‘ગાંધીનગરની વાતો’ ભાગ-3: ગાંધીનગર મનપામાં ઉમેદવારોના નામ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે માત્ર 2 જ દિવસ બાકી છે, જો કે ભાજપ કોંગ્રસ બંનેમાંથી એક પણ પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.

  • Kinjal Mishra
  • Published On - 18:00 PM, 30 Mar 2021
'ગાંધીનગરની વાતો' ભાગ-3: ગાંધીનગર મનપામાં ઉમેદવારોના નામ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે માત્ર 2 જ દિવસ બાકી છે, જો કે ભાજપ કોંગ્રસ બંનેમાંથી એક પણ પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. કહી શકાય કે જે બન્ને રાજકીય પક્ષ વચ્ચે ચૂંટણીના મેદાનમાં સીધી ટક્કર છે, બન્ને પક્ષો હાલમાં ” વેઈટ એન્ડ વોચ”ની પરિસ્થિતિમાં છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 26 માર્ચે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક CM નિવસ્થાને યોજાઈ હતી, સાથે જ કોંગ્રેસમાં પણ સીનિયર નેતાઓ દ્વારા ગત સપ્તાહ ગાંધીનગરમાં ટિકિટ વાન્છુંકોને સાંભળવામાં આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે ધુળેટી બાદ એટલે કે 30 માર્ચે બંન્ને પક્ષ સત્તાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

 

 

જો કે હજુ બન્ને પક્ષે નામોનું કોકળું ગુંચવાયેલું છે. ભાજપની વાત કરવામાં આવે તો નવા સીમાંકન બાદ ગાંધીનગરમાં 5 ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થયો છે, સાથે જ કેટલાક શહેરી વિસ્તાર પણ છે. ત્યારે કેટલાક વોર્ડ એવા પણ છે, જ્યાં સરપંચ દ્વારા તેમના ગામના પ્રતિનિધિને ટિકિટ આપવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તો શહેરી વિસ્તારમાં કાર્યકર્તાઓ પણ ટિકિટ માટે પ્રદેશ સુધી લોબીગ કરી રહ્યા છે, મહત્વનું એ પણ છે કે ભાજપ અન્ય મનપાની જેમ ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ મહદઅંશે નો રિપીટ થિયરી અપનાવવાના અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાના મૂડમાં છે.

 

પરંતુ આ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને દબદબો સમાન રહ્યો છે, જેની સાક્ષી ગત ચૂંટણીમાં પરિણામો સાક્ષી પુરાવે છે, જ્યાં બન્ને પક્ષને એક સરખી બેઠકો મળી હતી. ત્યારે કોઈ પણ બેઠક પર ખોટા ઉમેદવારની પસંદગીથી બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે, એવું પાર્ટીના સિનિયર આગેવાનોનું માનવું છે તેમજ જેમને પડતા મુકવાના છે તેમને પણ સમજાવવાના પ્રયાસ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.

 

 

જેથી નામોની જાહેરાત બાદ કોઈ પ્રકારનું ડેમેજ ના થાય એ કારણ છે કે ભાજપ હવે 31 માર્ચે જ નામોની યાદી જાહેર કરશે. બીજી તરફ કોંગ્રેસની જો વાત કરવામાં આવે છે ગાંધીનગર મનપા પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે પણ અત્યાર સુધી સત્તા પર માત્ર 1 જ વાર અને તે પણ એક ટર્મ જ રહી છે. 6 મનપાની ચૂંટણીઓના પરિણામો બાદ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે. હાલ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે જયરાજસિંહને જવાબદારી સોંપી છે. જો કે કોંગ્રેસમાં ચૂંટણીઓમાં નામોની જાહેરાત મહદઅંશે છેલ્લી ઘડીએ થતી હોય છે અને મોટાભાગે નામોની જાહેરાત બાદ પાર્ટી કાર્યાલય પર વિરોધના દ્રશ્યો જોવા મળતા હોય છે.

 

પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યા બાદ અમિત ચાવડા સીધી રીતે કોઈ જવાબદારી પોતાના શીરે લેવા માંગતા નથી અને એ જ કારણ છે કે નામોની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે, જો કે કોંગ્રેસ કેટલાક નામોની જાહેરાત મોડી રાત્રે કરે એવી શક્યતા છે, પરંતુ હાલ તો બંને રાજકીય પક્ષ વેઈટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે.

 

આ પણ વાંચો: ‘ગાંધીનગરની વાતો’ ભાગ-2: ગાંધીનગરનું નવું સીમાંકન કોને ફળશે અને કોને નડશે?