Gujarat Elections Results 2021 : ગુજરાતમાં 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 31 જિલ્લા પંચાયતની ચુંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં કુલ 31 જિલ્લા પંચાયતમા ભાજપને જીત મેળવી છે, જયારે કોંગ્રેસને ફાળે એક પણ બેઠક આવી નથી. વર્ષ 2015 માં ભાજપને જિલ્લા પંચાયતની ચુંટણીમાં 8 બેઠકો પર જ વિજય મેળવ્યો હતો. જેના પગલે આ વખતે ભાજપને કુલ 23 બેઠકનો ફાયદો થયો છે. જ્યારે કોંગ્રેસને 23 બેઠકોનું નુકશાન થયું છે.
જો આપણે ગુજરાતમાં 2015 માં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની વાત કરીએ તો ભાજપનો ગુજરાતની 6 મહાનગરપાલિકામાં વિજય થયો હતો, જ્યારે નગરપાલિકાઓ, જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓ જેવો દેખાવ કરી શક્યો નહોતો. વર્ષ 2015 ના ચુંટણી પરિણામોની વાત કરીએ તો કુલ 31 જિલ્લા પંચાયતમાંથી ભાજપ માત્ર 8 જિલ્લા પંચાયત જીતી ચૂક્યું હતું. જયારે 23 જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો વિજય થયો હતો.
વર્ષ 2015માં ગ્રામીણ વિસ્તારમાં પાટીદાર આંદોલનનો ફાયદો કોંગ્રેસને થયો . જો કે વર્ષ 2010 માં ભાજપે 31 માંથી 30 જિલ્લા પંચાયત જીતી હતી. પરંતુ વર્ષ 2015 માં હાર્દિક પટેલના નેતૃત્વમાં આકાર પામેલા પાટીદાર આંદોલનનો ફાયદો કોંગ્રેસને થયો હતો. જયારે તેવી જ રીતે જોઇએ તો 230 તાલુકા પંચાયતની 4778 બેઠકોમાંથી કોંગ્રેસે 50 ટકાથી વધારે એટલે કે 2509 બેઠકો પર વિજય મેળવ્યો હતો.