Kheda: ગોબલજ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ ન કરવાની ધમકી, એટ્રોસિટી એક્ટ હેઠળ 4ની ધરપકડ
ખેડા તાલુકાના ગોબલેજ ગામના સેનવા વાસમાં રહેતા 39 વર્ષિય રમેશભાઇ બુધાભાઇ શેનવા અને ફળિયાના લોકો ગતરોજ બપોરના હાલ ચાલતા ચૈત્ર માસમાં ટાઢું ખાવાનો રિવાજ હોય ગામના બળીયાદેવ મંદિર ખાતે ટાઢું જમવા ગયા હતા.
ખેડા (Kheda) ના ગોબલજ ગામમાં બળિયાદેવના મંદિરમાં પ્રવેશને લઈ વિવાદ સામે આવ્યો છે. ગોબલજ ગામના દલિત (Dalit) સમાજના કેટલાક લોકો બળિયાદેવના મંદિરે બાધા પૂરી કરવા ગયા હતા. આ સમયે અન્ય સમાજના લોકોએ ગામમાં મીટિંગ કરીને દલિત સમાજના લોકોને મંદિર (temple) માં પ્રવેશ ન કરવા ધમકી આપી હતી. જો ફરી મંદિરમાં પ્રવેશ કરશો તો માર મારવાની ધમકી મળી હતી. આ ધમકીથી ડરેલા પીડિતોએ ખેડા ટાઉન પોલીસ મથકે એટ્રોસિટી (atrocity) એક્ટ અંતર્ગત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તો પોલીસ ફરિયાદ થતા જ ધમકી આપનારા 4 શખ્સો ફરાર થઈ ગયા હતી પણ પોલીસે ગણતરીની કલાકોમાં ચારેયની ધરપકડ કરી લીધી છે.
ખેડા તાલુકાના ગોબલેજ ગામના સેનવા વાસમાં રહેતા 39 વર્ષિય રમેશભાઇ બુધાભાઇ શેનવા અને ફળિયાના લોકો ગતરોજ બપોરના હાલ ચાલતા ચૈત્ર માસમાં ટાઢું ખાવાનો રિવાજ હોય ગામના બળીયાદેવ મંદિર ખાતે ટાઢું જમવા ગયા હતા. ગામના ઉચ્ચ વર્ણના લોકોને જાણ થઈ હતી. જેના પગલે ગામના પટેલ જ્ઞાતિના તેમજ ઠાકોર સહિત અન્ય જ્ઞાતિના લોકોએ આ મામલે ગામના કબુતરી પાસે ગત રાતના ગ્રામજનોની મીટીંગ બોલાવી હતી. આ મિટિંગમાં રમેશભાઈ સેનવા તેમજ ગામના દલિત સમાજના ઠાકોરભાઇ રમણભાઇ પરમાર (રોહીત), હિતેશભાઇ જગદીશભાઈ વાઘેલા (વાલ્મીક), નટવરભાઇ અમૃતભાઇ વાલ્મીક તથા સતિષભાઇ મુળજીભાઇ પરમાર વગેરે ગયા હતા.
આ મીટીંગ બાદ ગામના ભીખાઈ સનાભાઈ સોઢા પરમાર, અશોક વિઠ્ઠલ પટેલ, ભરત મફતભાઈ ભોઇ અને રણજીત ચંદુભાઈ ચૌહાણએ તમારે અમારા બળીયાદેવના મંદિરમાં આવવાનુ નહી અને જો આવશો તો તમારા હાથ પગ ભાંગી નાખીશ. તેવી ધાક ધમકીઓ આપી હતી.
આ પણ વાંચોઃ Surat : સુરત મનપાને પ્રાથમિક સુવિધાની કામગીરીઓ માટે 200 કરોડની ગ્રાન્ટ મળવાની શક્યતા
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લાના વઘઇ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં વઘઇ આહવા મુખ્ય માર્ગ નજીક આગ લાગી