો. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે વિજયકાંતને છરીના ઘા મારતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું.
મૃતક અને આરોપી બંને કલર કામ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે હત્યા કરનાર આરોપીઓને ઝડપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદઃ નારોલમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ડ્રેનેજમાં ખાબકી
અમદાવાદના નારોલમાં પીરાણા-પીપળજ રોડ પર પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ડ્રેનેજમાં ખાબકવાની ઘટના સામે આવી છે. બાળકી પરિવાર સાથે રિક્ષામાંથી ઉતરી હતી. પરિવારજનો રિક્ષાચાલકને ભાડું ચૂકવી રહ્યા હતા તે દરમિયાન બાળકી બે ડગલાં પાછળ ગઈ અને ખુલ્લી ગટરમાં ખાબકી હતી. શરૂઆતમાં પરિવારને ઘટનાની જાણ પણ થઈ નહોતી. જોકે, બાળકી ગટરમાં પડી હોવાનું ધ્યાનમાં આવતાં પરિવારજનો હાંફળા-ફાંફળા થઈ ગયા હતા. સ્થાનિકોની મદદથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અસલાલી અને જમાલપુર ફાયરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું હતું. આ ઘટનાને પગલે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં ખુલ્લી ગટરો રાહદારીઓ માટે જોખમરૂપ બની રહી હોવા છતાં તંત્રની બેદરકારી સામે આવી છે.
-
‘ભારત સ્વસ્તિક યાત્રા’નો મોરારીબાપુ દ્વારા પ્રારંભ
ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતાના સંદેશ સાથે મોરારી બાપુની પવિત્ર ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો કન્યાકુમારીથી ભવ્ય પ્રારંભ થયો…. દક્ષિણ ભારતના છેવાડેથી શરૂ થયેલી આ યાત્રા 23 ઓક્ટોબરે ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામ સુધી પહોંચશે. ત્યાગ, તપ, તિતિક્ષા અને તર્પણના ચાર આધ્યાત્મિક મૂલ્યોને કેન્દ્રમાં રાખીને શરૂ થયેલી યાત્રાનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતને સનાતન ધર્મની પરંપરા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક એકતાના તાંતણે જોડવાનો છે. અંદાજે 900 શ્રદ્ધાળુઓ બે વિશેષ ટ્રેનોમાં આ યાત્રામાં સહભાગી બન્યા છે. યાત્રા દરમિયાન વિવિધ તીર્થસ્થળોએ રામકથા અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે
-
સુરત: ગરબા પંડાલો માટે VHP અને બજરંગદળની કડક ગાઈડલાઈન
સુરતમાં નવરાત્રિ દરમિયાન ગરબા પંડાલો માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કડક ગાઈડલાઈન જાહેર કરી છે. બંને સંગઠનોએ ગરબા સ્થળોએ બિનહિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. ખેલૈયાઓને ફોટાવાળા માન્ય ઓળખપત્ર અથવા અધિકૃત પાસની ચકાસણી બાદ જ પ્રવેશ આપવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, ગરબા રમવા આવતા લોકોને કપાળમાં તિલક લગાવીને ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે. ગરબામાં સામેલ કલાકારો, સાઉન્ડ ઓપરેટર, વિડીયોગ્રાફર, કેટરિંગ અને બાઉન્સર્સ સહિતનો સ્ટાફ હિન્દુ હોવો જોઈએ તેવી માગ પણ કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા, છેડતી અને અયોગ્ય ફોટોગ્રાફી પર નજર રાખવાની વાત સાથે સંગઠનોએ નિયમોનું પાલન નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપી છે.
-
અમરેલી: બાળકી અપહરણ કેસમાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ
અમરેલી જિલ્લા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વર્ષોથી વણ ઉકેલાયેલા અને અત્યંત સંવેદનશીલ અપહરણ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલા સગીર બાળકીના અપહરણના કેસમાં છેલ્લા 14 વર્ષ કરતાં વધુ સમયથી અજાણ્યા આરોપીની ઓળખ કરી તેને શોધી કાઢવામા આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ નજીક આવેલા રાજસ્થાનના બાંસવાડાના ડુંગરાળ અને જંગલ વિસ્તાર સુધી તપાસનો દોર લંબાવી પોલીસે ભોગ બનનાર મહિલા અને તેમના ત્રણ સંતાનોને આરોપીના કબજામાંથી છોડાવ્યા હતા.
