Radhanpur: મુખ્યમંત્રીએ 60 MLD ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી, 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી પાણી મળશે
રૂપિયા 77.77 કરોડના ખર્ચે તૈયાર કરાતી રાધનપુર અને સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજનાની રાધનપુર તાલુકાના 65 ગામ, 02 પરા વિસ્તાર અને રાધનપુર શહેરના મળી કુલ 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી સમયસર અને પુરતું પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે (Chief Minister Bhupendrabhai Patel) રાધનપુર (Radhanpur) ખાતે પાણી પુરવઠા વિભાગની રાધનપુર ગૃપ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા 60 એમ.એલ.ડી ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટ (filtration plant) ની મુલાકાત લીધી હતી. નર્મદા કેનાલ આધારિત બી.કે.3(પી-2) જૂથ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા ડબલ્યુ.ટી.પી., આર.સી.સી. સંપ સહિતની વ્યવસ્થાની કામગીરીની પ્રગતિ અંગે સમિક્ષા કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
રાધનપુર ખાતે રૂપિયા 77.77 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલી રાધનપુર અને સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજનાની રાધનપુર ગૃપ યોજનાથી તાલુકાના 65 ગામ, 02 પરા વિસ્તાર અને રાધનપુર શહેરના મળી કુલ 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી સમયસર અને પુરતું પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. જળ વિતરણની આ વ્યવસ્થાની હાલ 74 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે આગામી ઓગષ્ટ મહિના સુધીમાં સંપૂર્ણ કરી કાર્યાન્વિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત સમયે જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રભારી ગોવિંદભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારઓ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પોલિસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Surat: જિલ્લા સંકલન બેઠકમાં લોક સમસ્યા ઉકેલવામાં ધારાસભ્યોને કોઈ રસ ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા
આ પણ વાંચોઃ Rajkot : કમિશન કાંડને લઈ પોલીસ કમિશનર પર તવાઇ, મનોજ અગ્રવાલનું વધુ એક વખત નિવેદન નોંધાયુ