વિધાનસભાના આમંત્રિત કલાકારોમાં વિક્રમ ઠાકોરની ગેરહાજરી ઉડીને આંખે વળગી- જુઓ Video
થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે કલાકારોને આમંત્રણ અપાયુ હતુ પરંતુ વિક્રમ ઠાકોરને આ આમંત્રણ આપવામાં ન આવતા વિવાદ થયો હતો. જે બાદ સરકારે 1000 થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા. જેમા વિક્રમ ઠાકોરને પણ આમંત્રિત કરવામાં આવ્યા પરંતુ તેઓ ગેરહાજર રહેતા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે કલાકારોને આમંત્રણ અપાયુ હતુ પરંતુ વિક્રમ ઠાકોરને બાકાત રાખવાથી વિવાદ છેડાયો હતો. વિક્રમ ઠાકોરને આમંત્રિત ન કરાતા તેમણે તેને ઠાકોર સમાજના અપમાન સાથે જોડીને સરકારની ટીકા કરી હતી. જે બાદ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ફરી 1000 કલાકારોને વિધાનસભાની કામગીરી નિહાળવા માટે આમંત્રિત કરાયા હતા. જેમા વિક્રમ ઠાકોરને પણ આમંત્રિત કરાયા હતા. પરંતુ વિક્રમ ઠાકોર બે દિવસ દરમિયાન ગેરહાજર રહેતા ફરી નવી ચર્ચા જાગી છે.
જો કે આ મુદ્દે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી કે ઉમદા આશયથી કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. ગૃહની કામગીરી અને લોકશાહીની સમજણ આપવાનો આશય હતો. વિક્રમ ઠાકોર સત્રમાં વિવાદ વિના હાજરી આપત તો મને ગમત. વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યુ કે શુક્રવારે અંતિમ દિવસ છે તો તેઓ વિવાદ વિના ઉપસ્થિત રહી ગૃહની કામગીરી નિહાળશે તો મને ગમશે.
વિશ્વ રંગમંચ દિવસે કલાકારોને આમંત્રણ
વિશ્વ રંગમંચ દિવસના ભાગરૂપે 1000થી વધુ કલાકારોને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ અપાયું. વધુમાં, કલાકારો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ આમંત્રણના ભાગરૂપે બુધવારે પણ 15 જેટલા કલાકારોએ ગૃહની કાર્યવાહી નિહાળી હતી. વર્લ્ડ થિયેટર ડે ના અવસરે પણ હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, ચેતન ધાનાણી, મમતા સોની, મલ્હાર ઠાકર, હિતેન કુમાર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા હતા. આમંત્રણ પાઠવવા છતા વિક્રમ ઠાકોરની ગેરહાજરી આજે ચર્ચાનો વિષય બની છે. આ અંગે હિતુ કનોડિયાએ જણાવ્યુ હતુ કે વિક્રમ ઠાકોરને પહેલાથી જ આમંત્રણ અપાયુ હતુ, પરંતુ તેમણે કન્ફર્મ નથી કર્યુ કે તેઓ હાજર રહેશે કે નહીં. બધાજ કલાકારોને આમંત્રિત કરાયા છે, પરંતુ જે કલાકારો શુટિંગમાં વ્યસ્ત છે તેઓ આવી શકશે નહીં.
ક્યાથી શરૂ થયો વિવાદ?
ગત સપ્તાહે વિધાનસભામાં ગુજરાતના જાણીતા કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રિત કલાકારોમાં લોકપ્રિય ગાયક અને કલાકાર ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવીનો સમાવેશ થતો હતો. જોકે, ઠાકોર સમાજના કોઈપણ કલાકારને આમંત્રણ ન અપાતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જાહેરમાં આવી જણાવ્યુ હતુ. “અમે પણ આ સમાજનો હિસ્સો છીએ. જો અન્ય કલાકારોને આમંત્રણ અપાય છે, તો ઠાકોર સમાજના કલાકારોને પણ આમંત્રિત કરવા જોઈએ. આ પ્રકારની અવગણના ન થાય તે માટે હું સરકારને ધ્યાન દોરવા માગું છું.”
Input Credit- Kinjal Mishra- Gandhinagar