-
સુરત: ઓલપાડનાં સરપંચ અને ડે.સરપંચ વચ્ચે વિવાદ વકર્યો
સુરતના ઓલપાડ ગ્રામ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ વચ્ચેનો વિવાદ વકર્યો છે. ડેપ્યુટી સરપંચની ફરિયાદના આધારે તપાસ કર્યા બાદ DDOએ સરપંચ રૂચિકા પટેલને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરી છે. રૂચિકા પટેલે માત્ર 16 દિવસમાં 41 લાખ રૂપિયાના કામો કરાવી ચૂકવણી કરી દીધી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે સરપંચ અને ડેપ્યુટી સરપંચે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. કાર્યવાહી બાદ આનંદ કહારને સરપંચ તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓલપાડ ગ્રામ પંચાયતમાં અગાઉ 2023માં મહિલા સરપંચ રવીના પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. હવે 2026માં રૂચિકા પટેલ સામે કાર્યવાહી થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
-
બનાસકાંઠાઃ નાથપુરા ગામે જૂથ અથડામણ
બનાસકાંઠાના નાથપુરા ગામે રસ્તાના મુદ્દે બે જૂથો વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ સમાજના બે જૂથો રસ્તાના વિવાદને લઈને સામસામે આવી ગયા હતા. બંને જૂથો વચ્ચે થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લાકડી અને ધારિયા વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં થરા પોલીસે મામલે ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી છે. રસ્તાના વિવાદને લઈને ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
-
નવરાત્રિ દરમિયાન ખાનગી ડિટેક્ટિવ એજન્સીની માગમાં વધારો
નવરાત્રિ નજીક આવતાં જ ડિટેક્ટિવ એજન્સીઓની માંગમાં 50થી 70 ટકાનો વધારો થયો છે. માતાજીની આરાધના અને ગરબાના માહોલ વચ્ચે કેટલાક લોકો સંબંધોની શંકા દૂર કરવા તો કેટલાક પોતાના સ્વજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાનગી તપાસ એજન્સીઓનો સંપર્ક કરી રહ્યા છે. મોડી રાત સુધી બહાર રહેતા લોકો પર નજર રાખવા માટે પણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે. તપાસ દરમિયાન GPS ટ્રેકર, કેમેરા અને વોઇસ રેકોર્ડર જેવા ટેકનોલોજી આધારિત સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. આમ, નવરાત્રિ દરમિયાન ખાનગી તપાસની માંગ વધતાં ડિટેક્ટિવ એજન્સીઓ માટે આ સમયગાળો ધમધમતો બન્યો છે. જોકે, આવી તપાસમાં વ્યક્તિની ગોપનીયતા અને કાયદાકીય મર્યાદાઓનું પાલન કરવું પણ એટલું જ મહત્ત્વનું છે
-
રાજ્યભરમાં નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે SHE ટીમ સજ્જ
રાજ્યભરમાં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. રાજ્યના 22 હજારથી વધુ ગરબા સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં SHE ટીમ તહેનાત રહેશે, જે છેડતી કરનારા તત્વો સામે કાર્યવાહી કરશે. શેરી ગરબાથી લઈને પાર્ટી પ્લોટ સુધી પોલીસ, હોમગાર્ડ અને TRB જવાનો સુરક્ષાની જવાબદારી સંભાળશે. રાજ્યમાં 364 પાર્ટી પ્લોટ, 2,727 જાહેર ગરબા અને 16,527 શેરી ગરબાનું આયોજન છે. ગરબા સ્થળોએ CCTV, મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝર સહિતની વ્યવસ્થા ફરજિયાત કરાઈ છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ સામે IT એક્ટ હેઠળ કાર્યવાહી થશે. કોઈપણ મદદ માટે નાગરિકો 112 નંબર પર સંપર્ક કરી શકશે.
-
બનાસકાંઠા: અરવલ્લી પર્વતમાળા મામલે હાઈ પાવર કમિટીની ગુજરાત મુલાકાત પૂર્ણ
બનાસકાંઠાના અંબાજીમાં અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી છ સભ્યોની હાઈ પાવર કમિટીની ગુજરાત મુલાકાત પૂર્ણ થઈ છે. કમિટીએ અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં તપાસ કરી સ્થાનિક લોકોના મંતવ્યો અને રજૂઆતોના આધારે માહિતી એકત્રિત કરી હતી. અંબાજીના માર્બલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ ઉદ્યોગને બચાવવા કમિટી સમક્ષ રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આ ઉદ્યોગ પર હજારો આદિવાસી પરિવારોની રોજગારી નિર્ભર છે. માર્બલની લીઝવાળી જમીન પથરાળ હોવાથી પર્યાવરણને નુકસાન થતું ન હોવાનો દાવો પણ કરાયો હતો. હવે કમિટી 30 નવેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં આખરી અહેવાલ રજૂ કરશે. આ મામલે 2 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે.
