Gujarati Video: 20 હજાર કરોડના મૂલાસણા જમીન કૌભાંડમાં તપાસની માગ સાથે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોના ધરણા
Gandhinagar: મૂલાસણા જમીન કૌભાંડને લઈને કોંગ્રેસ દ્વારા બીજા દિવસે વિધાનસભા પરિસરમાં ધરણા કરવામાં આવ્યા. કોંગ્રેસના ધારાસભ્યોએ મૂલાસણા જમીન કૌભાંડમાં તપાસની માગ સાથે ધરણા કર્યા હતા. 99 વર્ષના ભાડા પટ્ટે અપાયેલી જમીનમાં આચરાયેલા કૌભાંડ મામલે કોંગ્રેસ દ્વારા તપાસની માગ કરવામાં આવી છે.
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના મુલાસાણાની જમીન કૌભાંડ મામલે કોંગ્રેસના ધારસભ્યો દ્વારા વિધાનસભા સત્રના બીજા દિવસે પણ વિધાનસભા પરિસરમાં ધરણા કરવામાં આવ્યા હતા. 20 હજાર કરોડના જમીન કૌભાંડમાં યોગ્ય તપાસ કરાવવાની કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે. વિધાનસભા પરિસરમાં ખેડૂતોને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં બેનરો સાથે પ્રદર્શન કર્યુ હતુ.
જમીન કૌભાંડમાં તત્કાલિન સરકારની સંડોવણી હોવાનો કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસનો આક્ષેપ છે કે 99 વર્ષના ભાડા પટ્ટે અપાયેલી જમીનમાં તત્કાલિન કલેક્ટર એસ.કે લાંગા જે માત્ર પ્યાદુ છે તેમને જેલમાં નાખવામાં આવ્યા છે પરંતુ જમીન કોના ઈશારે અને કોની મંજૂરીથી બિનખેતી કરવામાં આવી તે સરકાર છુપાવી રહી છે. કોંગ્રેસે વિધાનસભાના પ્રથમ દિવસે પણ મૂલાસણા જમીન વિવાદ મુદ્દે સરકાર પર સવાલોનો મારો ચલાવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા પ્રશ્ન કરાયો કે મૂલાસણાની જમીન બિનખેતી કરવા માટે મહેસૂલ વિભાગ કે ચેરિટી કમિશનરની મંજૂરી લેવાઈ હતી કે કેમ? આ સમગ્ર કૌભાંડમાં છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા શું પગલા લેવામાં આવ્યા. જમીનને બિનખેતી (NA) કરવામાં તત્કાલિન મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રી સામે કેમ ફરિયાદ નથી થઈ?
કલેક્ટરના હુકમ રદ કરવા સરકારે GRT, SSRTમાં અપીલમાં કેમ આજ સુધી નથી ગઈ?
મૂલાસણાની પાંજરાપોળની 99 વર્ષની ભાડાપટ્ટે અપાયેલી જમીનમાં આચરાયેલા કૌભાંડ અંગે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમા સરકાર તરફથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે મૂલાસણા જમીન વિવાદ મામલે નિમવામાં આવેલી SIT દ્વારા તપાસ ચાલુ છે. 20 હજાર કરોડના જમીન કૌભાંડમાં કોંગ્રેસ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કૌભાંડમાં માત્ર કલેક્ટર નહીં પરંતુ તત્કાલિન સરકારની પણ સંડોવણી છે. જમીન કૌભાંડમાં કલેક્ટરે કરેલા હુકમો રદ કરવા માટે સરકારે GRT માં અને SSRTમાં અપીલ કરવી પડે અને આજસુધી સરકાર દ્વારા એ અપીલ કરાઈ નથી. જેનો અર્થ એ છે કે સરકારની ચોક્કસથી કૌભાંડમાં સંડોવણી છે.
કોંગ્રેસનો આરોપ છે કે આટલા મોટા કૌભાંડમાં કલેક્ટર જેલમાં છે છતા એ જ કૌભાંડમાં જે લોકોને જમીન ફાળવણી કરવામાં આવી છે તેને બાંધકામની પરવાનગી પણ આપી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો કે નવી સરકાર પણ જમીન કૌભાંડમાં સામેલ થઈ જ ગઈ છે. આથી પશુપાલકોને ન્યાય મળે તેવુ હાલ તો જણાતુ નથી. તેના માટે જ હાલ દેખાવો કરવા પડે છે
આ પણ વાંચો: Gandhinagar : ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GSTનું સુધારા
ઉલ્લેખનીય છે કે વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પણ મૂલાસણા જમીન કૌભાંડના ભોગ બનનારા ખેડૂતો જોડાયા હતા અને તેમણે વ્યથા વ્યક્ત કરી હતી કે છેલ્લી ત્રણ-ચાર પેઢીઓથી ગણોતિયા ખેડૂતોની જમીનો પડાવી લેવામાં આવી. જેમા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદો થઈ છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો