Gandhinagar: પડતર કેસોના નિકાલ માટે ઉચ્ચસ્તરીય સમિતિનુ ગઠન કરાશે, ઝડપથી નિકાલ માટે કરાશે પ્રયાસ-ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, નામદાર હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું સતત મોનીટરીંગ, સંકલન તેમજ ઝડપી નિકાલ માટે એક ઉચ્ચસ્તરીય સમિતીનું ગઠન કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારના અનેક કેસો પડતર રહ્યા છે. આવા પડતર કેસોનુ ઝડપથી નિરાકરણ થાય એ દિશામાં સરકાર દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે એક મહત્વનુ પગલુ આ દિશામાં ભરવા માટે સમિતિનુ ગઠન કરવાનુ નક્કી કર્યુ હતુ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સમિતિ રચવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના દ્વારા હાઈકોર્ટમાં સરકારના રહેલા પડતર કેસોનુ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવશે.
પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આ અંગેની વિગતો આપી હતી. તેઓએ કેબિનેટ બેઠક સમાપ્ત થયા બાદ આ અંગેની વિગતો મીડિયાને આપી હતી. પ્રધાન ઋષિકેશ પટેલે બતાવ્યુ હતુ કે, ઉચ્ચ સ્તરિય સમિતિની રચના કરવામાં આવશે. જેના કારણે રાજ્ય સરકારના કેસોના ઝડપી નિકાલ થશે. કાયદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ IILMS ની ઉપયોગીતાને અસરકારક બનાવાશે એમ પણ તેઓએ ઉમેર્યુ હતુ.
દરેક વિભાગના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
કેસોના ઝડપી નિકાલ માટે થઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને નોડલ અધિકારીઓની બેઠક મળી હતી. ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં આ સંદર્ભમાં જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન દરેક વિભાગના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવા માટે પણ જણાવવામાં આવ્યુ હતુ. તેમજ IILMS માં એકાઉન્ટ કાર્યરત કરવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ.
IILMS ની ઉપયોગીતા સફળ બનાવવા માટે થઈને રાજ્ય સરકાર દ્વારા હવે દરેક વિભાગના નોડલ અધિકારીઓને IILMSની ઉપયોગીતા અને તેના સંદર્ભ અંગે તાલીમ આપવામાં આવશે. IILMS સિસ્ટમ મુજબ દરેક વિભાગોમાં દરેક કોર્ટ કેસોનુ મેપીંગ કરવાનુ રહેશે. ઉપરાંત તમામ વિભાગોએ તેમની નિચલી કચેરીઓ અને વિભાગના તમામ કેસોને લઈને વિગતો એકઠી કરવાની રહેશે અને તેને તુરત જ કાયદા વિભાગને પુરી પાડવાની રહેશે. આ માટે મહત્તમ 15 દિવસનો સમય મેપિંગ અને વિગતો પુરી પાડવા માટે દર્શાવ્યુ છે.
સુપ્રિમ કોર્ટના કેસો અંગે પણ વિગતો રજૂ કરવા સૂચના
પ્રવક્તા પ્રધાને વિગતો આપવા દરમિયાન બતાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટમાં પણ કેસો હોવાને લઈ માહિતી એકઠી કાયદા વિભાગ દ્વારા કરવામાં આવશે. એસએલપી કેસોને ફાઈલ કરવા માટે સૂચના અપાઈ છે. તેમજ એસએલપી બાકી કેસોની વિગતો પણ પૂરી પાડવા માટે જણાવ્યુ છે. આ તમામ વિગતો IILMS દ્વારા પુરી પાડવા માટે જણાવ્યુ છે.