એપ્રિલથી સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન, તમિલનાડુ હિજરત કરી ગયેલા સૌરાષ્ટ્રના અનેક તમિલો રહેશે ઉપસ્થિત
Gir Somnath: તમિલનાડુ હિજરત કરી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓને ફરી તેના વતન સાથે જોડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 17 એપ્રિલથી સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. 25 લાખ જેટલા સૌરાષ્ટ્રવાસીઓ તમિલનાડુમાં આજે પણ સૌરાષ્ટ્રની પરંપરા જાળવી જીવી રહ્યા છે.
સોમનાથ મંદિર પર મહંમદ ગઝનીએ કરેલા આક્રમણ વખતે દરિયાઇ માર્ગે સોમનાથ વેરાવળથી ખંભાત અને ત્યાંથી રેશમ અને વણાટના નિષ્ણાંતો હિજરત કરીને મદુરાઇ વસવાટ કરવા માટે ગયા હતા. વિશ્વની સૌથી મોટી હિજરત પૈકીની એક હિજરત એટલે સૌરાષ્ટ્રવાસીઓનું તમિલનાડુમાં હિજરત.
17 એપ્રિલથી સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન
તમિલનાડુમાં વસતા આ સૌરાષ્ટ્રવાસીઓને ફરી તેના વતન સાથે જોડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા 17 એપ્રિલથી સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. તામિલનાડુમાં આજે 25 લાખથી વધારે સૌરાષ્ટ્રવાસીઓ છે જે આજે પણ સૌરાષ્ટ્રની પરંપરા સાથે જીવી રહ્યા છે.
17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે-ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ કાર્યક્રમ અંગે વિગત આપતા કહ્યું હતું કે આ કાર્યક્રમ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિચારને વેગ આપતો છે. 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી 15 દિવસ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની પરંપરા અહીંના ભોજન, રમત-ગમત અને બિઝનેસ, ટેક્સટાઇલ સેમિનાર વડે પણ જોડવામાં આવશે.
તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને ઉમળકાભેર આવકારવા ઋષિકેશ પટેલના અપીલ
15 દિવસ દરમિયાન રજીસ્ટ્રેશમાં સિલેક્ટ થયેલા લોકોને ટ્રેન મારફતે ગુજરાત લાવીને તેમને સોમનાથ, રાજકોટ, પોરબંદર, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ લઇ જવાશે અને ત્યારબાદ સોમનાથ મુખ્ય સ્થળ ખાતે કલા, સંસ્કૃતિ,ઉઘોગ વાણિજ્ય શિક્ષણ સબંધી કાર્યક્રમોનું આયોજન થશે. મંત્રી ઋષિકેશ પટેલે પણ લોકોને અપીલ કરી હતી કે વર્ષોથી મૂળ સૌરાષ્ટ્રવાસીઓ જે રીતે તામિલનાડુમાં ભળી ગયા છે અને પોતાના વતન આવી રહ્યા છે ત્યારે તેનું ઉમળકાભેર સ્વાગત કરે.
25 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
સોમનાથ તામિલ સંગમ કાર્યક્રમમાં આવવા માટે તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 25 હજાર જેટલા લોકોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. જેમાંથી ત્રણ હજાર જેટલા લોકોને ટ્રેનમાં લાવવાની વ્યવસ્થા સરકાર દ્રારા કરવામાં આવી છે. તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને આમંત્રણ આપવા માટે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યના મંત્રી અને અધિકારીઓ આમંત્રણ આપવા માટે મદુરાઇ સહિતના સ્થળોએ પહોંચ્યા હતા અને કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું.
આ પણ વાંચો: શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ? જેનો PM મોદીએ મન કી બાતમાં કર્યો હતો ઉલ્લેખ, જાણો તમામ વિગતો
આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત
આ કાર્યક્રમમાં 2005માં જેઓએ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો તેવા વિશ્વ વિખ્યાત ગેસ્ટોએન્ડ્રોલોજીસ્ટ ચંદ્રશેખર,હ્યુસ્ટન સ્થિત રાઘા પરશુરામનજી ,7 આઇએએસ અધિકારીઓ,સંસદના પીઆરઓ,5 જેટલા હાઇકોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત મોટી સંખ્યામાં મૂળ સૌરાષ્ટ્રવાસી તામિલનાડુમાં વસતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…