ગુજરાતની તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની આ તમામ કામગીરી ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી નજર રાખી રહ્યા છે.
દરમિયાન દરોડાની કામગીરી દરમિયાન ભૂજ જેલમાંથી 6 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તો વડોદરામાંથી સીમકાર્ડ ઝડપાયા હતા. સાથે જ કેટલીક જગ્યા પર જેલમાં તમાકુ,સિગરેટ સહિતની સામગ્રી મળી આવ્યા છે.
એક વિગત અનુસાર સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ અતિક અહેમદ હાઈ સિક્યુરિટી ઝોનમાં હતો છતાં વોટ્સએપ કોલથી વાત કરવાના અહેવાલ સામે આવ્યા હતા. આવી ગંભીર બાબતો સામે આવતા તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કરેલી બેઠક બાદ રાજ્યના મહાનગરો સહતિ. મહેસાણા, કચ્છ, ભાવનગર, અમરેલી, ભરૂચ, ખેડા, નવસારી સહિતની જેલમાં પોલીસ અધિકારીઓ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી છે. આ તમામ કામગીરી અંગે મુખ્યમંત્રી મોડી રાત સુધી માહિતી મેળવી રહયા હતા.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની બેઠક બાદ રાજ્યભરની તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે ડીજી ઓફિસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં ડીજીપી, એડીજીપી, આઈબી, સીઆઈડી એડીજીપી સહિતના અધિકારીઓ હાજર છે. આ બેઠક બાદ જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને રાજયભરની જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.