-
અમદાવાદ: નકલી સિગારેટના કારોબાર પર SOGના દરોડા
અમદાવાદમાં નકલી સિગારેટના કારોબારનો પર્દાફાશ કરવા ક્રાઈમ બ્રાન્ચની SOG ટીમે મણિનગર અને કાલુપુરમાં દરોડા પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન આરોપી સોભરાજ કેવલાનીની દુકાનમાંથી નકલી બ્રાન્ડેડ સિગારેટનો જથ્થો ઝડપાયો હતો. બંને વિસ્તારોમાંથી કુલ 6,900 નંગ નકલી સિગારેટ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 8.62 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન નિકુંજ નામનો શખ્સ નકલી સિગારેટનો જથ્થો સપ્લાય કરતો હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે નકલી સિગારેટના કારોબારમાં સંડોવાયેલા શખ્સો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાને પગલે નકલી સિગારેટના વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
-
મહેસાણા: સામેત્રા ગામે પ્રદૂષણ ફેલાવતી પેપર મિલ આખરે બંધ કરાઈ
મહેસાણાના સામેત્રા ગામે પ્રદૂષણ ફેલાવતી પેપર મિલ સામે આખરે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. ગ્રામજનોની લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદો બાદ પેપર મિલને સંપૂર્ણપણે બંધ કરાવી તાળાબંધી કરવામાં આવી છે. મિલમાંથી ઝેરી ધુમાડો અને દુર્ગંધ ફેલાતાં લોકો પરેશાન હતા. છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો આ સમસ્યાનો વિરોધ કરી રહ્યા હતા. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોએ રસ્તા પર ઉતરી હાઇવે પર બેસીને આંદોલન કર્યું હતું. રસ્તા રોકો આંદોલન બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. હાઈકોર્ટમાં અરજી રદ થયા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કાર્યવાહી કરીને મિલની 10 લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ જપ્ત કરી છે. મિલ બંધ થતાં ગ્રામજનોએ હાલ આંદોલન સમેટી લીધું છે.
-
વડોદરા: SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી મોહસીન મીંડી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આરોપીને હથકડી સાથે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બાથરૂમ જવાના બહાને તેણે પોલીસને થાપ આપી હતી. આશ્ચર્યની વાત એ છે કે આરોપીને બેડ સાથે હથકડીથી બાંધવામાં આવ્યો હોવા છતાં તે ફરાર થઈ ગયો હતો. આરોપી પોલીસની નજર ચૂકવીને નાસી છૂટતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. ઘટનાને પગલે પોલીસે આરોપીને શોધવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે. હોસ્પિટલમાંથી આરોપી ફરાર થવાની ઘટનાને પગલે પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.
-
સુરત: ઓલપાડનાં સરપંચ અને ડે.સરપંચ વચ્ચે વિવાદ વકર્યો
સુરતના ઓલપાડમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ વચ્ચેનો વિવાદ વકર્યો છે. ડેપ્યુટી સરપંચની ફરિયાદના આધારે તપાસ બાદ DDOએ સરપંચ રૂચિકા પટેલને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરી છે. સરપંચે માત્ર 16 દિવસમાં 41 લાખ રૂપિયાના કામો કરાવી ચૂકવણી કરી દીધી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે સરપંચ અને ડેપ્યુટી સરપંચે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. કાર્યવાહી બાદ આનંદ કહારને સરપંચ તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓલપાડ ગ્રામ પંચાયતમાં અગાઉ 2023માં મહિલા સરપંચ રવીના પટેલ સસ્પેન્ડ થયાં હતાં. હવે 2026માં રૂચિકા પટેલ સામે કાર્યવાહી થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
-
નવરાત્રીમાં ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ માટે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ગરમીનો અનુભવ થશે. જોકે, આગામી 16 ઓક્ટોબરથી રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી છાંટાની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઓક્ટોબરના અંતમાં રાજ્યમાં ફરી વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
-
વડોદરા: નવરાત્રિના તહેવારમાં VHP-બજરંગદળનો એક્શન પ્લાન
વડોદરાઃ નવરાત્રિના તહેવારને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. નવરાત્રિ દરમિયાન વિવિધ વિસ્તારોમાં બજરંગ દળના 200 જેટલા કાર્યકરો તહેનાત રહેશે. શહેરના અલગ-અલગ વોર્ડમાં ટીમો તૈયાર રાખવામાં આવશે અને ગરબા સ્થળોએ ચાંપતી નજર રાખવામાં આવશે. ગરબાના આયોજકો અને ખેલૈયાઓને નિયમોનું ઉલ્લંઘન ન કરવા અપીલ કરવામાં આવી છે. બજરંગ દળ દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે, જેના પર ફોન કરતાં મદદ પૂરી પાડવાની વાત કરવામાં આવી છે. ગરબામાં કોઈ અસામાજિક તત્વો અડચણ ઊભી કરશે તો કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
-
જુનાગઢઃ સર્વ પિતૃ અમાસે દામોદર કુંડમાં ઉમટી ભીડ
