Gujarati Video: ગીરસોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો આજથી પ્રારંભ, વર્ષોથી તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકો ગુજરાત આવતા જ બન્યા ભાવવિભોર
Gir Somnath: ગીરસોમનાથમાં આજથી 17 એપ્રિલ સુધ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. ગીરસોમનાથમાં 30 એપ્રિલ સુધી ચાલનારા આ મહોત્સવ માટે 25 હજાર જેટલા તમિલમાં વસતા મૂળ સૌરાષ્ટ્રના નિવાસીઓ આ કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.
સોમનાથ મંદિર પર મહંમદ ગઝનીએ કરેલા આક્રમણ વખતે દરિયાઇ માર્ગે સોમનાથ વેરાવળથી ખંભાત અને ત્યાંથી રેશમ અને વણાટના નિષ્ણાંતો હિજરત કરીને મદુરાઇ વસવાટ કરવા માટે ગયા હતા. વિશ્વની સૌથી મોટી હિજરત પૈકીની એક હિજરત એટલે સૌરાષ્ટ્રવાસીઓનું તમિલનાડુમાં હિજરત. આ મૂળ સૌરાષ્ટ્રવાસીઓને આવકારવા માટે આજથી સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. ગીરસોમનાથમાં 30 એપ્રિલ સુધી ચાલનારા આ મહોત્સવમાં તમિલનાડુથી દરરોજ 3 હજારથી 5 હજાર લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
રક્ષાપ્રધાન રાજનાથસિંહના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાશે. જેમાં પુડ્ડુચેરીના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ બે પ્રદેશોનો છે. ભાષા, વ્યંજનો અને તેની અંદર વસતા લોકોના હ્યદયનો સંગમ છે. એટલે જ તમિલનાડુથી આવી રહેલા મહેમાનોનું ઢોલ અને શરણાઈ સાથે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજે સવારે પ્રથમ ટ્રેનમાં 320 તમિલ ભાઈ-બહેનો વેરાવળ પહોંચતાં જ તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા. તો બીજીતરફ હજારો વર્ષો પહેલા તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકો પોતાની ધરતી પર આવતા ભાવવિભોર બની ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમના 99માં એપિસોડમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી મહિને ગુજરાતના વિવિધ ભાગોમાં એકતા અને ભાવના સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજાવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ 17થી 30 એપ્રિલ સુધી ચાલશે.
વડાપ્રધાને કહ્યું કે, મન કી બાતના કેટલાક શ્રોતાઓ વિચારતા હશે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો તામિલનાડુ સાથે શું સંબંધ છે? હકીકતમાં, સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો તમિલનાડુના જુદા જુદા ભાગોમાં સ્થાયી થયા હતા. આ લોકો આજે પણ સૌરાષ્ટ્રી તમિલ તરીકે ઓળખાય છે. આ તમિલોને ફરી તેમના મૂળ વતન સૌરાષ્ટ્રમાં બોલાવી સન્માનિત કરવાનો કાર્યક્રમ એ જ સૌરાષ્ટ્ર તમિલ સંગમ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…