Gir Somnath: ભલે મૂળ તમિલ પણ ગુજરાતની ધરા પર ધબકે છે દિલ, સોમનાથના તમિલ પરિવારોએ ગરબે ઘુમી નવ વર્ષ પર્વ પૂથાડુ વઝથુકલની કરી ભવ્ય ઉજવણી
Gir Somnath: સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈને ઉત્સાહનો માહોલ છે. આ કાર્યક્રમ પહેલા ગીર સોમનાથના તમિલ પરિવારોએ ગરબે ઘુમી નવ વર્ષ પર્વ 'પૂથાડુ વઝથુકલ'ની ભવ્ય ઉજવણી કરી. તમિલો માટે 'પૂથાંડુ વઝથુકલ' વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક છે. શ્રદ્ધા અને ઉત્સાહથી સોમનાથની ભૂમિ પર તમિલ પરિવારોએ તેમના નવવર્ષની ઉજવણી કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈ સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહનો માહોલ છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી અને ગરબે ઘૂમીને પોતાના બંધુઓને આવકારવા માટે ઉત્સાહ દાખવ્યો હતો.
મૂળ તમિલનાડુના પરંતુ દાયકાઓથી અહીં ગીર સોમનાથને કર્મભૂમિ બનાવી રહેતા તમિલ પરિવારે રંગેચંગે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની ઉજવણી કરી હતી. સ્ત્રીઓએ માથામાં ફૂલની વેણી અને સાડી, તો પુરૂષોએ પરંપરાગત લૂંગી-ખેસ સહિત તમિલ સંસ્કૃતિ દર્શાવતા વસ્ત્રો ધારણ કરી, રંગેચંગે નવવર્ષ પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતી ગરબે ઘૂમી અને પોતાના વતનને યાદ કરી ઉત્સવની ઉજવણી કરી હતી.
દાયકાઓથી અહીં વસવાટ કરતા તમિલ પરિવારમાંથી કોઈ માછીમારી તો કોઈ ઈડલી-ઢોસાની લારી, કોઈ સુતારીકામ તો કોઈ લુહારીકામ સાથે પણ સંકળાયેલા છે. તમિલ પરિવારના અહીં આશરે 48 જેટલા કુટુંબ છે જેના 300 જેટલા સભ્યો તહેવારોની ઉજવણીથી લઈને વ્યવસાય એમ તમામ મોરચે સમગ્ર રીતે ગુજરાતી બન્યા છે. ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમના માધ્યમથી તમીલ બંધુઓ પ્રભાસની ભૂમિ પર આવી રહ્યા છે.
તેમને ઉમળકાભેર સ્વાગત કરવા અમારો સમાજ આતુર છે.’ જ્યારે તિરૂપતિ ઢોસાની દુકાન ચલાવતા જય પ્રતાપભાઈ નાડારે જણાવ્યું હતું કે, ‘મારા પરદાદા નાગરકોઈલથી પ્રભાસની ભૂમિ પર સ્થાયી થયા. જે પછીથી અમારો પરિવાર દાયકાઓથી ગુજરાતી જ બનીને રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના ભવ્ય આયોજન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જ ગુજરાત સરકારનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છું.’
આ પણ વાંચો: Gir Somnath : 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થશે, કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ
સોમનાથમાં વસતા તમિલ પરિવારોએ નવ વર્ષની ઉજવણી નિમિત્તે તમામ ઘરે સુંદર મજાની રંગોળી કરી હતી અને રંગોળીની મધ્યમાં દિવાઓ પ્રગટાવી આરાધ્યદેવ પ્રત્યે શ્રદ્ધા દર્શાવી હતી. ‘પૂથાંડુ વઝથુકલ’નો શુભ દિવસ સમગ્ર તમિલનાડુમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. સોમનાથમાં વસતા તમિલ સમુદાયે એ રીતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી કે જાણે સમગ્ર તમિલ જ સૌરાષ્ટ્રમાં દ્રશ્યમાન થયું હતુ.
ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીર સોમનાથ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…