જુનાગઢઃ આજે સર્વ પિતૃ અમાસના પવિત્ર દિવસે જૂનાગઢના દામોદર કુંડમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે દામોદર કુંડ પહોંચ્યા હતા. ગિરનારની પાવન ધરા પર પિતૃ અમાસના દિવસે જળ અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે શ્રદ્ધાળુઓએ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી પિતૃઓને જળ અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, પીપળાના વૃક્ષને જળ ચઢાવી પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરી હતી. પિતૃઓના આત્માની શાંતિ અને આશીર્વાદ મેળવવાની શ્રદ્ધા સાથે લોકોએ ધાર્મિક વિધિઓ કરી ધન્યતા અનુભવી હતી.
-
બિસ્માર SG હાઇવે મુદ્દે tv9 ના અહેવાલ બાદ સફાળુ જાગ્યું તંત્ર
અમદાવાદના બિસ્માર SG હાઈવે પર ટ્રાફિક જામના મુદ્દે TV9ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. નવરાત્રિ પહેલા કર્ણાવતી ક્લબથી સરખેજ તરફ જતો રસ્તો ખાડાઓનું સમારકામ કરીને વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી બ્રિજના નિર્માણકાર્યને કારણે આ રસ્તો બંધ હતો, જેના પગલે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. હવે રસ્તો ખુલતાં વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી રાહત મળવાની શક્યતા છે. પોલીસ કમિશનરના સંકલનથી રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. નવરાત્રિ દરમિયાન SG હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક પોલીસ પણ તહેનાત રહેશે.
-
ભરૂચ: પ્રવાસન સ્થળ કબીરવડ બેટ સુધી નહિં જઇ શકે પ્રવાસીઓ
ભરૂચના પ્રખ્યાત પ્રવાસન સ્થળ કબીરવડ સુધી પહોંચવા માટે પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. મંગલેશ્વરથી કબીરવડ સુધી જતી બોટ સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. મંગલેશ્વર ગ્રામ પંચાયત દ્વારા જમીન પર આવક, સંચાલન અને માલિકીના હકને લઈને દાવો કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ વિવાદના પગલે બોટ સેવા બંધ કરાતા હવે પ્રવાસીઓ કબીરવડ બેટ સુધી પહોંચી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, 15મી સદીના સંત કબીરના નામ સાથે ઓળખાતું કબીરવડ ભરૂચનું જાણીતું પ્રવાસન સ્થળ છે. બોટ સેવા બંધ થતાં પ્રવાસીઓની અવરજવર પર અસર થવાની શક્યતા છે.
-
પાલનપુરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 10 દિવસમાં ડેન્ગ્યુના 6 કેસ નોંધાયા
બનાસકાંઠાના પાલનપુરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. માત્ર 10 દિવસમાં ડેન્ગ્યુના 6 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. વાતાવરણમાં પલટો આવતાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયાની માહિતી સામે આવી છે. મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર સર્વે અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે કુલ 479 ટીમો કામે લાગી છે, જ્યારે પાલનપુર અને ડીસામાં વધારાની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અને મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
-
ગોંડલના સડક પીપળિયામાં ફાયરિંગ કેસમાં ધ્રુવરાજસિંહ જાડેજાની ધરપકડ
રાજકોટના ગોંડલ તાલુકાના સડક પીપળિયા ગામે ફાયરિંગની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ધ્રુવરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા હોવાનું જાણવા મળ્યું છે. ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ બાદ મુખ્ય આરોપીને સડક પીપળિયા ગામે લઈ જઈને ઘટનાસ્થળે પંચનામું કર્યું હતું. આ કેસમાં પોલીસે અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ગાડીમાં બકરા ચરાવવા બાબતે થયેલી બબાલ બાદ ધ્રુવરાજસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યું હતું. હવે મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસે કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
-
દિવાળી વેકેશનમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ યોજાશે
ગાંધીનગરમાં સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની બદલી પ્રક્રિયાને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ દિવાળી વેકેશન દરમિયાન યોજવામાં આવશે. આ બદલી પ્રક્રિયા ઓફલાઇન પદ્ધતિથી હાથ ધરવામાં આવશે અને કેમ્પનું વિગતવાર શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે, હાલ જિલ્લા અરસપરસ બદલીને મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગે આગામી જિલ્લા ફેરબદલી કેમ્પ દરમિયાન નિર્ણય લેવામાં આવશે. વધુમાં, બદલી પ્રક્રિયામાં વેઇટિંગ લિસ્ટ રાખવામાં નહીં આવે. આ નિર્ણયને પગલે બદલીની રાહ જોઈ રહેલા સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની નજર હવે આગામી કેમ્પના શિડ્યુલ પર રહેશે.
