પાટીદાર અગ્રણી ઋષિકેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બીજીવાર બન્યા કેબિનેટ પ્રધાન
વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપનો 1995થી કબજો છે. વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલ સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે. પાટીદાર અનામત આંદોલનની અસર હેઠળ યોજાયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલે, કોંગ્રેસના મહેન્દ્ર કુમાર પટેલને 2869 મતોથી પરાજય આપ્યો હતો.
વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત થવાની સાથે જ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બીજીવાર પ્રધાન બન્યા છે. ઋષિકેશ પટેલ સતત ત્રણ ટર્મથી ધારાસભ્યપદે ચૂંટાઈ આવે છે. ભૂપેન્દ્ર પટેલની ગત સરકારમાં ઋષિકેશ પટેલે આરોગ્ય પ્રધાન તરીકેની કામગીરી સંભાળી હતી. ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લાના વિસનગરના પાટીદાર અગ્રણી છે. મહેસાણા જિલ્લામાં પાટીદાર મતદારોનુ પ્રભુત્વ રહેલું છે. 1984 બાદની ચૂંટણીઓમાં મહેસાણા જિલ્લામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.
ગુજરાતમાં આર્થિક અનામતની માંગણી સાથે 2015માં શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલનના મૂળ વિસનગરમાં જ હતા. 2015માં પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર વિસનગર હતું. તે સમયે ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્ય પ્રધાન હતાં, પાટીદાર દ્વારા અનામતની માગ કરવામાં આવી રહી હતી. 23 જુલાઈ 2015ના રોજ વિસનગરમાં અનામત આંદોલન બાબતે મસમોટું સંમેલન થયું હતું. આ રેલીમાં અસંખ્ય પાટીદારો જોડાયા હતા. પાટીદાર અનામત આંદોલનની અસર હેઠળ 2017માં લડાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો સુધી મર્યાદીત થઈ ગયુ હતું. સમગ્ર ગુજરાતમાં ભાજપને ભારે અસર થવા છતા, ઋષિકેશ પટેલ વિસનગર બેઠક પરથી ભાજપનો ભગવો લહેરાવવામાં સફળ રહ્યાં હતા.
2012-2017-2022માં ભવ્ય જીત
વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપનો 1995થી કબજો છે. વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલ સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલે, કોંગ્રેસના મહેન્દ્ર કુમાર પટેલને 2869 મતોથી પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં 1,58,346 કુલ મતદારમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 77,496 અને કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74,644 મત મળ્યા હતા. 2012માં પણ અહીં ઋષિકેશ પટેલ જ જીત્યા હતા. 2022ની ચૂંટણીમાં ઋષિકેશ પટેલનો 2800થી વધુ મતોથી વિજય થવા પામ્યો હતો.
ગત સરકારમાં હતા આરોગ્ય પ્રધાન
ગુજરાતમાં વિજય રૂપાણીને સ્થાને 2021માં અસ્તિત્વમાં આવેલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં વિસનગરના ધારાસભ્ય અને મહેસાણાના પાટીદાર અગ્રણી, ઋષિકેશ પટેલને આરોગ્ય પ્રધાન તરીકેની જવાબદારી સોપવામાં આવી હતી. ઋષિકેશ પટેલ વિસનગર એપીએમસીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વહીવટી કાબેલાતને પગલે, તેમને રાજ્યના પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.