કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાળા ગીરમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, ઇતિહાસમાં પહેલી વખત બોક્સનો ભાવ 1500 રૂપિયા બોલાયો
વાતાવરણની વિષમતાને કારણે આ વર્ષ કેરીનું ઉત્પાદન ઓછું થવાને કારણે તાલાળા મેંગો માર્કેટમાં આજે પ્રથમ દિવસે માત્ર 2600 બોક્સ જ આવ્યા હતા. જે ગત વર્ષની સરખામણીએ 3 હજાર બોક્સ ઓછા આવ્યા છે.
કેસર કેરી (Kesar mango) નાં ગઢ ગણાતા તાલાળા ગીર (Gir) ખાતે કેસર કેરીની હરરાજીનો પ્રારંભ કરાયો છે. આ વર્ષે જગ વિખ્યાત ગીરની કેસર કેરી ગત તમામ વર્ષના રેકોર્ડ તોડી ઇતિહાસમાં સર્વોચ્ય 1500 રૂપિયે બોક્સનાં ભાવે પહોંચી છે. સોમનાથના ધારાસભ્ય (MLA) વિમલ ચૂડાસમાએ પહેલી હરાજી (auction) માં બોલી લગાવી ગૌશાળાનાં લાભાર્થે 16000 રૂપિયે બોક્સ ખરીદ્યું હતું. વાતાવરણની વિષમતાને કારણે આ વર્ષ કેરીનું ઉત્પાદન ઓછું થવાને કારણે તાલાળા મેંગો માર્કેટમાં આજે પ્રથમ દિવસે માત્ર 2600 બોક્સ જ આવ્યા હતા. જે ગત વર્ષની સરખામણીએ 3 હજાર બોક્સ ઓછા આવ્યા છે.
ફળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની આજે તાલાળા એ.પી.એમ.સી. ખાતે વિધિવત હરરાજીની શરૂઆત થઈ છે.ગત વર્ષની તુલના એ ખૂબ ઓછા એટલે કે માત્ર 2600 બોક્સ જ કેસરના મેંગો માર્કેટમાં આવ્યા હતા.હરરાજીનું પ્રથમ બોક્સ 16 હજાર રૂપિયામાં ગયું હતું.આ રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી.ત્યારબાદ ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ 1500 રૂપિયામાં સારી કેરીના એક બોક્સની બોલી લાગી હતી. નાના અને મધ્યમ ફળના 700 થી 800 રૂપિયા બોક્સનો ભાવ રહેશે.
પ્રતિકૂળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડા ને કારણે કેરીને ગ્રહણ લાગી ગયું છે.જેને લઈ ઉત્પાદન ઘણુંજ ઘટ્યું છે.આ વખતે એક્સપોર્ટની સંભાવના પણ નહિવત છે. એક એક બગીચામાંથી દર વખતે 300 થી 400 બોક્સ કેસર હરાજીમાં આવતી જેને બદલે આ વર્ષ 15 થી 60 બોક્સ જ આવ્યા છે. આ વર્ષની સિઝન લાંબી ચાલે તેવી સંભાવના છે.અંદાજે 15 જૂન સુધી સિઝન ચાલશે.પરંતુ પ્રમાણમાં કેસર ની આવક ઓછી થશે.
સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરનું ઉત્પાદન ઘટ્યું છે.ત્યારે કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી નુકશાની ભોગવી રહ્યા છે.સરેરાશ જો ભાવ ઊંચા રહે તો ખેડૂતોના ભાગે ઓછી નુકશાની આવે. સામે ઈજારદાર અને વેપારીને પણ મોટું નુકસાન ન જાય.ઘણા ઇજારદારોએ ઝાડ અને પાન જોઈ 15 લાખ જેવી રકમમાં કેસરનો ઇજારો રાખ્યો છે. તેઓને માંડ 5 લાખ રૂપિયાની કેરી થાય તેમ છે તેવું ઈજારદાર જણાવી રહ્યા છે. હાલમાં કેસરના એક બોક્સનો ભાવ 800,1200 અને મહત્તમ 1500 રૂપિયા આવી રહ્યો છે.
ઇજારદારનું કહેવું છે કે કેસરના એક બોક્સનો ન્યૂનતમ ભાવ 1500 થી લઈને 2 હજાર રૂપિયા જેવો મળે તો પણ માત્ર મૂડી ઉભી થાય તેવું છે.સામે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે વર્તમાન સમય માં કેસરનું ઉત્પાદન ઘટતા સિઝન આગળ પાછળ હોવા છતાં માલની અછત રહેશે. સરેરાશ ભાવ 800 થી 1500 રહેશે. સિઝન લાંબી ચાલવા છતાં ઓછા માલની આવકને કારણે ભાવો જળવાઈ રહેશે.આખી સિઝન દરમ્યાન માંડ 5 લાખ બોક્સ તાલાળા મેંગો માર્કેટમાં આવે તેવી સંભાવના છે.આ વર્ષ ગરીબ લોકો માટે તો કેસર કડવી બનશે તે નક્કી છે..
આજે તાલાળા મેંગો માર્કેટમાં કેસરની હરરાજી શરૂ થઈ છે.નીચામાં 500 થી 800 અને ઊંચામાં 1500 રૂપિયા ભાવે એક બોક્સ કેસર કેરીનું વેચાયું છે.ત્યારે સોમનાથ વિસ્તારનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગૌશાળાના લાભાર્થે 16 હજાર રૂપિયાનું એક બોક્સ ખરીદી હરરાજીની શરૂઆત કરાવી હતી.ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે યેનકેન પ્રકારે કેસર પકવતા ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી નુકશાન ભોગવતા આવ્યા છે.ત્યારે સરકાર આવા બાગાયતી પાકો જેમકે નાળિયેરી,ચિકું અને ખાસ કરીને આંબા નાં પાકને પાક વીમામાં આવરી લે તો આવા બાગાયતી પાક લેતા ખેડૂતોને નુકશાની ન જાય.આ બાબતે તેઓએ વિધાનસભામાં પણ રજુઆત કરી હતી.
આ પણ વાંચોઃ Rajkot: કાગવડ ખોડલધામ ખાતે આજે ટ્રસ્ટીઓની બેઠક, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચા કરશે