-
વડોદરા ગ્રામ્ય પોલીસની નવરાત્રી સુરક્ષા એપ લોન્ચ, SOS બટન દબાવતાં જ મળશે તાત્કાલિક મદદ
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે ખાસ સુરક્ષા એપ્લિકેશન લોન્ચ કરી છે. મહિલાઓને ગરબા સ્થળેથી ઘરે જતી વખતે કે અન્ય કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી આ એપ તૈયાર કરવામાં આવી છે. એપમાં SOS બટનની ખાસ સુવિધા આપવામાં આવી છે, જેને દબાવતાં જ પોલીસ કંટ્રોલ સેન્ટરને કોલ જશે અને મદદ માટે કાર્યવાહી કરી શકાશે. આ ઉપરાંત, એપ દ્વારા યુવતીનું લોકેશન પોલીસ સુધી પહોંચતું રહેશે, જેથી તે ક્યાં છે અને ઘરે સુરક્ષિત પહોંચી છે કે નહીં તેની જાણકારી મેળવી શકાય. ઇમરજન્સીની સ્થિતિમાં પરિવારજનોને પણ જાણકારી આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન ગરબા રમવા જતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા વધારવા માટે પોલીસની આ પહેલ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
-
મુંબઈમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અટકાયત
મુંબઈમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પોલીસે અટકાયત કરી હોવાની માહિતી સામે આવી છે. તુષાર ગાંધી ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કરવાના હતા, તે પહેલાં જ મુંબઈ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી. દિલ્હીમાં CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJPના વિરોધ પ્રદર્શન અને વિવિધ સ્થળોએ પ્રદર્શનકારીઓની અટકાયત વચ્ચે મુંબઈની આ ઘટનાએ પણ ધ્યાન ખેંચ્યું છે. જોકે, તુષાર ગાંધીની અટકાયત અંગે પોલીસનું સત્તાવાર નિવેદન અને કાર્યવાહી પાછળનું ચોક્કસ કારણ સામે આવવાનું બાકી છે.
-
અભિજીત દીપકે સહિત ત્રણની અટકાયત
દિલ્હી એરપોર્ટ પર CJPના પદાધિકારીઓની અટકાયત કરવામાં આવી હોવાનો CJP દ્વારા દાવો કરવામાં આવ્યો છે. CJPના જણાવ્યા મુજબ, અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરભ દાસની અટકાયત કરવામાં આવી છે. દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે CJPના પદાધિકારીઓને ફ્લાઇટની અંદરથી જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ મામલે અભિજીત દીપકેનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, “હું ધરપકડ થવા જ આવ્યો છું.” દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનને મંજૂરી ન મળવા અને પ્રદર્શનકારીઓ સામે પોલીસની કાર્યવાહી વચ્ચે આ ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે. જોકે, અટકાયત અંગે દિલ્હી પોલીસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે કે નહીં તે સ્પષ્ટ થવાનું બાકી છે.
