રાજ્યમાં બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ કરનારા સામે લેવાશે કાયદેસરના પગલા, CMએ આપી સૂચના

રાજ્યમાં બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ કરનારા સામે લેવાશે કાયદેસરના પગલા, CMએ આપી સૂચના
મુખ્યપ્રધાન વિજય રૂપાણી (ફાઈલ ફોટો)

Illegal Sale of Bio diesel: રાજ્યમાં હાલ બાયોડીઝલની નહિવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલના છૂટક વેચાણને કે રીટેઈલ આઉટલેટ મારફતે બાયોડીઝલ વેચાણની મંજૂરી આપવામાં આવી નથી.

Kinjal Mishra

| Edited By: Kunjan Shukal

Jul 02, 2021 | 6:21 PM

Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલ (BioDiesel)ના નામે વેચાઈ રહેલા ભળતા પદાર્થો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ પ્રકારના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે શુક્રવારે CM નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે. આ પ્રકારના પદાર્થોનું વેચાણ અટકાવવા-નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવા આગામી દિવસોમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલની કમિટીની પણ રચના કરવામાં આવશે.

જેમાં તેમાં રાજ્ય પોલીસ વડા, ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ કમિટી નિયમિત ધોરણે આ બાબતોની દેખરેખ રાખશે તેમજ બાયોડીઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણએ રાજ્ય સરકારની આવકને નુકસાન કરવા સાથે વાહનચાલકોના વાહનોના એન્જિન તેમજ પર્યાવરણને પણ નુકશાનકર્તા હોવાથી આવા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ બંધ કરાવવા સંબંધિત અધિકારીઓને આકરા પગલાં લેવા પણ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી.

બાયોડીઝલના વેચાણને લઈને કેટલાક નવા નિયમો બનાવવા આવ્યા છે, જે આ પ્રમાણે છે

1. બાયોડીઝલના નામે ભળતા સોલવંટ- પેટ્રોલિયમ પદાર્થોની આયાત સદંતર અટકાવવા સૂચના.

2. હવે બાયોડીઝલનું વેચાણ રિટેઈલ આઉટ લેટ મારફતે થઈ શકશે નહીં.

3. ઉપલબ્ધતાના આધારે ઓઈલ માર્કેટીંગ કંપની બાયોડીઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરી વેચાણ કરી શકશે.

4. શુદ્ધ બાયોડીઝલ ઉત્પાદન કરવા MSME સહિતના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરાશે.

5. આવા ઉત્પાદકો GPCB સહિતની જરૂરી નિયત મંજૂરીઓ મેળવી ઓઈલ માર્કેટીંગ કંપનીઓને અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકશે.

મહત્વનું છે કે ભારત સરકારની બાયોડીઝલને લઈને ખાસ નીતિ બનાવવામાં આવી છે, ત્યારે આ નીતિને રાજ્યમાં કયા સ્વરૂપે સ્વીકારવી તથા અમલીકરણ કરવું એ સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાઓ પણ બેઠકમાં હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ બાયોડીઝલની નહિવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલના છૂટક વેચાણને કે રીટેઈલ આઉટલેટ મારફતે બાયોડીઝલ વેચાણની મંજૂરી આપવામાં આવી નથી.

આ સંજોગોમાં બાયોડીઝલનું વેચાણ રિટેઈલ આઉટલેટ મારફતે કરી શકાશે નહીં, ફકત ઓઈલ માર્કેટીંગ કંપની બાયોડીઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરીને વેચાણ કરી શકશે. ઓઈલ માર્કેટીંગ કંપની સિવાયનું તમામ વેચાણ ગેરકાયદેસર ગણાશે એવું સ્પષ્ટપણે બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. બાયોડીઝલને હાઈસ્પીડ ડીઝલમાં નિયત માત્રામાં મિક્ષ/બ્લેન્ડીંગ કરીને ઉપયોગ કરવાની ભારત સરકારની નીતિ છે. આના પરિણામે પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટશે તેમજ પેટ્રોલિયમ પેદાશો પર થતા વિદેશી હૂંડિયામણમાં પણ ઘટાડો થશે, તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા પરામર્શ હાથ ધરવામાં આવ્યો હતો.

શુદ્ધ બાયોડીઝલનું ઉત્પાદન જેટ્રોફા, કરંજતેલ, બળેલા તેલ વગેરેમાંથી મિથાઈલ અથવા ઈથાઇલ એસ્ટરના મિશ્રણથી થતું હોય છે. આવું શુદ્ધ બાયોડીઝલ બનાવતા MSME સહિતના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેમજ ખેડૂતોને પણ પૂરક આવક મળી રહે તેવા હેતુથી આવા ઉત્પાદકો-ઉદ્યોગ સાહસિકોને GPCBની તેમજ અન્ય નિયત મંજૂરીઓ મેળવી ઓઈલ માર્કેટીંગ કંપનીઓને હાઈસ્પીડ ડીઝલ સાથે મિશ્રણ કરવા અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકે તે સંદર્ભની સૂચનાઓ-માર્ગદર્શિકા આગામી દિવસોમાં જાહેર કરવા અંગે પણ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પરામર્શ થયો હતો.

આવા ઉત્પાદન અને વેચાણની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. એટલું જ નહીં, આ અંગે ઉત્પાદન અને વેચાણની વિગતોના યોગ્ય રેકોર્ડ પણ તેમણે નિભાવવાના રહેશે, એ બાબતે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠકમાં DyCM નિતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ(ગૃહ) પંકજકુમાર, રાજય પોલીસ વડા આશીષ ભાટીયા, ચીફ કમિશ્નર(જી.એસ.ટી) જે.પી.ગુપ્તા, સચિવ અશ્વિનીકુમાર, પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદ, નાણાં સચિવ મિલિંદ તોરવણે, ઓઈલ માર્કેટીંગ કંપનીના સ્ટેટ લેવલ કો-ઓર્ડીનેટર અન્ના દુરાઈ, સહિતના વિવિધ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati