વૈશ્વિક સ્તરે ટેકનોલોજી આધારિત ઇન્વેસ્ટિગેશન માટે કુશળ ફોરેન્સિક નિષ્ણાતો તૈયાર કરવા અનોખી પહેલ
NFSU વૈશ્વિક સ્તરે ટેકનોલોજી આધારિત ઇન્વેસ્ટિગેશન માટે કુશળ ફોરેન્સિક નિષ્ણાતો તૈયાર કરે છે. પાંચ દેશોએ NFSU સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 12મી ઈન્ટરપા કોન્ફરન્સ NFSU ખાતે પૂર્ણ થઈ. 13મી ઈન્ટરપા કોન્ફરન્સ સાઉદી અરેબિયામાં યોજાશે. ઈન્ટરપાના પ્રમુખ પ્રો. યિલમાઝ કોલાકે, ટર્કિશ નેશનલ પોલીસ એકેડમીના વડાએ બીજી વખત આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવા બદલ NFSUનો આભાર માન્યો હતો.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને INTERPA દ્વારા સંયુક્ત રીતે NFSU, ગાંધીનગર ખાતે 12મી વાર્ષિક ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ પોલીસ એકેડમીઝ (INTERPA) કોન્ફરન્સનું સમાપન તા.23મી નવેમ્બર, 2023ના રોજ થયું હતું. ગુરુવારે યોજાયેલા સમાપન સમારોહ દરમિયાન, ઈન્ટરપાના પ્રમુખ પ્રો. યિલમાઝ કોલાક, ટર્કિશ નેશનલ પોલીસ એકેડમીના વડાએ ડૉ. જે.એમ. વ્યાસ, NFSUના કુલપતિનું સન્માન કર્યું હતું.
આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા, ASEANAPOL ઉપરાંત 31 દેશોના 110થી વધુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તજજ્ઞોએ ભાગ લીધો હતો. ઈન્ટરપાના પ્રમુખ પ્રો. યિલમાઝ કોલાકે, ટર્કિશ નેશનલ પોલીસ એકેડમીના વડાએ બીજી વખત આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવા બદલ NFSUનો આભાર માન્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે આગામી 13મી વાર્ષિક ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમીઝ (ઈન્ટરપા) કોન્ફરન્સ વર્ષ 2024માં સાઉદી અરેબિયામાં યોજાશે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ, પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે 12મી ઇન્ટરપા કોન્ફરન્સમાં કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન કટોકટી વ્યવસ્થાપનમાં અત્યાધુનિક ટેક્નોલોજી અને પોલીસિંગના ઉપયોગ દ્વારા સમાજમાં કાયદો-વ્યવસ્થા જળવાય તે માટેના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી.
ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર હુમલાઓમાં પોલીસની વ્યૂહરચના અને ભૂમિકાની પણ ચર્ચા કરવામાં આવી હતી. NFSU માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વભરના દેશોને ગુનાની તપાસ અને ગુના નિવારવા માટે ટેક્નોલોજી આધારિત ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગી થાય તેવું કુશળ માનવબળ તૈયાર કરવાનું કાર્ય કરી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદની દીકરીએ કિર્ગિસ્તાનમાં યોજાયેલી પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના પ્રોફેસરોને કાયદાકીય રીતે નિષ્ણાત તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગરએ જણાવ્યું હતું કે NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે ઓપન લર્નિંગ સ્કૂલ હેઠળ ઑનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત, પાંચ દેશોએ NFSU સાથે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે શૈક્ષણિક, સંશોધન અને તાલીમ અંગે સંયુક્ત રીતે કામ કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. જેમાં બેલારુસ, ઇથોપિયા, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.