-
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન, પક્ષમાં શોકની લાગણી
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમના નિધનથી કોંગ્રેસમાં શોકની લાગણી વ્યાપી છે. છેલ્લા એક અઠવાડિયામાં કોંગ્રેસે પોતાના બીજા વરિષ્ઠ નેતાને ગુમાવ્યા છે. અગાઉ વિરજી ઠુમ્મરના નિધન બાદ હવે દીપક બાબરિયાના અવસાનથી પક્ષને વધુ એક મોટો આઘાત લાગ્યો છે. દીપક બાબરિયા કોંગ્રેસના અનુભવી નેતા હતા અને મધ્યપ્રદેશ તથા હરિયાણા જેવા રાજ્યોમાં પક્ષના પ્રભારી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા હતા. તેમના નિધનથી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
-
ગુરુગ્રામથી યુટ્યૂબર ધ્રુવ રાઠીની અટકાયત, CJPના વિરોધ પ્રદર્શનમાં પહોંચે તે પહેલાં પોલીસની કાર્યવાહી
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે યુટ્યૂબર ધ્રુવ રાઠીની ગુરુગ્રામથી અટકાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મળતી વિગતો મુજબ, ધ્રુવ રાઠી CJPના વિરોધ પ્રદર્શનમાં પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી. સવારે 7:48 વાગ્યે તેમની અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, તેમની અટકાયત પાછળનું ચોક્કસ કારણ અને પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર વિગતો અંગે વધુ માહિતી સામે આવવાની બાકી છે.
-
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પહેલાં જ પોલીસની કાર્યવાહી, 500થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પહેલાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હીના કનોટ પ્લેસ સહિતના વિવિધ વિસ્તારોમાં અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. જંતરમંતર વિસ્તારમાંથી પણ કેટલાક પ્રદર્શનકારીઓને પોલીસે અટકાયતમાં લીધા છે. મળતી માહિતી મુજબ, પોલીસે 500થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. CJPના વિરોધ પ્રદર્શનને દિલ્હી પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, જેને પગલે સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને શહેરના દરેક ઝોનમાં ડિટેન્શન સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
-
CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિરોધની શક્યતા, દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા
દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJP દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. જોકે, દિલ્હી પોલીસે CJPના પ્રદર્શનને મંજૂરી આપી નથી. સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં મોટા પ્રમાણમાં પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આશરે 38 હજાર પોલીસ જવાનો ઉપરાંત CAPFની 221, CRPFની 85, ITBPની 7, SSBની 10 અને RAFની 7 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ગાઝીપુર, ચિલ્લા, ટિકરી અને બદપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જ્યારે દિલ્હી-યુપી બોર્ડર પર BSFની ટીમ પણ તૈનાત કરાઈ છે. સુરક્ષાના ભાગરૂપે દિલ્હીને 20 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને વિવિધ બોર્ડરો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. દિલ્હી તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
-
જામનગરમાં નૂરી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે મોત
જામનગરમાં નૂરી ચોકડી નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કારની ટક્કર લાગતાં બીજી કાર બસ સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં સિટી એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
-
સ્ટારલિંકને ભારતમાં લાઇસન્સ ન મળતાં એલન મસ્કનો મુકેશ અંબાણી પર કટાક્ષ
અમેરિકી કંપની સ્ટારલિંકને ભારતમાં લાઇસન્સ ન મળવાના મુદ્દે વિવાદ વધુ વકર્યો છે. આ મામલે સ્ટારલિંકના માલિક એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુકેશ અંબાણીને નિશાન બનાવી કટાક્ષભરી પોસ્ટ કરી છે. મસ્કે વ્યંગાત્મક અંદાજમાં મુકેશ અંબાણીને ‘પ્રધાનમંત્રી અંબાણીજી’ કહી સંબોધ્યા હતા. તેમણે પોસ્ટમાં લખ્યું કે, “પ્રધાનમંત્રી અંબાણીજી, કૃપા કરીને મારી ભૂલ માફ કરી દો. મને ખબર છે કે તમે ભારતના અસલી માલિક છો.” આ સાથે મસ્કે સવાલ કર્યો કે, “શું તમે હજી પણ સ્ટારલિંકને ભારતમાં સ્પર્ધા કરવાની મંજૂરી આપવા અંગે વિચારશો?” મસ્કની આ પોસ્ટ બાદ ભારતમાં સ્ટારલિંકને લાઇસન્સ આપવાના મુદ્દે અને ટેલિકોમ ક્ષેત્રમાં સ્પર્ધાને લઈને ચર્ચા તેજ બની છે.
-
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે પોલીસ સતર્ક, 7,000 લોકો હાજર રહે તેવી સંભાવના
10 ઓક્ટોબરે દિલ્હીમાં આયોજિત વિરોધ પ્રદર્શન માટે પોલીસ સતર્ક છે. આશરે 7,000 લોકો હાજર રહે તેવી અપેક્ષા છે. સુરક્ષા કડક કરવામાં આવી રહી છે, અને પોલીસ અધિકારીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
Published On - Oct 10,2026 7:43 AM