Banaskantha: ડીસાના રાણપુરમાં કેનાલમાં ગાબડું, બટાકાના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં ચિંતા- Video
ડીસાના રાણપુર ગામે કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં. બટાકાના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત, વળતરની માગ તેજ થઈ.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામેથી ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દાંતીવાડા તરફથી કેનાલમાં પાણી છોડવામાં આવતાં રાણપુર ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યું હતું. જેના કારણે કેનાલનું પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં બટાકાના બિયારણ અને ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવી ન હોવાથી પાણી ઉભરાયું હતું. ઉપરાંત, સ્લુઇસ ગેટ બંધ હોવાના કારણે પાણીનો પ્રવાહ અટકી જતાં કેનાલમાં ગાબડું પડવાની સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ખેતી માટે સિંચાઈના પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ કેનાલની યોગ્ય જાળવણીના અભાવે કિંમતી પાણીનો બગાડ થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે ખેડૂતોએ તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.
શું છે કેનાબીસની ગોળી? પારડીમાં નશાના વેપારનો પર્દાફાશ, 1.17 લાખનો જથ્થો ઝડપાયો
