Gandhinagar : રાજ્યની ગૌશાળા-પાંજરાપોળો માટે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાત, ગૌમાતા પોષણ યોજનાની સહાયના ધોરણમાં કરાયો સુધારો
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો લાભ મેળવવા માંગતી સંસ્થાઓએ હવે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આવી સહાયની રકમ જે તે સંસ્થાને DBTથી સીધી જ તેના બેન્ક ખાતામાં જમા આપવામાં આવશે.
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) નેતૃત્વમાં રાજ્ય સરકારે ગૌશાળા-પાંજરાપોળોના હિતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાયના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે.
રાજ્યમાં જે ગૌશાળા-પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય, પરંતુ એક કરતાં વધુ સ્થળે પશુ નિભાવ શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને શાખા દીઠ વધુમાં વધુ 3 હજાર પશુની મર્યાદામાં પશુ દીઠ રોજના રૂ.30 પ્રમાણે સહાય અપાશે. આ ઉપરાંત સહાય મેળવવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવા પણ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સહાય મેળવવા માટેની અરજી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવાની રહેશે
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો લાભ મેળવવા માંગતી સંસ્થાઓએ હવે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આવી સહાયની રકમ જે તે સંસ્થાને DBTથી સીધી જ તેના બેન્ક ખાતામાં જમા આપવામાં આવશે. સમસ્ત મહાજન દ્વારા રાજ્યની ગૌશાળા પાંજરાપોળોને સ્વાવલંબન માટે રૂ. 2.51 કરોડની સહાયના ચેક અર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં ગૌમાતા પોષણ યોજનાના સહાયના ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં જણાવ્યું હતું કે, જીવદયાના કાર્યોથી લઈને છેવાડાના નાનામાં નાના માનવીના વિકાસ સુધીની વિવિધ યોજનાઓમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનભાગીદારી-પીપીપીના મોડલ દ્વારા વિકાસની રાજનીતિની ગતિ વધુ વેગવંતી બનાવી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, દરેક યોજનામાં જન-જન કઈ રીતે જોડાય તેનો સફળ આયામ વડાપ્રધાને આદર્યો છે.
નાણામંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા
આ સમારોહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વિધાનસભાના ઉપદંડક જગદીશ મકવાણા સહિત સમગ્ર રાજ્યની ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોને સહાયના ચેક અર્પણ કરવા ઉપરાંત રાજસ્થાનની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોનું જીવદયાના આ અદકેરા કાર્ય માટે સન્માન કર્યું હતું.